New Rules Given Good Remarks To BJP, Congress Made New Record Of Loss
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Election
  • ત્રણ ટર્મ, 60 વર્ષથી વધુને ટિકિટ નહીં-સગાંવાદ સામેની કાતર ભાજપને ફળી, કોંગ્રેસના પરાજયનો નવો રેકોર્ડ

ત્રણ ટર્મ, 60 વર્ષથી વધુને ટિકિટ નહીં-સગાંવાદ સામેની કાતર ભાજપને ફળી, કોંગ્રેસના પરાજયનો નવો રેકોર્ડ

 | 6:33 am IST
  • Share

ગુજરાતમાં અમદાવાદ, સુરત સહિત છ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ઓછા મતદાન છતાંયે ભાજપને ભૂતકાળના તમામ રેકોર્ડ તોડીને ફરી પાંચ વર્ષના શાસનનો જનાદેશ મળ્યો છે, કોરોના મહામારી વચ્ચે યોજાયેલી ચૂંટણીમાં મતદારોએ વિપક્ષના તરીકે પણ નિષ્ફળ રહ્યો હોય તેમ કોંગ્રેસના ઉમેદવારોને ફગાવ્યો છે. જ્યારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓના રસ્તે બીજા વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટી- AAP અને અસાદુદ્દીન ઓવૈસીની ઓલ ઈન્ડિયા મજલિસ એ ઈત્તેહાદુલ મુસ્લિમિન- AIMIMને મતદારોએ સ્વીકાર કર્યો છે.

અઢી- ત્રણ દાયકાથી શહેરોમાં શાસનમાં રહેલા ભાજપે અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા, જામનગર, ભાવનગરમાં પોતે જ પ્રસ્થાપિત કરેલા રેકોર્ડ તોડીને ઐતિહાસિક વિજય મેળવ્યો છે. ગુજરાતમાંથી કોંગ્રેસમુક્ત ભારતની શરૂઆત થઈ ચૂકી હોય તેમ સુરત કોર્પોરેશનમાં એક પણ ઉમેદવાર જીત્યો નથી ! ઈતિહાસમા પહેલીવાર ‘કોંગ્રેસ મુક્ત’જાહેર થયેલા સુરત શહેરમાં ૨૭ ઉમેદવારોના વિજય સાથે AAPનો ગુજરાતમાં પ્રવેશ થયો છે. હવે સુરતના મતદારોએ વિપક્ષ તરીકે AAP ઉપર પસંદગી ઉતારી છે. ભાજપના વિકાસના બુલડોઝર સામે વડોદરા, રાજકોટ, ભાવનગરમાં કોંગ્રેસ સાવ સિંગલ ડિજિટમાં આવી ગઈ છે. અમદાવાદ શહેરમાં પણ કોંગ્રેસનો સાવ રકાસ થયો છે. રહ્યાસહ્યા લઘુમતી મતદારોએ પણ મોઢું ફેરવી લીધું હોય તેમ અમદાવાદમાં અસાદુદ્દીન ઓવૈસીની AIMIMના ૭ ઉમેદવારો ચૂંટાયા છે. આમ, પાંચ વર્ષ પહેલા ૬ કોર્પોરેશનમાં ૧૭૫ જન પ્રતિનિધિઓ ધરાવતી કોંગ્રેસની સંખ્યા AAP- AIMIMના કોર્પોરેટર કરતા પણ ઓછી થઈ ગઈ છે. પ્રારંભિક પરિણામોની વિગતો મુજબ કોંગ્રેસના ૧૪૦થી વધુ ઉમેદવારોની તો ડિપોઝિટ ડૂલ થાય તો નવાઈ નહીં.

ત્રણ ટર્મ, ૬૦ વર્ષથી વધુને ટિકિટ નહીં અને સગાંવાદ સામેની કાતર ભાજપને ફળી, સૌથી વધુ યુવા જનપ્રતિનિધિ  

૬ મહાનગરોની ચૂંટણીમાં ઊતરતા પહેલા જ ભાજપે એન્ટિઈન્કમ્બન્સીને ખાળવા ત્રણ ટર્મ ચૂંટાયેલા, ૬૦ વર્ષ કે તેથી વધુ વય ધરાવતા અને હોદ્દેદારોના સગાં સંબંધીઓને ટિકિટ ન આપવાનો નિર્ણય કર્યો હતો. કેન્દ્ર- રાજ્યમાં મજબૂત સરકાર અને સ્થાનિક સ્તરે ઓછા લોકપ્રશ્નો વચ્ચે ભાજપમાં નવયુવકોને જ ચૂંટણીમાં ઉતારવાનો પ્રયોગ સફળ રહ્યો છે. સુરત, રાજકોટ, અમદાવાદમાં ભાજપના ૪૦થી વધુ ઉમેદવારોએ તો ધારાસભ્યોને શરમાવે તેવી જંગી લીડથી વિજય પરચમ લહેરાવ્યો છે. ૬ મહાનગરોની ૫૭૬ બેઠકોમાંથી ભાજપે જીતેલી ૫૧૨થી વધુ બેઠકોમાં સૌથી વધુ યુવાન, શિક્ષિત જનપ્રતિનિધિઓ નાગરિકોને મળ્યા છે. આમ, ગુજરાત એ દેશમાં સૌથી વધુ યુવાન ચૂંટાયેલા યુવા જનપ્રતિનિધિઓ ધરાવતા રાજ્ય તરીકે પણ પ્રસ્થાપિત થઈ ચૂક્યું છે. ભાજપ માટે વિધાનસભા- ૨૦૨૨ની ચૂંટણીનો રસ્તો સાવ સાફ થઈ ગયો છે. મહાનગરોના પરિણામોની અસર રવિવારે યોજનારી ૮૧ નગરપાલિકા, ૩૧ જિલ્લા પંચાયત અને ૨૩૧ તાલુકા પંચાયતોની ચૂંટણીમાં પણ જોવા મળે તો નવાઈ નહીં.

બે દાયકા પછી અમદાવાદમાં મેયરપદ SC અનામત, રાજકોટમાં OBCને તક

૬ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપને બે તૃતીયાંશથી પણ વધુ બહુમતી મળ્યા બાદ હવે શહેરોના મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે કોણ સંસ્થા સંચાલન કરશે તેના પર સૌની નજર છે. નવી ટર્મમાં પ્રથમ અઢી વર્ષ માટે અમદાવાદમાં બે દાયકા પછી મેયરપદ અનુસૂચિત જાતિ- SC માટે અનામત છે, જ્યારે રાજકોટમાં મેયરનું પદ પહેલી ટર્મ માટે OBC રિઝર્વ રાખવામા આવ્યું છે. સુરત, ભાવનગર અને જામનગરમાં પ્રથમ અઢી વર્ષ મહિલા સભ્ય મેયર પદે રહેશે. એક માત્ર વડોદરામાં જ મેયરનું પદ બિન અનામત છે. ભાજપમાંથી મળતી માહિતી મુજબ આગામી સોમવાર સુધીમાં મેયર અને ડેપ્યુટી મેયર તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની વરણી કરી દેવામાં આવશે.

ધન્યવાદ ગુજરાત! : વડા પ્રધાન મોદી

રાજ્યભરની મહાનગરપાલિકાઓની ચૂંટણીઓના પરિણામો સ્પષ્ટપણે બતાવે છે કે, લોકો વિકાસની રાજનીતિ અને સુશાસન પ્રત્યે અતૂટ શ્રદ્ધા ધરાવે છે. ફરી એકવાર ભાજપ ઉપર વિશ્વાસ મુકવા બદલ રાજ્યની જનતાનો આભારી છું. ગુજરાતની સેવા કરવી એ હંમેશા ગૌરવ છે.

  • નરેન્દ્ર મોદી, વડાપ્રધાન

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન