ભાવિ પેઢી માટે નવી શિક્ષણનીતિ માર્ગદર્શક નીવડશે?  - Sandesh
  • Home
  • Columnist
  • ભાવિ પેઢી માટે નવી શિક્ષણનીતિ માર્ગદર્શક નીવડશે? 

ભાવિ પેઢી માટે નવી શિક્ષણનીતિ માર્ગદર્શક નીવડશે? 

 | 2:47 am IST

ઈશ્યૂ ઇન ન્યૂઝ : વિનોદ પટેલ

ભારતમાં વિરાટ વસ્તી એક સમસ્યા છે, પરંતુ આ વિરાટ વસ્તીને યોગ્ય કામે લગાડીને ટેક્નોક્રેટસે ડેમોગ્રાફિક ડિવિડન્ડના સિદ્ધાંતનો અસરકારક અમલ કરીને ભારતમાં વધતી જતી વસ્તીને એક આશીર્વાદમાં ફેરવી નાખી હતી. પરંતુ ટેકનોલોજી જેમ જેમ વિકસે છે તેમ તેમ નવા પડકારો પણ સર્જાય છે. હવે ઇન્ડસ્ટ્રી ફોરનો કન્સેપ્ટ આકાર લઈ રહ્યો છે જેમાં ઓટોમેશન અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ મહત્ત્વની ભૂમિકા ભજવશે. આ નવા વાતાવરણમાં નોકરીઓ ઘટતી જવાની છે તે એક હકીકત છે. એક સમયે ભારતમાં કમ્પ્યૂટર આવ્યા ત્યારે તેનો યુનિયનોએ ભારે વિરોધ કર્યો હતો. તેમને ડર હતો કે મજદૂરોની નોકરીઓ કમ્પ્યૂટરને કારણે જતી રહેશે તો તેમનો કોઈ ભાવ નહીં પૂછે. પરંતુ બે દાયકા બાદ જણાયું છે કે જે કમ્પ્યૂટરને કારણે નોકરીઓ જોખમમાં મુકાઈ રહી હોવાનું લાગતું હતું તે કમ્પ્યૂટરને કારણે માહિતી તંત્રજ્ઞા।નનું એક આખું નવું ક્ષેત્ર વિકસ્યું અને તેને કારણે ભારતમાં નવો યુગ શરૂ થયો.

પરંતુ નોંધવા જેવી બાબત એ છે કે આજે પણ ભારતમાં મોટાભાગની શાળાઓમાં કમ્પ્યૂટરનું કોડિંગ કરવા જેવો સરળ વિષય ભણાવવાનું કોઈને સૂઝતું નથી. આ શિક્ષણની નીતિઓ ઘડનારાઓની મોટી ભૂલ હતી. શાળાઓના સંચાલકોએ કમ્પ્યૂટરના ક્લાસને નાણાં રળવાનો નુસખો બનાવી દીધો. પરિણામ એ આવ્યું છે કે આજે પણ મોટાભાગના સ્નાતકો જ્યારે યુનિવર્સિટીની બહાર પડે છે ત્યારે કમ્પ્યૂટરનો અસરકારક ઉપયોગ કરવાને મામલે ઢ હોય છે.

કેન્દ્ર સરકાર દ્વારા નવી શિક્ષણ નીતિનો મુસદ્દો જાહેર કરવામાં આવ્યો છે. જેમાં આ મામલે આશા જાગે તેવો અભિગમ અપનાવવામાં આવ્યો છે. હાલ કેન્દ્ર સરકાર દ્વારા સ્વયંમ નામનો એક કાર્યક્રમ ચલાવવામાં આવે છે. જેની એપ પણ છે. આ કાર્યક્રમ હેઠળ એક કરોડ જણાએ નોંધણી કરાવેલી છે. માસિવ ઓપન ઓનલાઇન કોર્સ (એમઓઓસી-મૂક) કેટેગરીમાં તે દુનિયાનો બીજા ક્રમે સૌથી વિશાળ વિદ્યાર્થી સંખ્યા ધરાવતો કોર્સ છે. આ કોર્સને કારણે ગામડાઓના વિદ્યાર્થીઓને ભણવા કે અમુક કોર્સ કરવા માટે શહેરોના ઓશિયાળા રહેવાની જરૂર રહી નથી. આ ઓનલાઇન કોર્સનો પ્રયોગ રસપ્રદ છે.

