Never named Amit Shah in any CBI statement, Sohrabuddin's Brother
  • Home
  • Featured
  • શોહરાબુદ્દિન એનકાઉન્ટર કેસમાં નાના ભાઈનું અમિત શાહ-BJPને લઈને આપ્યું સ્ફોટક નિવેદન

શોહરાબુદ્દિન એનકાઉન્ટર કેસમાં નાના ભાઈનું અમિત શાહ-BJPને લઈને આપ્યું સ્ફોટક નિવેદન

 | 11:11 pm IST

શોહરાબુદ્દિન એન્કાઉન્ટર કેસમાં શોહરાબુદ્દિનના સૌથી નાના ભાઈ નયમુદ્દિને સીબીઆઈની વિશેષ અદાલત સમક્ષ કેટલાક સ્ફોટક નિવેદન કર્યા હતા. તેણે જણાવ્યું કે, સીબીઆઈ દ્વારા મારા નામે 2010માં કેટલાક નિવેદનો ચાર્જશીટમાં ઉમેરવામાં આવ્યા હતા. મેં ક્યારેય એવું કહ્યું જ નહોતું કે, મને અમિત શાહ કે ભાજપ કે પછી અભય ચુડાસમા દ્વારા ધમકીઓ આપવામાં આવી હતી.

નયામુદ્દિન સોમવારે સીબીઆઈની વિશેષ અદાલત સમક્ષ હાજર થયો હતો. આ દરમિયાન તેણે જણાવ્યું કે, સીબીઆઈએ મારા ભાઈની હત્યાનો કેસ બગાડી કાઢયો. તેમની સામે એફઆઈઆર થવી જોઈએ. તેણે વધુમાં જણાવ્યું કે, મેં ક્યારેય એવું કહ્યું જ નથી કે મને ભાજપ તરફથી ધમકીઓ આપવામાં આવે છે. મેં આઝમ ખાનનું નામ પણ ક્યારેય સાંભળ્યું નથી.

સીબીઆઈના અધિકારી ડગર સાહેબ મારા ગામમાં આવ્યા હતા. તેઓ આ કેસની તપાસ માટે આવ્યા હતા. મેં તેમની સામે ક્યારેય કહ્યું જ નથી કે આઝમ (શોહરાબુદ્દિનનો સાગરીત અને હામિદ લાલા મર્ડર કેસનો સહઆરોપી) મને મળ્યો હતો. મેં એવું પણ નહોતું કહ્યું કે, મારા ભાઈની હત્યા કેસની તપાસ કરવાની પિટિશન પાછી ખેંચવા માટે અભય ચુડાસમાએ મને 50 લાખ રૂપિયાની ઓફર કરી હતી. તેણે એમ પણ જણાવ્યું કે, તેણે અમદાવાદની કોર્ટમાં આ મુદ્દે હસ્તલિખિત એફિડેવિટ જમા કરાવી હતી જેમાં જણાવ્યું હતું કે, 2010માં નોંધાયેલા આ નિવેદનો મારા નથી અને મારા નામે નોંધવામાં આવ્યા છે.