નવા ડીલર્સ માટે જાન્યુ.૨૦૨૦થી આધાર વેરિફિકેશન ફરજિયાત - Sandesh
  • Home
  • India
  • નવા ડીલર્સ માટે જાન્યુ.૨૦૨૦થી આધાર વેરિફિકેશન ફરજિયાત

નવા ડીલર્સ માટે જાન્યુ.૨૦૨૦થી આધાર વેરિફિકેશન ફરજિયાત

 | 2:35 am IST

। નવી દિલ્હી ।

જીએસટીની ચુકવણીમાં કરચોરી અને ગેરરીતિઓ રોકવા સરકાર દ્વારા નવા ડીલર્સ માટે જાન્યુઆરી ૨૦૨૦થી આધારનું ઓથેન્ટિકેશન અને ફિઝિકલ વેરિફિકેશન ફરજિયાત બનાવવામાં આવ્યું છે.

અગાઉ ડીલર્સ માટે આધાર વેરિફિકેશન મરજિયાત હતું પણ છેલ્લા બે વર્ષમાં રાતોરાત પાટિયા બદલી નાખતા બોગસ અને બેનામી વેપારીઓ દ્વારા બોગસ ઇનવોઇસ બનાવીને GSTની ચુકવણીમાં કરચોરી કરવાનાં કૌભાંડો વધતાં તેને ફરજિયાત બનાવવા નિર્ણય લેવાયો છે તેમ GST નેટવર્ક (GSTN)ના પ્રધાનોનાં ગ્રૂપના વડા અને બિહારના ડેપ્યુટી સીએમ સુશીલકુમાર મોદીએ જણાવ્યું હતું.

ઓનલાઇન રિફંડ માટે સિંગલ સોર્સની સિસ્ટમ અપનાવાશે

જે ડીલર્સ આધાર ઓથેન્ટિકેશન કરાવવા માગતા ન હોય તેઓ આધારનું ફિઝિકલ વેરિફિકેશન કરાવી શકશે. આ કામગીરી ૩ દિવસમાં પૂરી કરાશે. જીએસટીનું રિફંડ મોટી સમસ્યા હોવાથી GSTN દ્વારા ૨૪ સપ્ટેમ્બરથી ઓનલાઇન રિફંડ આપવાનું નક્કી કરાયું છે. આવું રિફંડ સિંગલ સોર્સથી એટલે કે ક્યાં તો સેન્ટ્રલ જીએસટી દ્વારા કે સ્ટેટ જીએસટી દ્વારા ચૂકવાશે. નવા રિટર્નની વધુ સરળ સિસ્ટમ ૧ જાન્યુઆરી ૨૦૨૦થી દાખલ કરાશે. આ માટે પ્રોગ્રામિંગ અને સોફ્ટવેર તૈયાર કરવાનો કોન્ટ્રેક્ટ ઇન્ફોસિસને અપાયો છે.

જૂના ડીલર્સને પણ આધાર લિન્ક કરાશે

મોદીએ કહ્યું કે પહેલા તબક્કામાં નવા ડીલર્સ માટે તેમનો આધાર નંબર આપવાનું ફરજિયાત બનાવાશે. સિસ્ટમ ગોઠવાયા પછી જૂના વેપારીઓએ કે જેમણે અગાઉ GSTNમાં રજિસ્ટ્રેશન કરાવ્યું છે તેમને તેમનો આધાર નંબર આપવા કહેવાશે.

વાર્ષિક રિટર્નની તારીખ ૩૦ નવે.૨૦૧૯ સુધી લંબાવાઈ

તમામ પ્રકારના ટેક્સ પેયર્સ માટે રિટર્નનાં ત્રણ ફોર્મેટ સહજ, સુગમ અને નોર્મલને રદ કરીને તેનાં સ્થાને સરળ રિટર્નનું એક જ ફોર્મ દાખલ કરાશે. વાર્ષિક રિટર્નની તારીખ ૩૦ નવેમ્બર ૨૦૧૯ સુધી લંબાવવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન