નવી મુંબઇ એરપોર્ટનું કામ શરૂ કરતાં પૂર્વે પર્યાવરણની શરતોનું પાલન કરાયું નથી - Sandesh
NIFTY 10,195.15 -165.00  |  SENSEX 33,176.00 +-509.54  |  USD 64.9300 +0.00
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Mumbai
  • નવી મુંબઇ એરપોર્ટનું કામ શરૂ કરતાં પૂર્વે પર્યાવરણની શરતોનું પાલન કરાયું નથી

નવી મુંબઇ એરપોર્ટનું કામ શરૂ કરતાં પૂર્વે પર્યાવરણની શરતોનું પાલન કરાયું નથી

 | 12:02 am IST

મુંબઇ, તા.૨૩

નવી મુંબઇ એરપોર્ટનો પ્રોજેક્ટ શરૂ કરવા માટે નક્કી કરવામાં આવેલી પર્યાવરણ વિષયક શરતોનું સત્તાવાળાઓએ પાલન ન કર્યું હોઇ આ પ્રોજેક્ટનું કામ અટકાવી દેવાની માગણી કરતી જનહિતની અરજી બોમ્બે હાઇકોર્ટમાં જનશક્તિ નામની એનજીઓ દ્વારા નોંધાવવામાં આવી છે.  જસ્ટિસ અભય ઓક અને જસ્ટિસ પ્રદીપ દેશમુખની બનેલી ખંડપીઠ સમક્ષ આ જનહિતની અરજી નોંધાયા બાદ હાઇકોર્ટે આ જનહિતની અરજીનો પ્રતિભાવ આપવા માટે કેન્દ્રના નાગરિક ઉડ્ડયન મંત્રાલય, સિડકો, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને મહારાષ્ટ્ર પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને નોટિસો મોકલાવી છે.  ગયા રવિવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ એરપોર્ટનો શિલાન્યાસ કરતી વખતે એવી આશા વ્યક્ત કરી હતી કે આ એરપોર્ટ નિશ્ચિત સમયમર્યાદામાં કાર્યરત થઇ જશે. આ જાહેરાતના થોડા દિવસમાં જ આ જનહિતની અરજી નોંધાતા પ્રોજેક્ટ માટે આ પીછેહઠ થવા સમાન બાબત છે.

આ અરજીમાં જણાવ્યું છે કે આ પ્રોજેક્ટ માટે સિડકોએ આશરે ૬૧૭ એકર વનની જમીન સરકારને સુપરત કરી છે. આમાંથી આશરે ૩૫૦ એકર જમીન જંગલ માટે અનામત છે અને તેમાં પણ ૨૬૬ એકર જમીન પર તો મેન્ગ્રોવ ઉગેલાં છે.

આ પ્રોજેક્ટને કારણે પર્યાવરણને થનારા નુકશાનને ભરપાઇ કરવા માટે સત્તાવાળાઓએ એરપોર્ટની ફરતે આવેલાં વિસ્તારને મેન્ગ્રોવ સેન્કચ્યુરી જાહેર કર્યો હતો. અરજીમાં જણાવાયું છે કે આ શરતને આડેધડ તોડી મરોડીને તેની જગ્યાએ થાણે ફલેમિંગો વસાહતને ગોઠવી દેવામાં આવી છે. જે પર્યાવરણીય મંજૂરી આપવા માટે નક્કી કરાયેલી શરતનો સીધો ભંગ છે. અરજીમાં જણાવાયું છે કે સત્તાવાળાઓએ મૂળ યોજનાને ચાતરી જઇ વૈકલ્પિક સાઇટ તરીકે શિવડીની ફલેમિંગો સાઇટનો પણ વિકાસ કર્યો નથી. કરનાલા બર્ડ સેન્કચ્યુઅરી અને સૂચિત એરપોર્ટ વચ્ચેના વિસ્તારને અભયારણ્ય તરીકે જાહેર કરવાની જોગવાઇનો પણ ભંગ કર્યો છે.   અદાલતે સબંધિત સત્તાવાળાઓને આ અરજીનો જવાબ આપવા માટે જણાવ્યું છે. હવે આ કેસની સુનાવણી ૨૮ માર્ચે કરવામાં આવશે.

;