make a mistake on such land, building will be a big loss
  • Home
  • Astrology
  • આવી જમીન પર ક્યારેય ભૂલથી પણ ન બનાવશો મકાન, થશે મોટું નુકસાન

આવી જમીન પર ક્યારેય ભૂલથી પણ ન બનાવશો મકાન, થશે મોટું નુકસાન

 | 8:30 am IST

વાસ્તુશાસ્ત્ર

મકાન બનાવતી વખતે ધ્યાન રાખવાલાયક કેટલાંક જરૂરી અને ઉપયોગી સૂચનો નીચે પ્રમાણે છે.

દરેક વ્યક્તિનું એક સપનું હોય છે કે એનું પોતાનું એક સુંદર એવું ઘર હોય, જેને એ પોતાની ઈચ્છા અને રુચિ પ્રમાણે સજાવી શકે.

એવું ઘર જેમાં તે પોતાના પરિવારની સાથે સુરક્ષા અને સંતોષનો અનુભવ કરી શકે. એવું ઘર જેમાં પોતાના મહેમાનોના સત્કાર માટે જરૂરી સાધનો પૂરાં પાડી શકે. એ એવું ઘર બનાવે કે જેમાં એ પોતાના ધર્મ પ્રમાણે પોતાનાં આરાધ્ય દેવ-દેવીની પ્રતિમા સ્થાપિત કરીને એમની પૂજા-અર્ચના કરી શકે.

પોતાના ભવન નિર્માણના સ્વપ્નને સાકાર કરવાનો સમય દરરોજ આવતો નથી. આ સૌભાગ્ય પણ કોક-કોકને જીવનમાં ખૂબ જ સંઘર્ષ કર્યા પછી મળે છે, તેથી આ કાર્યમાં શીઘ્રતા અથવા ઉતાવળાપણું ન કરતાં પૂર્ણ સંયમ અને વિવેકપૂર્ણ કામ લેવું જોઈએ.

જ્યારે આપણે કોઈ દુકાન, મકાન, કાર્યાલય, દેવાલય ઔદ્યોગિક સંસ્થાન માટે ભવન નિર્માણ કરાવીએ તો આપણે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે ઈચ્છિત ભવન યોગ્ય દિશા, યોગ્ય ભૂખંડ અથવા દૃષ્ટિકોણથી બનાવેલું છે કે નહીં? જો આ બાબતોનું ધ્યાન રાખ્યા વગર મકાન બનાવવામાં આવ્યું હશે તો આપણે કોઈ ને કોઈ નાનીમોટી ખોટ-નુકસાન જરૂરથી ઉઠાવવું પડશે.

તેથી મનુષ્યે પોતાનું ઘર વાસ્તુમાન્ય વિધિ પ્રમાણે યોગ્ય દિશા, યોગ્ય ખૂણો તથા શુભ મુહૂર્તમાં જ બનાવવું જોઈએ. નીચે ભવન નિર્માણ માટે કેટલીક જરૂરી તથા ઉપયોગી જાણકારીઓ આપી છે, એને ઉપયોગમાં લઈને એક સુદૃઢ, આકર્ષક ભવનનું નિર્માણ કરી શકાય છે.

વર્ગાકાર ભૂમિને આકારની દૃષ્ટિએ સર્વોત્તમ માનવામાં આવે છે. લંબચોરસ-શ્રેષ્ઠ અને ચોરસ ભૂમિને પણ શ્રેષ્ઠ માનવામાં આવે છે. કાકમુખી, ભદ્રાસન, સિંહમુખાકાર, ગોમુખાકાર, અષ્ટકોણાકાર, ષટ્કોણાકાર તથા ચતુષ્ટકોણાકાર ભૂમિ ભવન નિર્માણની દૃષ્ટિએ શ્રેષ્ઠ માનવામાં આવે છે.

ત્રિકોણાકાર, ચક્રાકાર, શંકુ આકાર, વિષમબાહુ તથા અર્ધવૃત્તાકાર ભૂમિ ભવન નિર્માણની દૃષ્ટિએ અશુભ માનવામાં આવે છે. આવી જમીન પર ભૂલથી પણ ભવન બનાવવું જોઈએ નહીં.

બે વિશાળ ભૂ-ભાગની વચ્ચે એક નાનો અથવા સાંકડો ભૂ-ભાગ પણ ઉત્તમ મનાતો નથી. આવા ભૂ-ભાગ પર ભવન બનાવવાથી ખૂબ જ મુશ્કેલી-હેરાનગતિ આવે છે અને ત્યાં રહેનારને પરેશાની વેઠવી પડે છે. ઉત્તરથી દક્ષિણ દિશામાં ખાલી જગ્યા વધુ હોય તો જાણે એ ભવન હોય અથવા કાર્યશાળા, મંદિર હોય કે ઝૂંપડી, જરૂર એ આફતનું, પતનનું કારણ બને છે. પશ્ચિમ દિશાની અપેક્ષાએ પૂર્વ દિશામાં ઝાઝું ખાલી સ્થાન રાખવું ઉત્તમ અને શુભ મનાય છે.

વિશાળ સ્થળ કાયમ ઐશ્વર્યપ્રદાયક મનાય છે, પરંતુ એ કોઈ સ્થિતિમાં તૂટેલું-ફૂટેલું ન હોવું જોઈએ.

