નવા ટેક્સ સ્લેબ મુજબ કરપાત્ર આવકમાં રાહત... ઢૂંઢતે રહે જાઓગે જેવી છે! - Sandesh
 • Home
 • Budget
 • નવા ટેક્સ સ્લેબ મુજબ કરપાત્ર આવકમાં રાહત… ઢૂંઢતે રહે જાઓગે જેવી છે!

નવા ટેક્સ સ્લેબ મુજબ કરપાત્ર આવકમાં રાહત… ઢૂંઢતે રહે જાઓગે જેવી છે!

 | 5:50 am IST

। મુકેશ પટેલ ।

મંદી- મંદી, મોંઘવારીની ફરિયાદો વચ્ચે કરદાતાને કરઆવકમાં રાહત થવાની અને આવકવેરા મુક્તિ મર્યાદા વધવાનો આશાવાદ વ્યક્ત કરવામાં આવી રહ્યો હતો. બીજી તરફ બજેટમાં જે રાહતો જાહેર કરવામાં આવી તે માત્ર દેખાવ પૂરતી અને ભ્રામક હતી. નાણામંત્રીએ પણ કરદાતાઓને આવકવેરા મુક્તિ મળે અને રૂપિયા પાંચ લાખ સુધીની આવક કરમુક્ત હોવાની, રૂપિયા ૧૫ લાખ સુધીની આવક તબક્કવાર જુદા જુદા ટેક્સરેટ સ્લેબ લાગુ પડતા હોવાની જાહેરાત કરી છે. પરંતુ, કર આવકમાં રાહત આપતો રજૂ કરાયેલો ભ્રમણા ઊભી કરનારો હોવાનો મત ઉઠી રહ્યો છે. કરપાત્ર આવકમાં રાહત આપતી આ જોગવાઇને ભ્રામક અને ઢૂંઢતે રહે જાઓગે જેવી લેખાવી છે.

નાણામંત્રીએ બજેટમાં કહેલી વાતો કરતા, ન કહેલી વાત વધુ મહત્વની જણાય રહી છે. ખાસ કરીને ચાર નવા આવકવેરાના રાહતકારક દરનો લાભ લેવા માટેનો વિકલ્પ જાહેર કરાયો છે. જે વિકલ્પ મેળવવા માટે કર કપાતના લાભ જતા કરવાની શરત રજૂ કરવામાં આવી છે.

આ વિકલ્પમાં સ્ટાન્ડર્ડ ડિડકશનનો લાભ નથી, પગારદારના કેસમાં અન્ય કરમુક્તિ, એચઆરએ, લીવ ટ્રાવેલ કન્સેશન, ભથ્થા સહિતના લાભ જતા કરવાની સ્થિતિ રહેશે. કલમ ૮૦ હેઠળની વિવિધ કપાતો તથા કલમ ૨૪ હેઠળનો લાભ જતો કરવો પડશે.  નવા વિકલ્પ હકિકતમાં ભ્રામક જણાય છે. આ સંજોગોમાં કોઇ શા માટે નવો વિકલ્પ પસંદ કરે? યોજનાને સરળ બનાવવાની વાત કરવામાં આવી છે પરંતુ, સરળતા નથી. આ કોઇ લાભ નથી. આ મુદ્દા ઉપર નાણાંમંત્રીએ પુનઃ વિચારણા કરવાની જરૂર છે.

નવા માળખાના કારણે કરદાતાના ખિસ્સા ખાલી જ થવાનાં છે…

નાણાપ્રધાને લોકોની ખરીદશક્તિમાં વધારો કરવાના આશયથી પર્સનલ ટેક્સ રેટમાં બદલાવ કર્યા છે અને તે માટે કરદાતાને વિકલ્પ પણ આપ્યા છે. પણ અગત્યની વાત એે છે કે, એલટીએ, ૮૦સી અને એચઆરએ જેવા મોટા ડિડક્શનને રદ કરતા નવા માળખાના કારણે કરદાતાના ખિસ્સા ખાલી જ થવાનાં છે. નવા સ્લેબ અંતર્ગત ગુમાવેલા ડિડક્શન અને એક્ઝમ્પ્શન તેની બચત કરતાં વધુ હશે તો તેને નવા સ્લેબ પ્રમાણે નુકસાન જ જવાનું છે.

આવકવેરા સ્લેબની પસંદગી કરદાતાઓની ઝંઝટમાં વધારો કરશે

નિર્મલા સીતારામને શનિવારે રજૂ કરેલા કેન્દ્રીય બજેટમાં આવકવેરા માટેના નવા સ્લેબની જાહેરાત કરી હતી. પરંતુ તેની સાથે એક શરત જોડી હતી કે જો કરદાતા દ્વારા એક્ઝમ્પ્શન જતા કરવામાં આવશે તો જ તેમને નવા સ્લેબના લાભ મળી શકશે. નિર્મલા સીતારામને જણાવ્યું હતું કે, વ્યક્તિગત કરદાતાને રાહત આપવા માટે હું આવકવેરા કાયદાને સરળ બનાવવાનો પ્રસ્તાવ મૂકું છું. નવા આવકવેરાના દર વૈકલ્પિક રહેશે.   જોકે કર નિષ્ણાતોએ જણાવ્યું હતું કે, કરવેરાના બેવડા સ્લેબ કરદાતાઓમાં ગૂંચવાડો સર્જશે કારણ કે હવે તેમને બંને કરમાળખાની ગણતરી કરીને જાણવું પડશે કે કયો સ્લેબ તેમના માટે લાભદાયી છે. તે ઉપરાંત પગારદાર કરદાતા પાસે દર વર્ષે બંને કરમાળખાના સ્લેબમાં બદલાવ કરવાનો વિકલ્પ હશે પરંતુ બિઝનેસ કરતી વ્યક્તિ ફક્ત એક જ વાર આ વિકલ્પની પસંદગી કરી શકશે. જો કરદાતા નવા સ્લેબની પસંદગી કરશે તો તેને લીવ ટ્રાવેલ એલાવન્સ, હાઉસિંગ રેન્ટ એલાવન્સ, હાઉસિંગ લોન પરના વ્યાજ, સ્ટાન્ડર્ડ ડિડક્શન અને સેક્શન ૮૦સી, સેક્શન ૮૦ડી સહિતના ચેપ્ટર વીઆઇએ ડિડક્શન પણ જતા કરવા પડશે.

૧૫ લાખની આવક પર રૂપિયા ૧.૯૫ લાખનો ટેક્સ ભરવાનો થાય

રૂ. ૯.૩૫ લાખની આવક હોય તો, જુના વિકલ્પમાં કપાતો તથા કલમ ૨૪નો લાભ મળી કુલ રૂ. ૪.૩૫ લાખની રોકાણ બાદ મેળવી શકાય. જ્યારે નવો વિકલ્પ પસંદ કરીએ તો, રૂ. ૯.૩૫ લાખની આવક પર રૂ. ૬૯,૮૬૦નો ટેક્સ ભરવો પડે. જો રૂ. ૧૫ લાખની આવક હોય તો, જુના વિકલ્પમાં રૂ. ૪.૩૫ લાખ કપાત મેળવ્યા બાદ રૂ. ૧,૩૭,૨૮૦નો ટેક્સ ભરપાઇ કરવાનો થાય. જ્યારે નવા વિકલ્પમાં રૂ. ૧.૯૫ લાખનો ટેક્સ ભરવો પડે.

કયા ડિડક્શન રદ્ કરવામાં આવ્યા

 • લીવ ટ્રાવેલ કન્સેશન
 • હાઉસ રેન્ટ એલાઉન્સ – સેક્શન- ૧૦માં સમાવિષ્ટ ભથ્થાં
 • MPs/MLAsને મળતા ભથ્થાં
 • સગીરની આવક માટેનું ભથ્થું
 • SEZ યુનિટ માટેની મુક્તિ
 • સ્ટાન્ડર્ડ ડીડક્સન
 • પ્રોફેશનલ ટેક્સ, એન્ટરટેઈનમેન્ટ એલાઉન્સ માટેનું ડીડક્શન
 • માલિકીની અથવા ખાલી મિલકત પરનું વ્યાજ
 • વધારાનો ઘસારો, ઈન્કમટેક્સ એક્ટની સેક્શન ૩૨છD
 • સાયન્ટિફિક રિસર્ચ પરના ખર્ચ અથવા ડોનેશન માટે વિવિધ ડીડક્શન
 • VIA અંતર્ગત 80C,80CCC, 80CCD, 80D,80DD, 80DDB, 80E,80EE, 80EEA, 80EEB,80G, 80GG, 80GGA,80GGC,વગેરે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન