નવી તાલીમના પ્રયોગો દ્વારા શ્રેષ્ઠ છાત્રઘડતર - Sandesh
NIFTY 10,767.65 -0.70  |  SENSEX 35,443.67 +-19.41  |  USD 67.5000 +0.38
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Columnist
  • નવી તાલીમના પ્રયોગો દ્વારા શ્રેષ્ઠ છાત્રઘડતર

નવી તાલીમના પ્રયોગો દ્વારા શ્રેષ્ઠ છાત્રઘડતર

 | 6:01 am IST

અધ્યાપનના તીરેથી :- પ્રા. મહેન્દ્ર જે. પરમાર

મહાત્મા ગાંધીનો ૧૨ ફેબ્રુ.એ શ્રાદ્ધદિન આવી રહ્યો છે ત્યારે તેની સાથે જોડાયેલ સર્વોદયમેળાઓ વિશે જાણીએ. ૩૦ જાન્યુ., ૧૯૪૮ના રોજ મહાત્મા ગાંધીની શહાદત પછી આચાર્ય વિનોબા ભાવેનાં સાંનિધ્યમાં દેશભરના ગાંધીજનોનું સેવાગ્રામ આશ્રમમાં સંમેલન થયું. તેમાં ગાંધીજીના શ્રાદ્ધદિને સર્વોદય મેળાઓ યોજવાનું નક્કી થયું. ઈ. સ. ૧૯૪૮થી ગુજરાતમાં શરૂ થયેલ મેળાઓ યોજવાની પરંપરા આજ પર્યંત ચાલુ રહેવા પામી છે. તેનો પ્રકાશ જરૂર ઝાંખો પડયો છે પણ તેનાં તેજનો પ્રભાવ બરકરાર આજે પણ જોવા મળે છે. મેળાઓમાં જિલ્લાની ગાંધીવિચારને વરેલી સંસ્થાઓ ઉત્સાહભેર ભાગ લે છે.

જિલ્લાઓમાં યોજાતા મેળાઓમાં ગ્રામસફાઈ, ગ્રામયાત્રા, શ્રમયજ્ઞા, ખાદી ગ્રામોદ્યોગ, ખાદીપ્રદર્શન, કાંતણસ્પર્ધા, મહિલા સશક્તિકરણ, વિદ્યાર્થી-વાલી સંમેલન, વિચારગોષ્ઠી જેવા કાર્યક્રમો યોજાય છે. રાત્રિસંસ્કાર કાર્યક્રમમાં નાટક, પ્રહસનો, એકોક્તિ, મિમિક્રી યોજવામાં આવે છે. તેના દ્વારા ગાંધીવિચારોને વિશાળ જનસમુદાય સુધી પહોંચાડી સમરસ સમાજનાં નિર્માણમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે. સામાજિક-ધાર્મિક મેળાઓની જેમ નવા પ્રકારના આ ગાંધીમેળાઓએ રાજ્યમાં એક આગવી ઓળખ ઊભી કરી છે. મેળાઓ ગાંધીજીની નવી તાલીમનો જ એક ભાગ છે. આથી નવી તાલીમના પાયા પર બુનિયાદી શિક્ષણમાં ચાલતા પ્રયોગો જાણવા ખૂબ જ રસપ્રદ થઈ પડશે.

ડો. ઝાકીર હુસેન દેશના રાષ્ટ્રપતિ હતા ત્યારે બિહારના પ્રવાસ દરમિયાન રસ્તા પર એક બોર્ડ જોયું. ‘આદર્શ બુનિયાદી શાળા’ તેમણે કાફલો અટકાવી શાળાની મુલાકાત લીધી. રાષ્ટ્રપતિ આ રસ્તે જવાના છે તેવી ગંધ શિક્ષકોને આવી ગયેલ, તેથી શાળાના મોટા ઓરડામાં વિદ્યાર્થીઓને ગોળાકાર બેસાડીને વચ્ચે રેંટિયો મૂકેલો. ઝાકીર હુસેને પૂછયું : રેંટિયો ચાલુ નથી છતાં વચ્ચે કેમ મૂક્યો છે? શિક્ષક મહાશયે કહ્યું : સર, ગાંધીજીએ કહ્યું છે કે, ”નવી તાલીમનાં કેન્દ્રમાં રેંટિયો હોવો જોઈએ.” આ દૃશ્ય જોઈને દિલ્હી આવીને તેમણે પત્રકાર પરિષદમાં કહ્યું : મેં એક મૃત બાળકને જન્મ આપ્યો છે, એની પ્રતીતિ મને આજે થઈ. દેશ આખો સમસમી ગયો. દેશભરમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડયા.

ગુજરાત નવી તાલીમના પ્રણેતાઓએ ઝાકીર હુસેનને ગુજરાત બોલાવ્યા. અહીંની નવી તાલીમની સંસ્થાઓ જોઈને નવી તાલીમમાં શ્રદ્ધા વ્યકત કરી. આજે પણ રાષ્ટ્રમાં નવી તાલીમ જીવંત રહી હોય તો ગુજરાતમાં જ. પશુપાલન, ખેતી, શ્રમજીવીઓનું શિક્ષણ, સરકારની ખોટી નીતિઓથી તબાહ થતી જનતામાં તેનો પ્રતિકાર કરવાની અહિંસક સત્યાગ્રહી શક્તિનિર્માણ કરવાનું કૌશલ્ય, અધ્યાત્મક અને વિજ્ઞાનના સમન્વયનું શિક્ષણ જેવાં અનેક ક્ષેત્રોને નવી તાલીમમાં વધુ અસરકારક રીતે જોઈને ગુજરાત નવી તાલીમનું રોલમોડલ બન્યું છે.

ગુજરાતમાં ઉત્તર – ઉચ્ચત્તર બુનિયાદી, ડી.એલ.એડ્. કોલેજો, ગ્રામવિદ્યાપીઠો સુધીનું બુનિયાદી શિક્ષણનું માળખું નવી તાલીમના પાયા પર રચાયેલું છે. તેમાં અંદાજિત ૮૦૦ સંસ્થાઓમાં દોઢ લાખ વિદ્યાર્થીઓ અને ૧૦ હજાર શિક્ષકો કાર્યરત છે. આજના શિક્ષણમાં ઊંચી ટકાવારીની હોડમાં સંસ્કારસિંચન અને નૈતિક મૂલ્યો કોરાણે મુકાયાં છે. લખનઉની બ્રાઇટલેન્ડ સ્કૂલમાં સલામતીના ૭૦ કેમેરા છતાં પ્રથમ ધોરણમાં ભણતા ૬ વર્ષના રિતિક શર્મા પર ધો. ૭માં ભણતી છાત્રા દ્વારા ચાકુથી થયેલ હુમલો અને અગાઉ ગુડગાંવની રાયન ઇન્ટરનેશનલ સ્કૂલમાં ૬ વર્ષના પ્રદ્યુમ્નની શાળાના છાત્ર દ્વારા ટોઇલેટમાં કરાયેલ નિર્મમ હત્યાથી દેશવાસીઓમાં ઉગ્ર રોષ ભભૂકી ઊઠયો છે. આ વાતાવરણમાં પરસ્પર સદ્ભાવ, સમાનતા, સહિષ્ણુતા, સંપ અને સહકાર જેવા ઉમદા જીવનમૂલ્યોનું સિંચન કરતી નવી તાલીમના બુનિયાદી શિક્ષણ પર એક દૃષ્ટિપાત કરવાની જરૂર છે.

૧. દિનચર્યા : નિવાસી છાત્રો સવારે ૫.૦૦ વાગે ઊઠીને શૌચ-દાતણ આદિ ક્રિયા બાદ પ્રાતઃપ્રાર્થના કર્યા પછી સ્વ-અધ્યયન કરે છે, ત્યાર બાદ સમૂહજીવનની પ્રવૃત્તિઓમાં જોડાય છે. સફાઈના મેરુદંડ સમાન ઝાડુ લઈને ચોગાનમાંથી કૂડો-કચરો વાળી, કાંકરા-ઠીકરાં, રોડાં, કાચ વગેરે વીણી ઘાસ કાઢી ચોગાનને ચોખ્ખુંચણાક કરી દે છે. ઘાસ ખાતરના ખાડામાં, કાંકરા-ઠીકરાં અને રોડાં ધોવાણ થતાં સંસ્થાના જે તે ભાગમાં નાખી ધોવાણ અટકાવે છે. કાચ, લોખંડ આદિ વસ્તુઓનો કોઈને નડે નહીં તેવી જગ્યાએ સંગ્રહ કરવામાં આવે છે. તેનું વેચાણ થતાં આર્થિક આવક ઊભી થાય છે. ગાંધીજીની નવી તાલીમમાં પંજાવાળા ઝાડુને જાહેર સફાઈનું સદાબહાર પ્રતીક બનાવ્યું છે. ઝાડુ બાંધવાની ખાસ તાલીમ છાત્રોને આપવામાં આવે છે.

૨. સામાજિક સુખાકારી અને આરોગ્ય : સફાઈ વિદ્યાલયના આચાર્ય પદ્મશ્રી સ્વ. ઈશ્વરભાઈ પટેલે પ્રબોધેલી પાયખાના જાજરૂ-મૂતરડીની વ્યવસ્થા વિદ્યાલયોમાં ગોઠવાયેલી છે. તે પહેલાંની વ્યવસ્થા ઘણી જ રસપ્રદ છે. ખસેડવાના ખાડા કે ચર જાજરૂ હતાં. માનવમળ પર સૂપડીથી માટી નાખી ઢાંકી દેવામાં આવતો. ખાડો કે ચર ભરાઈ ગયા પછી ૬ માસમાં સોનખત તૈયાર થતું જે વિદ્યાલયની ખેતીમાં વપરાતું. પેશાબખાના માટે ‘૫ટ૪’ના ખાડા કરવામાં આવતા, તેમાં વિદ્યાલય પરિસરમાં આવેલાં વૃક્ષોનાં સૂકાં પાંદડાં ભરી તેના પર માટી નાખી દાબી દેવામાં આવતાં. વર્ષાંતે તે સડીને ખાતર બનતું, જેનો ખેતીમાં ઉપયોગ થતો. આથી ખેતઉત્પાદનમાં વૃદ્ધિ થતી. કચરાનું વિભાજન કરી તેનો સુચારુ નિકાલ કરવાની વ્યવસ્થા આજે પણ છે. આમ વ્યક્ત સ્વચ્છતાથી લઈને સામૂહિક સફાઈ દ્વારા સામાજિક આરોગ્ય અને સુખાકારીનાં વલણઘડતર અને સુટેવો વિદ્યાર્થીઓમાં કેળવાય છે.

૩. નિવાસી વ્યવસ્થા : છાત્રાલયમાં વિવિધ વિસ્તારોમાંથી વિવિધ જાતિ, કોમ, ધર્મના વિદ્યાર્થીઓ આવે છે. દરેક રૂમમાં તેઓ સાથે રહે તેવી વ્યવસ્થા ઊભી કરવામાં આવે છે. આથી સંપ, સહકાર અને સહિષ્ણુતાની ભાવના કેળવાય છે. સામાજિક એકતા અને સમાનતાની દિશા તરફ દોરી જનારું આ મહત્ત્વનું કદમ છે. એક સાથે રહેતાં, શયન કરતાં, એક હરોળમાં જમવા બેસતાં અને પોતે જ પોતાના સાથીઓને પીરસતાં થાય છે ત્યારે એક મોટી સામાજિક ક્રાંતિ થાય છે. જે નાત-જાત, કોમ, ધર્મ કે ઊંચ-નીચના ભેદને ઓગાળી નાખે છે, એટલું જ નહીં, આ બધી સંકીર્ણતાઓથી ઉપર ઊઠી કૃષ્ણ-સુદામાની જેમ પોતાના સાથી છાત્રો સાથે જીવનભરની મૈત્રીના સંબંધો બાંધી દેતા હોય છે. આગળ જતાં એકબીજાનાં સુખ-દુઃખમાં ભાગીદાર પણ બને છે.

૪. છાત્રાલય પંચાયત : છાત્રાલયની પ્રવૃત્તિઓનાં સંચાલન માટે છાત્ર પંચાયતની રચના થાય છે. તેમાં મહામંત્રી, સફાઈમંત્રી, સમયમંત્રી, પ્રાર્થનામંત્રી, કોઠારમંત્રી, રસોડામંત્રી, મહેમાનમંત્રી અને આરોગ્યમંત્રી દ્વારા છાત્રાલયપ્રવૃત્તિઓનું સુચારુ સંચાલન થાય છે. ગ્રૂપલીડર અને ટુકડીના સભ્યો ફાળે આવેલું કાર્ય જવાબદારીપૂર્વક કરે છે, પરિણામે તેમનામાં આત્મવિશ્વાસ અને આત્મસંયમ કેળવાય છે. વર્ષમાં બે વાર યોજાતી મહાસફાઈમાં વિદ્યાર્થીઓ, શિક્ષકો, સંયોજક, આચાર્ય અને ગૃહપતિ ઉત્સાહભેર જોડાય છે. ‘ચાલો ઊઠો ને આજ કરીએ સફાઈ’નો જાણે શંખનાદ ફૂંકાતો હોય તેવાં મનોહર દૃશ્યો સર્જાય છે. વિદ્યાલયમાં મેકોલે શિક્ષણની તદ્દન વિરુદ્ધ ‘સાહેબ’ને બદલે ભાઈ કે બહેન તરીકે સંબોધવાની પ્રણાલિકા આજે પણ ગાંધીની નવી તાલીમની સંસ્થાઓમાં જોવા મળે છે.

ગૂ. વિદ્યાપીઠના ભૂતપૂર્વ કુલનાયક ગોવિંદભાઈ રાવલે નોંધ્યું છે કે, વલ્લભ વિદ્યાલય બોચાસણ ગુજરાત નવી તાલીમની એક અદ્વિતીય સંસ્થા એટલા માટે છે કે, તેનો પાયો નવી તાલીમના ઋષિ એવા પૂ. બાપુએ નાખ્યો હતો. ઉપરાંત ભારતની એકતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલનું નામ સંસ્થા પોતાના હૈયામાં સાચવીને જીવે છે. બૃહદ ખેડા જિલ્લાની બે મોટી કોમો પાટીદાર અને ક્ષત્રિય વચ્ચે સુમેળ સર્જન તેનું એક મહત્ત્વનું લક્ષણ છે. સંસ્થાએ જાણે કે અંગ્રેજ સરકારની મહીકાં એજન્સીને નાબૂદ કરીને સમગ્ર કાંઠાવિસ્તારમાં નવી તાલીમની એક પ્રાણવાન એજન્સી તરીકે કેવું તેજોજ્વલ કાર્ય કર્યું. તેની યશોધવલ કથા આજે પણ એટલી જ પ્રેરણાદાયી છે.