જૂના ફર્નિચરને આ રીતે આપો નવો અને સ્ટાઇલિશ લુક - Sandesh
  • Home
  • Lifestyle
  • જૂના ફર્નિચરને આ રીતે આપો નવો અને સ્ટાઇલિશ લુક

જૂના ફર્નિચરને આ રીતે આપો નવો અને સ્ટાઇલિશ લુક

 | 11:44 am IST

લાકડાનું વિન્ટેજ સ્ટાઇલનું અથવા જૂની પદ્ધતિનું બનાવેલું પોલિશવાળા ફર્નિચરનું એકાદ પીસ હજીયે આપણાં ઘરોમાં હશે. આ હાથે બનાવેલું ફર્નિચર એવું હોય છે જે મશીનમેડ ફર્નિચરની સરખામણીમાં લાંબો સમય ટકે છે અને માટે જ એને ઘરમાંથી કાઢવાનું મન નથી થતું. જોકે આવા ફર્નિચરને વારંવાર પોલિશ કરાવવું માથાનો દુખાવો સાબિત થાય છે, કારણકે એ પોલિશ સ્પેશ્યલ હોય છે જે જાતે કરવું શક્ય નથી અને આજના લેમિનેટના યુગમાં ફર્નિચર પોલિશર મળવા પણ મુશ્કેલ છે. આવામાં આજકાલ ઇન્ટીરિયર ડિઝાઇનરો ઘરમાં આવા ફર્નિચરને રીવેમ્પ કરવા માટે પેઇન્ટિંગનો સહારો લેવાની સલાહ આપે છે. જાણી લો કઈ રીતે પોતાની ક્રીએટિવ સાઇડને ફર્નિચર પર ઉતારવી શક્ય છે.

પેઇન્ટ અને બ્રશની પસંદગી
ફર્નિચરને પેઇન્ટ કરવા માટે સારા ઓઇલ પેઇન્ટની પસંદગી કરો. આ રંગો વોટરપ્રૂફ હોવાને લીધે ટકાઉ સાબિત થાય છે અને એમાં એક પ્રકારની શાઇન હોય છે જેનાથી ફર્નિચરને એક નવો લુક મળશે. રંગોમાં મેટ અથવા શાઇની ફિનિશ પસંદ કરી શકાય. હવે તો પર્લ જેવી ઇફેક્ટ આપતા રંગો પણ ઓઇલ પેઇન્ટમાં મળી રહે છે. અહીં પેઇન્ટિંગ છે એટલે ઘરના બીજા ફર્નિશિંગ અને આર્ટ પીસમાંથી પ્રેરણા લઈ એને મેચ થતા રંગોનું કોમ્બિનેશન કરી શકાય. બેઝ પેઇન્ટ કરવા માટે ફર્નિચરની સાઇઝ પ્રમાણે ફ્લેટ બ્રશ વાપરો અને ત્યારબાદ એના પર ડિઝાઇન કરવા માટે નોર્મલ ઝીરો નંબરથી લઈને 12 નંબર સુધીના પેઇન્ટ બ્રશનો ઉપયોગ કરી શકાય.

ડિઝાઇન
ફ્રી-હેન્ડ પેઇન્ટિંગ સારી રીતે કરતાં આવડતું હોય તો એને સેન્ટર ટેબલ કે પછી વોર્ડરોબ પર પેઇન્ટ કરી શકાય. પોલકા ડોટ્સ પણ સારા લાગશે. આ સિવાય વિન્ટેજ સ્ટાઇલનો કળા કરતો મોર, ગણેશજી કે કૃષ્ણનું મૉડર્ન આર્ટ ફૉર્મનું પેઇન્ટિંગ પણ બનાવી શકાય. અહીં રંગોનું કૉમ્બિનેશન એવું રાખવું કે જોતાં જ આંખો ખુશ થઈ જાય.

ફર્નિચરને તૈયાર કરો
જો ફર્નિચર પહેલેથી જ લીસું કે લેમિનેટવાળું હશે તો એના પર પેઇન્ટ કરવું થોડું મુશ્કેલ છે. એટલે ફર્નિચર પર જો સનમાઇકા લગાવેલું હોય તો એને કાઢી નાખો અને જો પોલિશ કે પહેલેથી કોઈ કલર હોય તો એને સેન્ડ પેપર વડે ઘસી લો જેથી ઈવન થઈ જાય અને નવા રંગ સારી રીતે લાગી શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન