નવી શિક્ષણ નીતિ.. પાયો ખૂબ મજબૂત, શિખરે થોડો સંદેહ - Sandesh
  • Home
  • Columnist
  • નવી શિક્ષણ નીતિ.. પાયો ખૂબ મજબૂત, શિખરે થોડો સંદેહ

નવી શિક્ષણ નીતિ.. પાયો ખૂબ મજબૂત, શિખરે થોડો સંદેહ

 | 12:58 am IST

થોડા હટકે :- પ્રસન્ન ભટ્ટ

પોતે રોપેલા બીજને કૂંપળ ફૂટે અને તે જોઈ કોઈ ખેડૂતને જે આનંદ થાય તેવી જ અનુભૂતિ આજે મને થઈ રહી છે. કેન્દ્ર સરકારે નવી શિક્ષણનીતિ જાહેર કરી છે. વીતેલા છેલ્લા કેટલાક સપ્તાહોમાં આ લેખ શૃંખલામાં માતૃભાષાની માવજત અને સંવર્ધનની વાતો સતત લખી. વર્તમાન વ્યવસ્થાની બીમારીઓનું સચોટ નિદાન કહી શકાય તેવી આ નીતિમાં ધોરણ ૫ સુધી પ્રાદેશિક કે માતૃભાષામાં જ શિક્ષણ ફરજિયાત કરાયું છે. આ જાહેરાત થતા માતૃભાષાના મુદ્દે મારું સમર્થન કરતાં મિત્રો, ભાષાચિંતકો સહિત સૌ આ સફળતા માટે ‘સંદેશ’ને અભિનંદન આપવા લાગ્યા. આ તબક્કે મારે ચોક્કસ કહેવું છે કે શુદ્ધ હેતુ સાથે રોપાયેલા કોઈ પણ વિચારબીજની કુંપળ ફૂટવી ફરજિયાત છે. પ્રકૃતિના પ્રમેયનો આ જ નિષ્કર્ષ છે. કુદરતની વ્યવસ્થા ગજબ છે. કેન્દ્રના આ નિર્ણયથી મારી ઈશ્વર પ્રત્યે અડગ શ્રદ્ધા આજે વધુ દૃઢ બની છે. આપણું ગુજરાત હવે ધોરણ ૫ સુધી ગુજરાતીમાં જ ભણશે એ વિચાર માત્ર ખૂબ જ રોમાંચક છે.

”ચોરી કરવા ચાલ્યા ચોર, સોની પોળમાં થાતો શોર, સિપાહી મળ્યા સામા, મા ના ભાઈ તે મામા.. મામા લાવે છૂક છૂક ગાડી, મા ને માટે લાવે સાડી, સાડીના રંગ પાકા, બાપાના ભાઈ તે કાકા.. કાકા કાકા કારેલી, કાકીએ વઘારેલી, કાકા પડયા રોઇ, બાપની બહેન તે ફોઈ… ફોઇ ફૂલડા લાવે છે, ફુઆને વધાવે છે, ફુઆ ગયા કાશી, માની બહેન તે માસી..” સીબીએસઈની મોંઘીદાટ શાળાઓના વર્ગખંડોમાં સગપણના આ જોડકણાની કિલીયારી મને સ્વપ્નમાં આવે છે. પ્રાથમિક શિક્ષણ એ કેળવણીનો પાયો કહેવાય છે. પાયો મજબૂત તો ઇમારત બુલંદ.. માતૃભાષામાં ધોરણ ૫ સુધીનું બુનિયાદી શિક્ષણ આપવાની વાત ચોક્કસ જ અભૂતપૂર્વ ક્રાંતિની દ્યોતક છે. માતૃભાષાના લાડકોડ સાથે ઉછરેલું એ બાળક ધોરણ ૬ પછી પસંદગીના વિષયોમાં ભણવાને સ્વતંત્ર હશે. ધોરણ ૧૦ પછી વાણિજ્ય વિનયન અને વિજ્ઞાન પ્રવાહનું વર્ગીકરણ પણ નાબૂદ કરવાની વાત ખૂબ જ પ્રશંસનીય છે. શાળા સ્તરે ઉચ્ચ વર્ગોમાં ૭૫ ટકા મહત્ત્વ મુખ્ય વિષયોને આપવા સાથે અત્યાર સુધી મરજિયાત રખાયેલા કલા સંગીત, શારીરિક શિક્ષણ અને ડિજિટલ પ્લેટફોર્મ જેવા વિષયો ફરજિયાત કરાયા છે. ગૌણ ગણાતા આ તમામ વિષયોનું મહત્ત્વ બાળકના સર્વાંગી વિકાસ સાથે સંબંધિત છે તે વાત નવી નીતિએ સ્વીકારી છે. નવા માળખાની ઉદારતા એ છે કે વિષય પસંદગી મુદ્દે કે કોઇપણ અન્ય કારણસર વિદ્યાર્થી અધવચ્ચે શાળા છોડે તો એવા કિસ્સામાં તે વિદ્યાર્થીને સક્ષમતાનું પ્રમાણપત્ર રાજ્યના પ્રમાણિત બોર્ડ દ્વારા આપવાની જોગવાઇ પણ આ નીતિમાં છે. શાળા સ્તરે રાજ્ય સરકારને સ્વાયત્તતા આપી  નિયંત્રણનું સાર્વભૌમત્વ કેન્દ્ર પાસે રાખતી આ નવી નીતિમાં ધો. ૫ સુધી માતૃભાષા, ધો. ૬ પછી રસ અને રુચિ જાણવા શાળા કક્ષાએ રસમાપન કસોટીની જોગવાઇ અને ધો. ૧૨ સુધી વ્યવસાયલક્ષી અને વ્યક્તિગત વિકાસને ખીલવતા વિષયોને અપાયેલું મહત્ત્વ.. સંકલ્પના સાકાર થાય તો આ નવી નીતિ શાળા સ્તરે શૈક્ષણિક વ્યવસ્થામાં આમૂલ ક્રાંતિ સૂચવનારી સાબિત થશે. નવી શિક્ષણ નીતિ ઘડવાના પ્રયાસનો પાયો ખૂબ મજબૂત દેખાય છે. શાળાસ્તરે જે ઘટે છે તે ફક્ત શિક્ષકોના શોષણને રોકવાના મુદ્દે થયેલી ઉપેક્ષા છે. વિદ્યા સહાયક તરીકે પાંચ વર્ષ સુધી ત્રીજા ભાગનો પગાર અને શિક્ષણ સિવાયના સરકારી વૈતરાઓમાં શિક્ષકોને ઘસડીને જોતરવાની સરકારી નીતિ સામે કોઈ રક્ષણ નવી જોગવાઇમાં દેખાતું નથી. ૨૦૨૨ સુધી કરાર આધારિત શિક્ષકોને છૂટા કરવાની વાત છે, પરંતુ નવા ક્યાંથી, કેવી રીતે, કોણ લાવશે તેની કોઇ સ્પષ્ટતા કરાઇ નથી.

ધો. ૧૨ પછીના ઉચ્ચ શિક્ષણ માટે જે વાતો થઇ છે તેની થોડી વાત કરીએ.. હાલ દેશમાં ૮૦૦ યુનિવર્સિટી અને ૪૦,૦૦૦ કોલેજ છે. આ માળખાને ૧૫,૦૦૦ ઉત્તમ સંસ્થાઓમાં પરિવર્તિત કરવાની પ્રસ્તાવના સાથે ગુણવત્તાસભર શિક્ષણને પ્રાધાન્ય આપવાનો મુદ્દો શિક્ષણવિદોમાં સમીક્ષાના એરણે છે. ૧૫,૦૦૦ સંસ્થાનોમાં સંક્રમિત થયેલા ઉચ્ચ શિક્ષણના માળખાને ત્રણ જુદા જુદા વર્ગમાં વિભાજિત કરવાનું આયોજન છે. પ્રથમ વર્ગમાં સંશોધન અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ આપતી સંસ્થા બીજા વર્ગમાં સંશોધનમાં ઠીકઠીક યોગદાન સાથે શિસ્ત અને ગુણવત્તાયુક્ત શિક્ષણની લાયકાત, જ્યારે ત્રીજા વર્ગમાં અનુસ્નાતકીય અભ્યાસ કરાવતી સંસ્થાઓને સમાવવામાં આવી છે. હવે આ નીતિમાં બધી ઉચ્ચસ્તરીય સંસ્થાઓ યુનિવર્સિટી અથવા સ્વાયત્ત કોલેજ બની જશે. પી.એચડી. માટે અનુસ્નાતક અથવા તો ચાર વર્ષની સ્નાતકીય ઉપાધિને યોગ્યતાનો માપદંડ ગણી એમ.ફીલ.ના અભ્યાસક્રમો પર પૂર્ણવિરામ મુકાયું છે. પસંદગી આધારિત ગુણાંકન પદ્ધતિ સુધારો સૂચવાયો છે. ઓપન અને ડિસ્ટન્સ ર્લિંનગને વિસ્તૃત કરવાની વાત છે, અને આમ કરીને ઉચ્ચ શિક્ષણ સુધી પહોંચતા વિદ્યાર્થીઓની સંખ્યામાં ૫૦ ટકા સુધીના વધારાનું લક્ષ રખાયું છે. સૌથી મહત્ત્વનો કહી શકાય તેવો મુદ્દો કોલેજોમાં હંગામી અને કરાર આધારિત નિયુક્તિનો હાલ પ્રચલિત અભિગમ તાત્કાલિક અસરથી રોકવા જણાવાયું છે.

ઉચ્ચ શિક્ષણના મુદ્દે સૂચવાયેલા પરિવર્તનો  પશ્ચિમના વિકસિત દેશોની શિક્ષણ વ્યવસ્થાના પ્રાવધાનોથી પ્રભાવિત જણાય છે. હવે જમીની હકીકતનો વિચાર કરીએ તો પશ્ચિમના વિકસિત દેશોમાં અમર્યાદ માળખાકીય સુવિધા સામે વિદ્યાર્થી સંખ્યા મર્યાદિત છે. જ્યારે આપણા દેશમાં મર્યાદિતથી પણ ઘણી ઓછી કહી શકાય તેવી માળખાકીય સુવિધા સામે વિદ્યાર્થી સંખ્યા અધધધ… અમર્યાદ છે.

યુનિવર્સિટી અને કોલેજ બંનેને સૂચવાયેલી સ્વાયત્તતા ખૂબ સૂચક છે. હાલ યુનિવર્સિટી સાથે સંલગ્ન કોલેજ સમૂહ ધરાવતા સંસ્થાનો પોતે યુનિવર્સિટીના દરજ્જે પ્રમાણપત્રો આપી શકે તે જોગવાઈ ભયજનક જણાય છે. ચલણમાં નવી આવેલી નોટ ગણતરીના દિવસોમાં નકલી છપાઇ જતી હોય અને ખૂબ સુચારુ કહી શકાય તેવી વ્યવસ્થા અમલી હોવા છતાં નકલી ગુણપત્રકો અને ડિગ્રી જ્યાં વેચાતા હોય ત્યાં કોલેજના સ્તરે ડિગ્રીની સત્તા આપવી કેટલી યોગ્ય છે તે વિશે ચિંતન થવું જોઇએ. ઉચ્ચ શિક્ષણનું જે માળખું પશ્ચિમના ધોરણે સ્વીકારાયું છે તેમાં બીજો મોટો ભય શિક્ષણના ઉદ્યોગીકરણનો દેખાય છે. વ્યાપારીકરણથી ધંધો બની ગયેલા શિક્ષણના ક્ષેત્રમાં ઉદ્યોગપતિઓ વ્યવસાયિક સામાજિક જવાબદારીની આડ લઇ પ્રવેશે તો તેના દૂરગામી પરિણામોનો વિચાર માત્ર ધ્રુજાવનારો છે. રંક હોય કે અમીર, પટાવાળો હોય કે રાષ્ટ્રપતિ.. શિક્ષણ સાથે પ્રત્યેકને સીધો  સંબંધ છે, કારણ પ્રત્યેક પરિવારમાં બાળક છે. શાળા સ્તરે પાયાની સંકલ્પના મજબૂત છે તો ઉચ્ચ શિક્ષણના સ્તરે વ્યાપ્ત સંદેહ પણ એટલા જ જોખમી છે.

અને છેલ્લે

આરોગ્યની ભાષામાં વાત કરીએ તો સારવારની સમજ વિનાનું નિદાન ગમે તેટલું સચોટ હોય, દર્દી માટે તો જીવલેણ જ નીવડે છે, અને હવાઇ સફરના સ્વપ્નમાં કહીએ તો ઉડાન ભરતા પહેલા જો ગંતવ્યના ઉતરાણની સ્પષ્ટતા હોવી ફરજિયાત છે, જો તે ન હોય  તો ઉડેલા વિમાનનો હવામાં નાશ પામવું નિશ્ચિત છે.

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન