યુ.પી.માં સ.પા.-બ.સ.પા.નું જોડાણ કેવાં ગુલ ખીલવશે? - Sandesh
NIFTY 10,817.70 +9.65  |  SENSEX 35,622.14 +22.32  |  USD 68.0100 +0.39
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Columnist
  • યુ.પી.માં સ.પા.-બ.સ.પા.નું જોડાણ કેવાં ગુલ ખીલવશે?

યુ.પી.માં સ.પા.-બ.સ.પા.નું જોડાણ કેવાં ગુલ ખીલવશે?

 | 4:23 am IST

નોર્થઇસ્ટનાં ત્રણ રાજ્યોનાં આવેલાં ચૂંટણી પરિણામોથી સમગ્ર દેશના રાજકીય પક્ષોમાં હલચલ મચી ગઈ છે. ત્રિપુરામાં ૨૨ વર્ષથી અડિંગો જમાવીને બેઠેલી લેફ્ટ પાર્ટીના મુખ્યમંત્રી માણિકરાવ સરકારની ગાદી ભાજપે કબજે કરતાં ભાજપની આ હરણફાળની નોંધ તમામ રાજકીય પક્ષોએ લીધી છે અને આગામી દિવસોમાં રાજકીય પક્ષોએ પોતાની રણનીતિ બદલવાની શરૂઆત કરી છે. રાજકીય પાર્ટીઓ બીજી પાર્ટીઓ સાથેની દુશ્મની ભૂલીને હવે ભાજપ સામે ચૂંટણી લડવા એક થઈ રહી છે, જેની શરૂઆત યુપીમાંથી થઈ રહી છે.

ઉત્તર પ્રદેશમાં અત્યાર સુધીના કટ્ટર રાજકીય દુશ્મનો તરીકે ચીતરાયેલ સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીએ ૧૧મી માર્ચે લોકસભાની બે સીટો માટે યોજાનાર પેટાચૂંટણીમાં હાથ મિલાવી દીધા છે. ગઈ કાલે બસપા સુપ્રીમો માયાવતીએ જાહેરાત કરી હતી કે લોકસભાની પેટાચૂંટણીમાં બીએસપી પોતાનો ઉમેદવાર નહીં ઊભો રાખે અને સમાજવાદી પાર્ટીના ઉમેદવારને જ ટેકો જાહેર કરશે. યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ઉપમુખ્યમંત્રી કેશવપ્રસાદ મૌર્યના લોકસભાના સભ્ય તરીકે રાજીનામાં બાદ ગોરખપુર અને ફૂલપુર લોકસભાની બેઠક પર ચૂંટણી યોજાવાની છે. ભાજપ માટે આ પેટાચૂંટણીનાં પરિણામો જે આવે તેનાથી આંકડાકીય કોઈ ફરક પડવાનો નથી પરંતુ ભાજપ માટે આ બેઠકો પ્રતિષ્ઠાનો જંગ સાબિત થવાની છે. રાજ્યના મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રી જે બેઠકો પરથી લોકસભાની ચૂંટણી જીત્યા હતા તે બેઠકો ભાજપ માટે હારવી પોસાય તેમ નથી. આ ઉપરાંત યુપીની આ પેટાચૂંટણીનું પરિણામ  આગામી લોકસભાની આવનારી ચૂંટણીની પારાશીશી પણ બની રહેશે. આ ચૂંટણીનાં પરિણામોથી રાજકીય પંડિતો એક વર્ષ પછી લડાનાર લોકસભાની ચૂંટણી માટે રાજકીય વરતારો કાઢી શકશે.