ભારતમાં ભણાવનારાઓની ભારે તંગી છે. નવી શિક્ષણનીતિના મુસદ્દા અનુસાર હાલ ૪૦ ટકા શિક્ષકોની તંગી છે. પરંતુ એ યાદ રાખવું ઘટે કે ગમે એટલી ટેક્નોલોજી વિકસે પણ ક્લાસમાં ભણાવવાની રીતનો કોઈ અસરકારક વિકલ્પ હજી શોધાયો નથી એ એક હકીકત છે. સરકારોએ શિક્ષકોની તંગીનો હલ આ ટેક્નોલોજીમાં શોધ્યો હોય તો તે યોગ્ય નથી. દુનિયા આખીમાં મૂક એ પૂરક પ્રમાણપત્ર મેળવવા માટે મહત્ત્વનં પ્લેટફોર્મ ગણાય છે, પરંતુ તેનો વ્યાપક સ્વીકાર કોઈ જગ્યાએ થયો નથી. મૂલ્યાંકન અને અનુભવ માટે તો મૂકને બદલે પરંપરાગત પદ્ધતિને જ અનુસરવું પડે તેમ છે. જેને કારણે શિક્ષકોના મહત્ત્વને ઓછું આંકી શકાય તેમ નથી. શિક્ષકોને હવે ઉમદા વ્યવસાયને નામે નિહાશિયું વળતર આપવાને બદલે તેને સમાજના ઘડવૈયાઓ તરીકે અન્ય વ્યવસાયની જેમ માફકસર વળતર આપવાનો સમય પાકી ગયો છે. આજે જમાનો ગુણવત્તાનો છે, જો શિક્ષકને શાળામાં પગાર પૂરતો ન મળે તો તે ટયૂશન કરવાનો જ છે. આમાં સરવાળે વિદ્યાર્થીઓના પાલકે ડબલ ખર્ચ કરવાનો વારો આવે છે. સરળ રસ્તો એ છે કે શાળાઓને હવે નફાના ધોરણે ચલાવવામાં આવે અને તેમાં નીવડેલા શિક્ષકોને નીમી ઉત્તમ પરિણામો મેળવવામાં આવે તો વિદ્યાર્થીઓને કોચિંગ ક્લાસ કે ટયૂશનની પળોજણમાં પડવું જ ન પડે, પરંતુ આ ત્યારે જ શક્ય બને જ્યારે શિક્ષકને આપણે તેની લાયકાત અનુસાર વળતર આપવાની પહેલ કરીએ. હાલ તો શાળાઓ ખર્ચ કાપવાની વાત આવે ત્યારે પહેલાં શિક્ષકોને રવાના કરે છે. શિક્ષકોને તેમની લાયકાત અનુસાર સતત કામ મળે તેવી વ્યવસ્થા ગોઠવવાનું કામ હાથ ધરવાનો સમય પાકી ગયો છે.

નવી શિક્ષણનીતિના મુસદ્દામાં શાળા સ્તરે અને ઉચ્ચ શિક્ષણના ક્ષેત્રે વોકેશનલ ટ્રેનિંગ પર ભાર મૂકવામાં આવ્યો છે તે એક પ્રશંસનીય પગલું છે. આ નીતિમાં ૨૦૨૫ સુધીમાં ઉચ્ચ શિક્ષણ મેળવનારાઓના ૫૦ ટકા વોકેશનલ ટ્રેનિંગ ધરાવતા હોય તેવું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. ધ્યેય સારું છે પરંતુ વોકેશનલ ટ્રેનિંગ એ આઇટીઆઇ જેવી પ્રાથમિક કૌશલ્ય પૂરાં પાડવાનાં કેન્દ્રો ન બની રહે તે જોવું રહ્યું. આજે આઇટીઆઇમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટવા માંડી છે તે હકીકતને પણ ધ્યાનમાં રાખવી જોઈએ.

આ નવી શિક્ષણનીતિમાં સ્પેશિયલ એજ્યુકેશન ઝોન રચવાની પણ રજૂઆત કરવામાં આવી છે. એક સમયે કર્ણાટકમાં બેંગલુરૂ, ગુજરાતમાં આણંદ-વડોદરા અને મહારાષ્ટ્રમાં પૂણે દેશમાં ભણવા માટે મહત્ત્વનાં શિક્ષણ કેન્દ્રો બની રહ્યાં હતાં. આજે પૂણે અને બેંગ્લુરૂ આઇટી ઉદ્યોગોને કારણે વિરાટ મહાનગરોમાં પલટાઈ ચૂક્યા છે.

એક કમનસીબી એ રહી છે જેમ શહેરો વિકસે તેમ તે મોંઘા બને છે, પરિણામે શિક્ષણ મેળવવા માટે આવતા વિદ્યાર્થીને તે પરવડે તેવા રહેતા નથી. આ વાસ્તવિકતાને ધ્યાનમાં લેતાં સ્પેશિયલ એજ્યુકેશન ઝોન રચવાની દરખાસ્ત આવકાર્ય છે. આવા ઝોનમાં વિદ્યાર્થીઓની આર્થિક ક્ષમતાને ધ્યાનમાં રાખીને તેમને પરવડે તેવા દરે આવશ્યક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવે તો આવા ઝોનને સફળતા મળે તેમાં કોઈ શક નથી, પરંતુ એક સમયે ઉટી અને આબુ જેવાં હિલ સ્ટેશનો લકઝુરિયસ શિક્ષણ મેળવવાનાં કેન્દ્ર હતાં તેમ જો આ ઝોન પણ જો માત્ર પૈસાદારને પરવડે તેવા બની રહેવાના હોય તો તેનો ઝાઝો અર્થ રહેશે નહીં. આજે નાણાં ધરાવનાર માટે આખી દુનિયા શિક્ષણ મેળવવા માટે ખુલ્લી પડી છે, પરંતુ શિક્ષણ આજે જે ઝડપે મોંઘું બનતું જાય છે તે જોતા આગામી દાયકાઓમાં તે એક ભદ્ર વર્ગ પૂરતું મર્યાદિત ન બની રહે તે આ નીતિના ઘડવૈયાઓએ જોવાનું છે. જે ચિંતા છે તે સમાજના છેવાડાના નાગરિકની છે. બજારુ અર્થતંત્રમાં શિક્ષણ પણ જણસ બની જવાને કારણે સમાજના પછાત વર્ગ માટે શિક્ષણ એ મોંઘી વસ્તુ બની રહી છે. નવી શિક્ષણનીતિએ શિક્ષણને વસ્તુ બનતી અટકાવી તેને એક સુવિધા બનાવવાનો પડકાર ઝીલવાનો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન