New twist in Kagdadi Ashram mahant suicide case, Karni Sena demands judicial probe
  • Home
  • Gujarat
  • કાગદડીના મહંત આપઘાત કેસમાં નવો વળાંક, લાખો રૂપિયા ગાયબ, ગળા ઉપર લીલા નિશાન

કાગદડીના મહંત આપઘાત કેસમાં નવો વળાંક, લાખો રૂપિયા ગાયબ, ગળા ઉપર લીલા નિશાન

 | 4:52 pm IST
  • Share

કોડીનાર પંથકમાંથી સઘળું ત્યજીને સન્યાસ ધારણ કરનાર કાગદડીના મહંતના આપઘાત પાછળના ઘણા રહસ્યો હજુ જાહેર થયા નથી પરંતુ એટલું સ્પષ્ટ થઇ રહ્યું છે કે સન્યાસી બન્યા પછી આશ્રામનો આર્થિક વિસ્તાર અને પ્રભાવ વધારવાની સાથે મહંતે સાંસારિક ભત્રીજા, જમાઈને પણ આર્થિક ટેકો આપી આશરો આપેલો. રાજકોટ મોરબી હાઈવે ઉપર આવેલ ખોડીયારધામ આશ્રમના મહંત જયરામદાસબાપુએ ગત 31 તારીખે ઝેરી દવા પી આપઘાત કરી લીધાની ઘટનામાં એક પછી એક વળાંક આવી રહ્યા છે.

મહંતનો એક વિડીયો પણ સામે આવ્યો છે જેમા દેખાતી યુવતી તેમની ભત્રીજી અને ફોનમાં વિડીયો ઉતારતો શખ્સ મહંતનો ભત્રીજો હોવાનું સ્પષ્ટ થયા બાદ સ્યુસાઈડ નોટમાં બાપુએ ટાંકેલા અમુક મુદાઓ સામે આવ્યા છે. આ અંગે ડીસીપી પ્રવીણકુમાર મીણાએ જણાવ્યું હતું કે, મહંત જયરામદાસબાપુને વિડીયો આધારે ભત્રીજો અલ્પેશ, જમાઈ હિતેષ અને વિક્રમ સોહલા ત્રાસ આપતા હતા અને પૈસા પડાવ્યા હતા.

તે ઉપરાંત બાપુએ ઝેર પીધા પૂર્વે એવું પણ લખ્યું હતું કે ભત્રીજા અને જમાઈને ટ્રસ્ટી મંડળમાં સ્થાન આપ્યું, રહેવા આશરો અને જમવા રોટલો આપ્યો છતાં તે બંને હવે બધું હડપ કરી લેવાના ઈરાદે તે બંને મારો કાંટો કાઢવા વિડીયો આધારે બ્લેકમેલ કરતા હતા, જયારે આ બંનેની કપટ નીતિ હું સમજી ગયો હોય જેથી આ બંનેને ટ્રસ્ટી મંડળમાંથી કાઢવા માટે મેં પણ પ્રયત્નો કર્યા હતા. પરંતુ વિડીયો તે લોકો પાસેથી હોવાથી પોતે લાચાર થઇ ગયા હતા અને અંતે આપઘાતનો માર્ગ અપનાવવાની ફરજ પડી હતી.

ત્યારે હવે રાજકોટના કાગદડીના મહંતના આપઘાત પ્રકરણમાં રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા આ બનાવ આપઘાતનો નહીં પરંતુ હત્યાનો હોવાની શંકા દર્શાવી ડેપ્યુટી પોલીસ કમિશ્નરને આવેદન પાઠવી ન્યાયિક તપાસની માંગ ઉઠાવી છે.

રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના દ્વારા રાજકોટ ડીસીપી પ્રવીણકુમાર મીણાને આવેદન પાઠવી કરાયેલી રજુઆતમાં જણાવાયું છે કે, કાગદડી આશ્રામના મહંત જયરામદાસબાપુએ આપઘાત નથી કર્યો તેમની હત્યા થઇ છે. પશુની દવા પીવાથી જો બાપુનું મોત થયું હોય તો પશુઓની સારવારમાં વપરાતી દવાથી પશુનું પણ મોત થઇ શકે છે. તેમણે ગળા ઉપર લીલા નિશાન હતા. જેથી કોઈએ બળપ્રયોગ કર્યો હોય તેવી શંકા છે. વિક્રમ સોહલા અને વકીલ સહિત ચારેક લોકોએ મારકૂટ કરતા હતા. કોના કહેવાથી ડોક્ટર નીલેશ નિમાવત અને કમલેશ કલેરીયાએ ખોટું સર્ટીફીકેટ બનાવ્યું, બાપુ પાસે લાખો રૂપિયા હાથમાં રહેતા તે પૈસા ગાયબ છે. વિક્રમ સહિત ચાર લોકો હાજર હતા. તેમાંથી બાપુને ઝેર પીવડાવનાર કોણ અને સ્યુસાઈડ નોટ કેમ મીડિયા સમક્ષ જાહેર કરવામાં આવતી નથી. આવા અનેક મુદાઓ તપાસ માંગી લ્યે તેવા હોય ન્યાયિક તપાસ કરવાની માંગણી ઉચ્ચારવામાં આવી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો