યહ પડોશી હૈ કિ માનતા નહીં : રાજનાથના પાક. પર પ્રહારો - Sandesh
  • Home
  • India
  • યહ પડોશી હૈ કિ માનતા નહીં : રાજનાથના પાક. પર પ્રહારો

યહ પડોશી હૈ કિ માનતા નહીં : રાજનાથના પાક. પર પ્રહારો

 | 3:12 am IST
  • Share

નવી દિલ્હી :

ભારતનાં ગૃહ પ્રધાન રાજનાથ સિંહે કહ્યું હતું કે સાર્ક દેશોનાં ગૃહપ્રધાનોની બેઠકમાં ભાગ લેવા તેઓ પાકિસ્તાન ગયા ત્યારે તેમની સાથે સારું વર્તન કરવામાં આવ્યું ન હતું. પાકિસ્તાનથી પાછા ફર્યા પછી તેમણે શુક્રવારે રાજયસભામાં તેમની પાક. યાત્રા અંગે નિવેદન કર્યું હતું. ત્રાસવાદ સામે લડવા તમામ સાંસદોએ એકતા અને કટિબદ્ધતા દર્શાવી તે અંગે તેમણે તમામ સાંસદોનો આભાર માન્યો હતો.

રાજનાથસિંહે કહ્યું હતું કે અત્યાર સુધી ભારતનાં તમામ વડાપ્રધાનોએ પાકિસ્તાન સાથે સંબંધો સુધારવા શક્ય તેટલા પ્રયાસો કર્યા છે પણ પાકિસ્તાનનો પ્રતિભાવ ક્યારેય સાનુકૂળ રહ્યો નથી. તેમણે કહ્યું કે “ યહ પડોશી હૈ કિ માનતા નહીં “ ત્રાસવાદ સામે લડવા તમામ ભારતીય પીએમ દ્વારા તમામ પ્રકારનાં પગલાં લેવામાં આવ્યા છે. વાજપેયીજીએ ભૂતકાળમાં એવું કહ્યું હતું કે આપણે મિત્રો બદલી શકીએ પણ પડોશી બદલી શકતા નથી. મનમોહન સિંહે પણ નરમ વલણ અપનાવી ભૂતકાળમાં એવું કહ્યું હતું કે પાક. પણ ત્રાસવાદનો ભોગ બન્યુ છે. પણ દુર્ભાગ્યે પાકિસ્તાન તેની જાતને આપણા પડોશી ગણતું જ નથી.

હું ત્યાં ભોજન કરવા ગયો ન હતો

રાજનાથ સિંહે કહ્યું હતું કે લંચ માટે પાક.નાં ગૃહપ્રધાન ચૌધરી નિસાર અલી ખાને સૌને આમંત્રણ આપ્યું હતું પણ તેમણે મહેમાનો સાથે ભોજન લેવાનો શિષ્ટાચાર જાળવ્યો ન હતો. તેઓ પછી કારમાં ચાલ્યા ગયા હતા. આથી ભારતનું ગૌરવ જાળવવા હું પણ ભોજન કર્યા વિના ભારત પાછો આવી ગયો હતો. આથી આ મામલે પાક. સામે મારી કોઈ ફરિયાદ નથી. હું ત્યાં ભોજન કરવા ગયો ન હતો. ભારતીય પ્રતિનિધિમંડળે તેમની હોટેલમાં ભોજન લીધું હતું.

ત્રાસવાદીઓને બહેકાવો નહીં

રાજનાથ સિંહે સાર્ક બેઠકમાં ત્રાસવાદ સામે કડક વલણ અપનાવ્યું હતું તેમણે સાર્ક દેશોનાં તમામ ગૃહપ્રધાનોને કહ્યું હતું કે તેમણે ત્રાસવાદીઓને બહેકાવવા જોઈએ નહીં કે તેમને સ્વાતંત્ર્ય સેનાની કે શહીદ જાહેર કરવા જોઈએ નહીં. પાકિસ્તાનને આડે હાથ લેતા તેમણે કહ્યું હતું કે ત્રાસવાદ સારો કે ખરાબ હોઈ શકે નહીં. કોઈ એક ત્રાસવાદી એક દેશ માટે આતંકી અને બીજા માટે શહીદ હોઈ શકે નહીં. પાકિસ્તાને ત્રાસવાદ મુદે આંતરરાષ્ટ્રીય પ્રતિબંધોનું પાલન કરવું જોઈએ. ત્રાસવાદને ટેકો આપતા દેશો સામે કડક પગલાં લેવા તેમણે માગણી કરી હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો