નેપાળનો ભારતને દગો, સંયુક્ત અભ્યાસમાં સૈન્ય મોકલવાથી કર્યો ઇન્કાર - Sandesh
  • Home
  • World
  • નેપાળનો ભારતને દગો, સંયુક્ત અભ્યાસમાં સૈન્ય મોકલવાથી કર્યો ઇન્કાર

નેપાળનો ભારતને દગો, સંયુક્ત અભ્યાસમાં સૈન્ય મોકલવાથી કર્યો ઇન્કાર

 | 6:08 pm IST

ભારતના પુણેમાં સોમવારથી શરૃ થઈ રહેલા બિમ્સટેક દેશોનાં પહેલા સંયુક્ત સૈન્ય અભ્યાસમાં નેપાળે છેલ્લી ઘડીએ ભારતને દગો દીધો છે અને પોતાનું સૈન્ય ભારત મોકલવા ઇનકાર કર્યો છે. નેપાળી મીડિયાએ જણાવ્યું હતું કે સૈન્ય અભ્યાસ માટે ભારતમાં પોતાનું સૈન્ય મોકલવાના મામલે સત્તારૃઢ પક્ષોના નેતાઓ વચ્ચે મતભેદો હતા. આથી પીએમ ઓલીએ સૈન્ય મોકલવાનો નિર્ણય રદ કર્યો હતો. પુણેમાં સંયુક્ત સૈન્ય અભ્યાસ એક અઠવાડિયું ચાલવાનો છે. સૈન્ય અભ્યાસ માટે કૂટનીતિક સમજૂતી નહીં થવાથી નેપાળને જ નુકસાન થવાનું હતું.

નેપાળ ફક્ત ૩ નિરીક્ષકો જ મોકલશે
નેપાળ હવે માઇલેક્સ – ૨૦૧૮ સૈન્ય અભ્યાસમાં ફક્ત ૩ ઓબ્ઝર્વર્સ જ મોકલશે. જ્યારે થાઇલેન્ડ પણ અગાઉથી નક્કી કર્યા મુજબ ફક્ત ઓબ્ઝર્વર્સ મોકલશે. નેપાળના આર્મી ચીફ જનરલ પૂર્ણ ચંદ્ર થાપાએ સૈન્ય અભ્યાસનાં સમાપન સમારોહમાં આવવાના હતા પણ તેમણે ભારત પ્રવાસ રદ કર્યો છે.

ભારતે સૈન્ય અભ્યાસની દરખાસ્ત કરી હતી
બિમ્સટેક દેશોનાં સૈન્ય ઓફિસરોની બેઠકમાં ભારતે સંયુક્ત સૈન્ય અભ્યાસનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. બિમ્સટેકમાં ૬ દેશો સભ્ય છે જેમાં ભારત, બાંગ્લાદેશ, મ્યાનમાર, શ્રીલંકા, થાઇલેન્ડ, ભૂતાન અને નેપાળનો સમાવેશ થાય છે. બંગાળનાં અખાતથી જોડાયેલા દેશોનાં આર્થિક અને ટેક્નિકલ વિકાસ માટે આ દેશો કામ કરે છે.

ચીન અને નેપાળની નિકટતા વધી
આમેય ભારતને વિખૂટુ પાડવા માટે ચીન જાતજાતનાં દાવપેચ અજમાવી રહ્યું છે અને તેને મદદની લલચામણી ઓફરો કરી રહ્યા છે. નેપાળ ચીનની આ ચાલમાં સપડાઈ રહ્યું છે અને ભારત સાથેનાં સંબંધોમાં ઓટ આવી રહી છે. ગયા શુક્રવારે ચીને નેપાળને તેનાં બંદર અને ત્રણ પોર્ટ લેન્ડનો ઉપયોગ કરવાની મંજૂરી આપી હતી. આને કારણે ચારે બાજુ જમીનથી ઘેરાયેલા નેપાળ માટે ભારત પર અવલંબન રાખવાનું ઘટશે. પડોશી દેશોને પટાવવા ચીન પહેલા તેમને નાણાકીય મદદ અને લોન આપીને ફસાવતું હતું હવે તે સંસાધનોનો ઉપયોગ કરવાની છૂટ આપીને અન્ય દેશોને તેની છાવણીમાં લઈ જવા ફસાવે છે. ભારત માટે ચીનની આ ચાલ ચિંતાજનક છે.