યુપીમાં હવે જ્યારે આ પેટાચૂંટણીમાં  બીએસપી અને એસપીએ હાથ મિલાવ્યા છે ત્યારે ચૂંટણી રસાકસીભરી બનવાની છે તે ચોક્કસ છે. ૨૦૧૪માં યોજાયેલ લોકસભાની ચૂંટણીમાં યુપીમાં ભાજપનો વોટશેર ૪૨.૩ ટકા, બીજા નંબર રહેલી સમાજવાદી પાર્ટીનો વોટશેર ૨૨.૨ ટકા રહ્યો હતો જ્યારે ત્રીજા નંબરે રહેલ બહુજન સમાજ પાર્ટીનો વોટશેર ૨૦ ટકા રહ્યો હતો. નવાઈની વાત એ છે કે લોકસભામાં ૨૦ ટકા વોટશેર મેળવનાર બહુજન સમાજ પાર્ટીને એકપણ સીટ મળી ન હતી, જ્યારે ૨૨.૨ વોટશેર મેળવનાર સમાજવાદી પાર્ટીને માત્ર ૫ બેઠકો મળી હતી. યુપીમાં બહુજન સમાજ પાર્ટી અને સમાજવાદી પાર્ટીના વોટશેરનું ટોટલ કરીએ તો ૪૨.૨ ટકા થાય છે, જે લગભગ ભાજપ જેટલો જ વોટશેર છે અને એટલે જ અત્યારે યુપીમાં બીએસપી અને એસપીનાં જોડાણથી ભાજપ ચિંતાતુર છે.

ભાજપને અત્યાર સુધી લાગતું હતું કે જૂની દુશ્મનીને કારણે બીએસપી અને એસપી ક્યારેય જોડાણ નહીં કરે પરંતુ રાજકારણમાં ક્યારે સમીકરણો બદલાઈ જાય તે કહેવાતું નથી.

યુપીનો રાજકીય ઇતિહાસ જોતાં બીએસપી અને એસપી વચ્ચેનું જોડાણ જમીની હકીકત બને તેવું કોઈ માનતું ન હતું. ૨ જૂન ૧૯૯૫માં યુપીનાં લખનઉ ખાતે આવેલ રાજકીય ગેસ્ટહાઉસમાં એક એવી ઘટના બની જેને કારણે બીએસપી અને એસપી વચ્ચે ના સંધાય તેવી તિરાડ પડી ગઈ હતી અને આ દિવસ યુપીના રાજકીય ઇતિહાસમાં કાળો દિવસ તરીકે નોંધાઈ ગયો છે. ઘટના એવી બની હતી કે ૧૯૯૩માં સ.પા. અને બ.સ.પા.એ ચૂંટણી જોડાણ કરીને યુપીમાં સત્તા કબજે કરી હતી. મુખ્યમંત્રી તરીકે મુલાયમસિંહ યાદવની વરણી કરાઈ હતી પરંતુ   આ ગઠબંધનની સરકારમાં સ.પા. અને બ.સ.પા. વચ્ચે વારંવાર મતભેદ થતાં આખરે ૨ જૂન ૧૯૯૫ના દિવસે બસપાએ સરકારને ટેકો પાછોં ખેંચી લીધો  હતો, જેને કારણે મુખ્યમંત્રી મુલાયમસિંહ યાદવને ઘરે બેસવાની નોબત આવી ગઈ હતી. બસપાના ટેકો પાછો ખેંચવાનાં કૃત્યથી સપાના કાર્યકરો ભયંકર નારાજ થયા હતા અને ટોળે વળીને માયાવતી લખનઉનાં રાજભવનમાં ઊતર્યાં હતાં ત્યાં પહોંચી ગયાં હતાં. કહેવાય છે કે તે દિવસે સમાજવાદી પાર્ટીના ગુંડાઓએ બસપાના ધારાસભ્યો સાથે ખૂબ જ ખરાબ વર્તાવ કર્યો, તેમને મારપીટ કરી અપહરણ કરાયું જ્યારે માયાવતી જે રૂમમાં હતાં ત્યાં ઘૂસી જઈને માયાવતીનાં કપડાં સુદ્ધાં ફાડી નાખ્યાં હતાં. આ સમયે ભાજપના સાંસદ બ્રહ્મદત્ત ત્રિવેદીએ વચ્ચે પડીને માયાવતીનો જીવ  અને ઇજ્જત બચાવ્યાં હતાં અને સપાના  ગુંડાઓ સામે પોતાની જાતની પરવા કર્યા વગર લડયા હતા. યુપીના ઇતિહાસમાં આ દિવસ ગેસ્ટહાઉસકાંડ તરીકે જાણીતો બન્યો છે અને બસપાએ તે દિવસથી આજદિન સુધી સપા સાથે કોઈપણ ચૂંટણીમાં જોડાણ કર્યું નથી.

રાજકારણમાં કશું પણ નિશ્ચિત હોતું નથી એ સંજોગોમાં લોકસભા અને વિધાનસભામાં હારી ચૂકેલ બસપા અને સપાને હવે જ્યારે ભાજપ સામે એકલા હાથે લડવાની તાકાત નથી રહી ત્યારે નાછૂટકે ભેગા થવાની નોબત આવી છે. પોતાનું રાજકીય અસ્તિત્વ ટકાવી રાખવાનો જ્યારે સવાલ છે ત્યારે જૂની દુશ્મની ભૂલી જઈને બસપાએ યુપીની પેટાચૂંટણીમાં સપાને ટેકો જાહેર કર્યો છે.

આ રાજકીય જોડાણને યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અકુદરતી જોડાણ તરીકે ગણાવ્યું છે અને કહ્યું છે કે કેળાં અને બોર એક સાથે ખાઈ શકાતાં નથી તેમ સપા-બસપાનું જોડાણ ટકવાનું નથી.

યોગી આદિત્યનાથની ટકોર પછી પણ ચૂંટણીના જે આંકડા બતાવે છે તે ભાજપ માટે ચિંતાનોે વિષય ઊભો કરનાર છે. યુપીમાં દલિત વોટબેન્ક અને યાદવ વોટબેન્ક છેલ્લાં  ૨૨ વર્ષથી આમનેસામને હતી,હવે જ્યારે આ બે મોટી વોટબેન્ક ભેગી થઈ રહી છે ત્યારે તેમની પાસે ચૂંટણી પરિણામો બદલવાની તાકાત છે.  સપા-બસપા માટે જ્યારે અસ્તિત્વને ટકાવી રાખવાની લડાઈ છેડાઈ ચૂકી છે ત્યારે તેમણે આ એક ડહાપણભર્યો નિર્ણય લીધો છે તેવું રાજકીય નિરીક્ષકો માની રહ્યા છે. અત્યારે તો બસપાના સુપ્રીમો સપા-બસપાનાં જોડાણને માત્ર પેટાચૂંટણી પૂરતું જ મર્યાદિત છે તેવું કહી રહ્યાં છે, પરંતુ આ ચૂંટણીનાં પરિણામો જો સાનુકૂળ આવે તો આ જોડાણ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીમાં પણ શક્ય બનશે તેની કોઈ ના પાડી શકે તેમ નથી. આવનારા દિવસોમાં એટલે જ દેશના તમામ રાજકીય પક્ષોની નજર યુપીનાં પેટાચૂંટણીનાં પરિણામો પર રહેવાની છે.

છેલ્લાં રર વર્ષથી કોઈ પાર્ટી સાથે ચૂંટણી પહેલાં રાજકીય  જોડાણ નહીં કરનાર માયાવતીએ ચૂંટણી પહેલાંનું રાજકીય જોડાણ શરૂ કરી દીધું છે, કર્ણાટકમાં યોજાનાર વિધાનસભાની ચૂંટણીમાં બસપાએ પૂર્વ વડા પ્રધાન દેવગોડાની પાર્ટી સાથે ચૂંટણી જોડાણની જાહેરાત કરી દીધી છે. કર્ણાટકની રાજનીતિમાં બીજેપી અને કોંગ્રેસ પછી જેડીએસ અને બીએસપીનું આ જોડાણ ત્રીજા મોટા ખેલાડી તરીકે ઊભરી આવનાર છે. આમ આગામી દિવસો દેશનાં રાજકારણમાં રાજકીય પક્ષોના જોડાણવાળા રહેનાર છે. ભાજપ સામે દેશના વિપક્ષો કયાં સુધી એકસંપ રહીને ચૂંટણી લડશે તે હવે આગામી દિવસો બતાવશે.

[email protected]