ઊંઘવાના સમયે માથું પૂર્વ અથવા દક્ષિણ દિશામાં રાખી સૂઈ જવું ઉત્તમ છે. ક્યારેય પણ પગ દક્ષિણ અથવા પૂર્વમાં રાખીને સૂવંુ નહીં. ભવનમાં સ્થાયી રૂપથી રાખવામાં આવતો ભારે સામાન દક્ષિણી નૈઋત્ય અથવા ઔઔપશ્ચિમી નૈઋત્ય દિશામાં રાખવો જોઈએ. ભારે સામાન દક્ષિણ અને નૈઋત્ય દિશાવાળા ઓરડામાં રાખવાથી ગૃહસ્થનું જીવન સુખી અને સંપન્ન રહે છે.

વૃક્ષ વગેરે પશ્ચિમ દિશામાં ઉગાડવાં શ્રેષ્ઠ છે. ભવનની પૂર્વ દિશામાં ઊંચાં વૃક્ષ અથવા ઊંચાં ભવન ન હોવાં જોઈએ. એનાથી સૂર્યનો પ્રકાશ તથા તડકો ભવનમાં નથી આવતો.

હળવો અથવા ભાર વિનાનો સામાન ઉત્તર, ઈશાન તથા વાયવ્ય દિશાઓમાં રાખવાથી ગૃહસ્થનું જીવન સુખમય રહે છે.

ભવનનું મુખ્ય દ્વાર એક જ હોવું જોઈએ. એને માંગલિક ચિહનથી યુક્ત કરવાથી શુભ રહે છે.

પૂર્વથી ઉત્તરની તરફ સમાન રેખાઓના માર્ગવાળા સ્થળની પસંદગી ભવન નિર્માણની દૃષ્ટિએ ઉત્તમ છે. ઘરની તમામ બારીઓ-દરવાજાની ઊંચાઈ એકસરખી હોવી જોઈએ.

છત પર રાખેલી પાણીની ટાંકી વગેરે દક્ષિણ-ઔપશ્ચિમ દિશામાં રાખવી શુભ મનાય છે. ઉત્તર કે ઈશાન કોણમાં એને ક્યારેય રાખવી નહીં. બારણાની ઉપર બીજા બારણાનું નિર્માણ ન કરવું. જોકે આ સૂત્ર બહુમાળી ભવનોને લાગુ પડતું નથી. ઉપરનું દ્વાર સદાય નીચેના દ્વારથી નાનું રાખવું જોઈએ.

પૂજાસ્થળનું નિર્માણ ઈશાન કોણમાં કરવું ઉત્તમ રહે છે. ખાસ સ્થિતિમાં ઈશાન ખૂણાની પૂર્વ દિશાની પાસે પણ પૂજાસ્થળ બનાવી શકાય છે.

ભવન નિર્માણના સમયે ચારે બાજુનું સ્થાન ખુલ્લું હોવું જોઈએ.

અગ્નિ ખૂણામાં જ રસોઈઘરનું નિર્માણ કરવું શ્રેષ્ઠ અને શુભ હોય છે, પરંતુ પરિસ્થિતિ પ્રમાણે પૂર્વ અગ્નિ ખૂણા પાસે અથવા દક્ષિણ અગ્નિ કોણ પાસે પણ રસોઈઘરનું નિર્માણ કરી શકાય છે.

ભૂખંડનો વિસ્તાર (પ્લોટ, એક્ટેંશન) 

ભૂખંડના ખૂણાઓના વિસ્તાર માટે વાસ્તુશાસ્ત્રના વિભિન્ન ગ્રંથોમાં જણાવેલાં ફળો પ્રમાણે આ ભૂખંડ પર નિવાસ અથવા કાર્ય કરનારાઓ પર નીચે પ્રમાણે અસર પડે છે.

ઈશાન કોણમાં વિસ્તાર- જે ભૂખંડમાં ઈશાન કોણ પૂર્વ દિશા, ઉત્તર દિશા અથવા બંને દિશાઓમાં વધેલો હોય તો તે શુભ ફળ આપે છે.

અગ્નિ કોણમાં વિસ્તાર

જે ભૂખંડમાં અગ્નિ કોણ પૂર્વ દિશા, દક્ષિણ દિશા અથવા બંને દિશામાં વધેલો હોય તો તે અશુભ ફળ પ્રદાન કરે છે.

નૈઋત્ય કોણમાં વિસ્તાર

જે ભૂખંડમાં નૈઋત્ય કોણ દક્ષિણ દિશા, પશ્ચિમ દિશા અથવા બંને દિશામાં વધેલો હોય તો તે અશુભ ફળ આપે છે.

વાયવ્ય કોણમાં વિસ્તાર

જે ભૂખંડમાં નૈઋત્ય કોણ દક્ષિણ દિશા, પશ્ચિમ દિશા અથવા બંને દિશાઓમાં વધેલો હોય તો તે અશુભ ફળ પ્રદાન કરે છે.

ઉપરોક્ત તથ્યોથી જાણી શકાય છે કે માત્ર ઈશાન ખૂણામાં જ ભૂખંડનો વિસ્તાર શુભ ફળદાયક છે.

ભૂખંડનો હ્રાસ 

ભૂખંડના કોઈ એક ખૂણામાં હ્રાસ (કપાયેલો અથવા તૂટેલો)નું વાસ્તુશાસ્ત્રના વિભિન્ન ગ્રંથોમાં કહેલાં ફળો પ્રમાણે એ ભૂખંડ પર નિવાસ અથવા કાર્ય કરવાથી નીચે પ્રમાણેની અસર થાય છે.

ઈશાન ખૂણામાં હ્રાસ  

જે ભૂખંડમાં ઈશાન કોણ પૂર્વ દિશા, ઉત્તર દિશા અને બંને દિશાઓમાં ઘટેલી હોય તો તે અશુભ ફળ આપે છે.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન