ભારતને દગો દઈને નેપાળનો ચીન સાથે યુદ્ધ અભ્યાસ - Sandesh
  • Home
  • Featured
  • ભારતને દગો દઈને નેપાળનો ચીન સાથે યુદ્ધ અભ્યાસ

ભારતને દગો દઈને નેપાળનો ચીન સાથે યુદ્ધ અભ્યાસ

 | 9:41 pm IST

બિમ્સટેકનાં એક સભ્ય દેશ તરીકે બિમ્સટેકનાં દેશોના સંયુક્ત સૈન્ય અભ્યાસમાં જોડાવાના મુદ્દે નેપાળે ભારતને દગો દીધો અને ચીનનાં ખોળામાં જઈને બેઠું છે. ભારત સાથે દગાખોરી રમીને નેપાળે આખરે ચીન સાથે સંયુક્ત સેના અભ્યાસમાં જોડાવાની જાહેરાત કરી છે. આ માટે નેપાળ ચીનમાં ૨૦ સૈનિકોને મોકલશે તેમ નેપાળ આર્મીનાં પ્રવક્તા બ્રિગેડિયર જનરલ ગોકુલ ભંડારીએ જણાવ્યું હતું. સાગરમાથા ફ્રેન્ડશીપ- ૨ નામનો આ યુધ્ધ અભ્યાસ ચીનના ચેંગડુ ખાતે 17થી 28 સપ્ટેમ્બર વચ્ચે યોજાનાર છે. આ યુદ્ધ અભ્યાસનો હેતુ આતંકવાદ સામેની કામગીરીને વધુ મજબૂત કરવાની છે. નેપાળે અગાઉ બિમ્સટેક દેશોનાં સૈન્ય અભ્યાસમાં સૈનિકો નહીં મોકલવા નિર્ણય લીધો હતો. ભારત સાથે આ પ્રકારની સમજૂતીથી નેપાળમાં કેટલાક નેતાઓમાં મતભેદો હતા. નેપાળના આ પગલા પછી ભારત અને નેપાળ વચ્ચેનાં સંબંધોમાં કડવાશ સર્જાઈ શકે છે. બિમ્સટેક દેશોનાં પહેલા સંયુક્ત સૈન્ય અભ્યાસમાં સામેલ નહીં થઈને નેપાળે ભારતની ચિંતા વધારી હતી. નેપાળે ગયા વર્ષે ચીન સાથે સૈન્ય અભ્યાસ કર્યો હતો જે ગયા વર્ષે એપ્રિલમાં યોજાયો હતો.

મોદીએ બિમ્સટેક સૈન્ય અભ્યાસની જાહેરાત કરી હતી
ભારતના પીએમ મોદીએ બિમ્સટેકની નેપાળ ખાતેની બેઠકમાં સંયુક્ત સૈન્ય અભ્યાસની જાહેરાત કરી હતી. નેપાળ આર્મીનાં પ્રવક્તા ભંડારીએ કહ્યું હતું કે, ભારત સાથેનાં સૂર્યકિરણ અભ્યાસમાં નેપાળે અગાઉ ૩૦૦ સૈનિકો મોકલ્યા હતા. નેપાળનાં પીએમ ઓલીનું વલણ ચીન તરફી છે. તેમણે મોદીને સાર્ક બેઠકો ન અવરોધવા અપીલ કરી હતી. આ પછી ભારત સાથેનું તેનું વલણ બદલાયું હતું.

ભારતે નારાજગી દર્શાવી
નેપાળે ચીન સાથે સંયુક્ત સૈન્ય અભ્યાસનો નિર્ણય લીધા પછી નેપાળ સમક્ષ નારાજગી દર્શાવી છે. નેપાળનાં આ પગલાને કવેળાનું અને સમજી ન શકાય તેવું ગણાવ્યું છે. આંતરિક રાજકીય દબાણને કારણે આ નિર્ણય લેવાયો હોવાની નેપાળની સ્પષ્ટતાને ભારતે સમજી ન શકાય તેવી ગણાવી છે. ભારતને આને કારણે પ્રાદેશિક ગ્રુપમાં શરમજનક સ્થિતિમાં મુકાવું પડયું છે. ભારતે પત્ર લખીને નેપાળને જણાવ્યું છે કે સંયુક્ત સૈન્ય અભ્યાસમાં નહીં જોડાઈને તેણે બિમ્સટેકનાં સર્વસંમત પ્રસ્તાવનો ભંગ કર્યો છે.