ness-wadia-against-filed-by-actor-preity-zinta-bombay-high-court-quashes-molestation-case
  • Home
  • Entertainment
  • Bollywood
  • નેસ વાડિયાએ માફી માગતાં પ્રિટી ઝિન્ટાએ કેસ પાછો ખેંચ્યો

નેસ વાડિયાએ માફી માગતાં પ્રિટી ઝિન્ટાએ કેસ પાછો ખેંચ્યો

 | 9:04 pm IST

2014માં ઇન્ડિયન પ્રિમિયર લીગ(આઇપીએલ)ની મેચ દરમ્યાન ઉદ્યોગપતિ નેસ વાડિયા સામે અભિનેત્રી પ્રિટી ઝિન્ટાએ કરેલાં છેડતીના કેસને બોમ્બે હાઇકોર્ટે બુધવારે કેસ ફગાવી દીધો હતો. જસ્ટિસ રણજીત મોરે અને જસ્ટિસ ભારતી ડાંગરેની ખંડપીઠે બંને જણાંને બુધવારે ચુકાદાની સુનાવણી વખતે હાજર રહેવા માટે જણાવ્યું હતું. નેસ વાડિયાએ પ્રિટીએ કરેલી એફઆઇઆરને રદ કરવા માટે અરજી નોંધાવી હતી. છેવટે નેસ વાડિયાએ માફી માગતું સોગંદનામું અદાલતમાં રજૂ કર્યા બાદ પ્રિટી ઝિન્ટાએ નેસ વાડિયા સામે કરેલો કેસ પાછો ખેંચી લીધો હતો.

અગાઉ આ કેસની સુનાવણીમાં હાઇકોર્ટે વાડિયાએ નોંધાવેલી અરજીનો જવાબ નોંધાવવા માટે પ્રિટીને આદેશ આપ્યો હતો પરંતુ પ્રિટી ઝિન્ટાએ જવાબ નોંધાવ્યો નહોતો. ઝિન્ટાએ આઇપીએલની મેચ દરમ્યાન વાડિયાએ છેડતી કરી હોવાનો અને તેને ધમકાવી હોવા બાબતે મરીનડ્રાઇવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. બંને જણાં એ સમયે કિંગ્સ ઇલેવન પંજાબ આઇપીએલ ટીમના સહમાલિકો હતા. ચાર વર્ષ બાદ આ કેસમાં પોલીસે નેસ વાડિયા સામે આરોપનામું મુક્યું હતું.

અગાઉ સોમવારે થયેલી સુનાવણી દરમ્યાન અદાલતે બંને પક્ષોને કેસની પતાવટ કરવાની સલાહ આપી હતી. એ વખતે પણ પ્રિટીએ નેસ વાડિયા માફી માગે તો કેસ પાછો ખેંચવાની તૈયારી બતાવી હતી. પરંતુ નેસ વાડિયાએ એ સમયે માફી માગવાની ના પાડી હતી.

શું હતો મામલો?

2014માં આઇપીએલની મેચ દરમ્યાન તેમની ટીમ જીતી રહી હોવા છતાં વાડિયા ગ્રાઉન્ડ સ્ટાફને દબડાવી રહ્યો હોવાથી પ્રિટીએ તેઓ મેચ જીતી રહ્યા છે તેમ કહી વાડિયાને શાંત થવા માટે જણાવ્યું હતું. પરંતુ વાડિયાએ શાંત થવાને બદલે ટીમની સહમાલિક પ્રિટીને પણ ખખડાવી હતી. જેને પગલે પ્રિટીએ જગ્યા બદલી નાંખી હતી પણ નેસ વાડિયાએ તેને ધમકાવવાની ચાલુ રાખ્યું હતું. ટીમના સભ્યો સામે ગાળો પડતાં પ્રિટી વિફરી હતી. વાડિયાએ પ્રિટીનો હાથ પકડી તેને ખેંચતાં તેને ઉઝરડા પડયા હતા જેને પગલે પ્રિટીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. પ્રિટીએ તેની ફરિયાદમાં જણાવ્યું હતું કે નેસે તેને ગાયબ કરી દેવાની ધમકી આપી હતી. જો કે નેસ વાડિયાએ પ્રિટીએ કરેલા તમામ આક્ષેપો નકારી કાઢયા હતા.