નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અને ત્રિભાષા ફોર્મ્યુલા - Sandesh
  • Home
  • Columnist
  • નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અને ત્રિભાષા ફોર્મ્યુલા

નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અને ત્રિભાષા ફોર્મ્યુલા

 | 3:03 am IST

ટૂ ધ પોઈન્ટ :  યોગેન્દ્ર યાદવ

એકવાર ફરી નાદાન બિલાડીઓની લડાઈ વચ્ચે વાંદરો રોટલી લઈને ભાગી ગયો. ફરી એકવાર ભારતીય ભાષાઓના નાસમજ ઝગડાની આડમાં અંગ્રેજીએ પોતાનું વર્ચસ્વ સુનિશ્ચિત કરી લીધું. ફરી એકવાર ભાષાને મુદ્ ગંભીર રાષ્ટ્રીય ચર્ચા શરૂ થાય તે પહેલાં જ બંધ થઈ ગઈ. ફરી એકવાર મહારાણી અંગ્રેજી જોરથી હસી.   બધું જ એટલી ઝડપથી થયું કે કોઈ કાંઈ સમજે તે પહેલાં વિવાદ ઉકેલી લેવામાં આવ્યો.વિજ્ઞા।ની કસ્તુરીરંગનની અધ્યક્ષતામાં રચાયેલી સમિતિ ડિસેમ્બર ૨૦૧૮માં જ નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો મુસદ્દો ઘડી ચૂકી હતી. પરંતુ જાહેર ચર્ચા માટે મુસદ્દો હવે જાહેર થયો.મુસદ્દો જાહેર થતાં જ તામિલનાડુના દ્રમુક પક્ષના અધ્યક્ષ એમ.કે.સ્તાલિને હિન્દી થોપવાના ષડ્યંત્ર વિરુદ્ધ ગંભીર વાંધો નોંધાવ્યો. વહેતી ગંગામાં કર્ણાટકના પૂર્વ મુખ્યપ્રધાન સિદ્ધારમૈયા અને કોંગ્રેસના નેતા પી.ચિદમ્બરમ્ વગેરેએ પણ હાથ ધોઈ લીધા.તક મળતાં કેટલાક અંગ્રેજી અખબારોએ અંગ્રેજી ભાષાના આધિપત્યના મુદ્દે આ અહેવાલમાં થયેલી ટિપ્પણીઓની હાંસી ઉડાવતા સંપાદકીય લેખો પણ લખી નાખ્યા.

વિરોધપક્ષની ટીકા અને અંગ્રેજી પરસ્ત બુદ્ધિજીવીઓની ટિપ્પણીઓ પર ધ્યાન આપવું આ સરકારની ફીતરત નથી. પરંતુ આ આલોચનાને મુદ્દે વીજળીવેગે કામ થયું. સરકારે તત્કાળ સ્પષ્ટતા કરી દીધી કે આ માત્ર મુસદ્દો છે. હજી જાહેર ચર્ચા માટે મુકાયો છે. પછી નવા જ નિમણૂક પામેલા વિદેશપ્રધાન એસ.જયશંકરે પણ સ્પષ્ટતા કરી કે તામિલ કે અન્ય કોઈ બિનહિન્દીભાષી લોકો પર હિન્દી લાદવાનો પ્રશ્ન જ નથી.આટલું જ નહીં ૨૪ કલાકની અંદર જ સરકારે કસ્તુરીરંગનજી પર દબાણ કરીને મુસદ્દાના જે ફકરા સામે વિરોધ વ્યક્ત થઈ રહ્યો હતો તે ફકરો જ બદલાવી દીધો. ચાના કપમાં આવેલું તોફાન શમી ગયું. સ્તાલિને પોતાની પીઠ થાબડી અને બધું યથાવત્ ચાલવા માંડયું.

પણ પ્રશ્ન એ છે કે જે વાત સામે પ્રબળ વિરોધ થયો હતો તે વાતનો ઉલ્લેખ પૂરા મુસદ્દામાં ક્યાંય હતો જ નહીં. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ અંગેના આ મુસદ્દામાં ક્યાંય પણ બિનહિન્દીભાષી રાજ્યો પર હિન્દી થોપવાનો પ્રસ્તાવ જ નહોતો. મેં તે દસ્તાવેજ ધ્યાનથી વાંચ્યો. તેમાં હિન્દીને રાષ્ટ્રભાષા કહેવાની ભૂલ નથી થઈ છે કે ના તે ભાષાને વિશેષ દરજ્જો આપવાની વાત થઈ છે. હિન્દીની વકીલાત કરતાં એક વાક્ય પણ લખાયેલું નથી.   હકીકતે આ દસ્તાવેજ ભારતીય સંદર્ભમાં બહુભાષી માળખાની તરફદારી કરે છે. દસ્તાવેજ વિશ્વભરના શિક્ષણવિદોની એ સમજદારીની યાદ અપાવે છે કે બાળક પોતાની માતાની ભાષા કે પોતાના ઘરની બોલચાલની ભાષામાં શિક્ષણ ગ્રહણ કરશે તો બહેતર રહેશે. દસ્તાવેજ તે સાથે જ યાદ અપાવે છે કે ૩થી ૮ વર્ષની ઉંમરનું બાળક અનેક ભાષા એક સાથે આનંદથી શીખી શકે છે. જે ઘરમાં અંગ્રેજીનું બોલચાલમાં ચલણ નથી તે ઘરના બાળકોને અંગ્રેજી માધ્યમની શાળામાં શિક્ષણ આપવાથી બાળકની કુદરતી ક્ષમતાઓ કુંઠિત થાય છે. દસ્તાવેજ અંગ્રેજી ભાષા વિરુદ્ધ નથી, પરંતુ કહે છે કે તમામ બાળકો માટે અંગ્રેજીને એક ભાષાના રૂપમાં શીખવાની વ્યવસ્થા હોવી જોઈએ. અંગ્રેજી માધ્યમમાં ગણિત, વિજ્ઞા।ન, કે સમાજ વિજ્ઞા।ન ભણાવવા જતાં બાળક ઓછું સમજી શકશે. આ દસ્તાવેજ ભારતીય ભાષાઓને વધુ તક આપવા અને તેમાં ઉપલબ્ધ સ્રોતને બહેતર કરવાની વકીલાત કરે છે. બહુ લાંબા સમય પછી કોઈ સરકારી દસ્તાવેજે શિક્ષણમાં ભાષાને મુદ્દે ગંભીરતાથી કાંઈક વાત કરી છે. નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિના આ મુસદ્દાને ભાજપ સમર્થન કે ભાજપ વિરોધના ચશ્માના રૂપમાં જોવો ભૂલ ભરેલું પુરવાર થશે.

તો પછી વિવાદ કઈ વાતનો છે? મુસદ્દામાં ત્રિભાષા ફોર્મ્યુલાના ઉલ્લેખ સામે વિરોધ છે. ત્રિભાષા ફોર્મ્યુલાનો અર્થ એ છે કે બિનહિન્દી પ્રાંતોમાં બાળકોને શાળામાં પ્રાદેશિક ભાષા ઉપરાંત હિન્દી અને અંગ્રેજીમાં ભણાવવામાં આવે. હિન્દીભાષી પ્રદેશોમાં પણ બાળકને હિન્દી અને અંગ્રેજી ભાષાની સાથે એક વધુ ભારતીય ભાષા ભણવી પડશે. વાંધો એ વાતે હતો કે ત્રિભાષા ફોર્મ્યુલાને કારણે બિનહિન્દી પ્રદેશોમાં બાળકોને જબરજસ્તી હિન્દી ભણવી પડે.

રસપ્રદ વાત એ છે કે ત્રિભાષા ફોર્મ્યુલાનો વિચાર કાં નવો વિચાર નથી. ઓછામાં ઓછી ૫૦ વર્ષની સરકારી નીતિ છે.૬૦ના દાયકામાં ભાષાકીય વિવાદોના ઉકેલ માટે એક રાજકીય સહમતી સાથે ત્રિભાષા ફોર્મ્યુલા ઘડી કાઢવામાં આવી હતી. વર્ષ ૧૯૬૮માં દેશની પ્રથમ રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં પણ તેનો સમાવેશ થયો હતો. જોકે વ્યવહારમાં ખૂબ ઓછા રાજ્યોમાં તેનો અમલ થયો હતો. તામિલનાડુએ આ સૂચનને સીધું જ ફગાવી દીધું હતું. હિન્દી ભાષી રાજ્યોએ પણ છટકબારીઓ શોધી લીધી હતી કે જેથી પોતાના બાળકોને દક્ષિણ, પશ્ચિમ કે પૂર્વ ભારતની ભાષા ના ભણવી પડે. સંસ્કૃત ભાષાની ખાનાપૂર્તિ કરીને ત્રીજી ભાષાની પચારિકતા પૂરી કરી લેવામાં આવી. પરંતુ કાગળો પર ત્રિભાષા ફોર્મ્યુલા યથાવત્ રહી. બીજી રાષ્ટ્રીય શિક્ષણ નીતિઓ ૧૯૯૨ સુધી આ વાત દોહરાવી.

વ્યવહારમાં ત્રિભાષા ફોર્મ્યુલાનો અમલ જ નથી થઈ રહ્યો તો પછી તેની સામે આટલો વાંધો શા માટે? પ્રથમ દૃષ્ટિએ આ મુદ્દો માત્ર તત્કાલીન રાજકીય પેંતરાબાજીનો લાગી શકે છે. ભાજપને તામિલનાડુમાં પ્રવેશતો રોકવાની સૌથી સારી પદ્ધતિ એ જ છે કે તેના પર હિન્દીવાદી હોવાનું લેબલ લગાવી દેવામાં આવે. પરંતુ ખેલ તેનાથી પણ ઊંડો છે. નવી નીતિમાંથી ત્રિભાષા ફોર્મ્યુલાનો ઉલ્લેખ પણ દૂર કરી દેવો તે અંગ્રેજીના વર્ચસ્વની પચારિક સ્વીકૃતિ છે. કાગળ પર જ્યાં સુધી ત્રિભાષા ફોર્મ્યુલા રહેશે ત્યાં સુધી તે આપણને આ દેશના બહુભાષી ચરિત્રની યાદ અપાવતી રહેશે. જે દેશમાં અંગ્રેજી ભાષાની શાળાઓ બિલાડીના ટોપની જેમ ઊભી થઈ રહી હોય ત્યાં ત્રિભાષા ફોર્મ્યુલાની વાત કરવી તે સ્વયં એક મજાક છે. આપણો શાસક વર્ગ હવે આ મજાક અને અપરાધબોધથી મુક્તિ ઇચ્છે છે.

સવાલ એ છે કે આપણી સંસ્કૃતિમાં ગૌરવનો ઝંડો ઉઠાવનારી આ ‘મજબૂત સરકાર’ પોતાના જ દસ્તાવેજોના પક્ષમાં ઊભા રહીને ભારતીય ભાષાઓને બચાવી લેવા આગળ શા માટે નથી આવી રહી?

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન