Nepal Government plan to send New Nepal Map to Google and UN
  • Home
  • Featured
  • નેપાળની નવી ચાલ! નવા અને વિવાદિત નકશાને વિશ્વભરમાં મોકલવાની કરી તૈયારી

નેપાળની નવી ચાલ! નવા અને વિવાદિત નકશાને વિશ્વભરમાં મોકલવાની કરી તૈયારી

 | 6:51 pm IST

ભારત સાથે સરહદ વિવાદ મુદ્દે વાટાઘાટ કરવાની વાત કરનાર નેપાળ હવે વિશ્વભરમાં તેના નવા અને વિવાદિત નકશાને મોકલવાની તૈયારી કરી રહ્યું છે. નેપાળના ભૂમિ સંચાલન મંત્રાલય મુજબ દેશના નવા નકશાને અંગ્રેજીમાં પ્રકાશિત કર્યા બાદ આને સંયુક્ત રાષ્ટ્ર અને ગૂગલને મોકલવામાં આવશે. આપને જણાવી દઈએ કે આ નવા નકશામાં ભારતના લગભગ 335 કિલોમીટર ના ભૂ-ભાગને નેપાળમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

નવા નેપાળી નક્શાનું ઇંગ્લિશમાં અનુવાદ:

એક મીડિયા રિપોર્ટ મુજબ નેપાળના જમીન સંચાલન વિભાગના મંત્રી પદ્મ આર્યલે કહ્યું કે અમે જલ્દી ઇન્ટરનેશનલ સંગઠનને દેશનો નવો અને સંશોધિત નકશો મોકલીશું. જેમાં કાલાપાની, લિપુલેખ અને લિંપિયાધુરાને નેપાળનો હિસ્સો બતાવવામાં આવ્યા છે. આ માટે નકશામાં પ્રયોગ કરેલ શબ્દોને અંગ્રેજીમાં અનુવાદ કરવાનું કામ કરી રહ્યા છીએ. તેમણે જણાવ્યું કે ઓગસ્ટના મધ્ય સુધી ઇન્ટરનેશનલ લેવલે નવો નકશો સોંપવામાં આવી શકે છે.

આપને જણાવી દઈએ કે નેપાળે 20 મેના રોજ કેબિનેટમાં નકશાને રજૂ કર્યો હતો. જેને નેપાળી સાસંદની પ્રતિનિધિ સભાએ 13 જૂનના રોજ મંજૂરી આપી હતી. આ નવા નકશામાં કાલાપાની, લિપુલેખ અને લિંપિયાધુરાને નેપાળનો હિસ્સો બતાવવામાં આવ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ નેપાળ સરકારે નવા નકશાની 4000 કોપી અંગ્રેજીમાં પ્રકાશિત કરવાની તૈયારી કરી છે. આ કામ માટે એક કમિટીની રચના પણ કરવામાં આવી છે. માહિતી મુજબ સંબંધિત વિભાગે નેપાળમાં નકશાની 25,000 કોપી પહેલાથી જ પ્રિંટ કરી છે. જે દેશની અંદર વિતરિત કરવાની યોજના છે.

નેપાળી મંત્રીએ ભારત પર સાધ્યું નિશાન:

મીડિયા રિપોર્ટ મુજબ નેપાળી વિદેશમંત્રી પ્રદીપ કુમાર જ્ઞાવલીએ કહ્યું કે કોરોના કાળમાં ભારત વિશ્વના અન્ય દેશો સાથે વાતચીત કરી રહ્યું છે પરંતુ અમારી સાથે વાત નથી કરી. રિપોર્ટ મુજબ તેમણે દાવો કર્યો હતો કે જ્યારે નવેમ્બર 2019માં ભારતે તેના રાજકીય નકશાની 8મી આવૃત્તિ પ્રકાશિત કરી હતી, ત્યારે તેમાં નેપાળના કલાપાની, લિપુલેખ અને લિંપિયાધુરાનો સમાવેશ કર્યો હતો. નિશ્ચિત રૂપે નેપાળે, રાજકીય નિવેદનો અને રાજદ્વારી માધ્યમથી તેનો વિરોધ કર્યો હતો. તે સમયે અમે અમારા ભારતીય મિત્રોને આ સમસ્યાઓ હલ કરવા માટે ઔપચારિક રીતે રાજદ્વારી વાટાઘાટો શરૂ કરવા જણાવ્યું હતું. અમે સંભવિત તારીખો માટે પણ પ્રસ્તાવ મૂક્યો પણ અમારી દરખાસ્તનો સમયસર જવાબ આપવામાં આવ્યો ન હતો.

આ વીડિયો પણ જુઓ: સુશાંતની બહેન શ્વેતાસિંહે ટ્વીટ કરી PM પાસે માગી મદદ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન