નવા વર્ષમાં ન્યાયતંત્ર, CBI, RBIને ચૂંટણી પંચની કસોટી - Sandesh
  • Home
  • Columnist
  • નવા વર્ષમાં ન્યાયતંત્ર, CBI, RBIને ચૂંટણી પંચની કસોટી

નવા વર્ષમાં ન્યાયતંત્ર, CBI, RBIને ચૂંટણી પંચની કસોટી

 | 12:35 am IST

ઘટના અને ઘટન : મણિલાલ એમ. પટેલ

નૂતન વર્ષનું નવલું પ્રભાત આજે ઊગ્યું છે. પ્રભાત તો નિત્ય થાય છે પણ આજે નવા વર્ષના આરંભનું પ્રથમ પ્રભાત છે. દીપમાળાઓની હારમાળાના દીપોત્સવીપર્વમાં ગણપતિ, લક્ષ્મી ને સરસ્વતીની પૂજા-અર્ચના વિશેષરૂપે થાય છે તે માનવજીવન સાથે સૂચક છે. ગણપતિ વિઘ્નહર્તા દેવ છે એટલે વીતેલાં વર્ષમાં આવેલાં વિઘ્નો નવા વર્ષમાં ન આવે તે માટે તેમની પૂજા-અર્ચના થાય છે. લક્ષ્મી એટલે કે ધનસંપત્તિની પૂજા કરાય છે. ધન એ કાળું કે ધોળું હોતું નથી પણ માણસે તેને કાળું-ધોળું બનાવી દીધું છે. ધનપ્રાપ્તિની અતિતરસ કે તૃષ્ણાએ માનવીને પાગલ બનાવી દીધો છે. આપણાં શાસ્ત્રોએ ગેરરીતિથી કમાયેલું ધન ટકતું નથી તેવી ચેતવણી આપેલી જ છે, છતાં માનવીની વધતી ધનેચ્છા ભ્રષ્ટાચાર ને કાળા નાણાં જેવાં અનેક અનિષ્ટો સર્જે છે. ધનની સાથે ધન્વંતરિની પણ ઉપાસના-આરાધના થાય છે. માણસ જ્યારે ધનસંપત્તિ પાછળ આંધળી દોટ મૂકે છે ત્યારે તે પોતાનાં શરીર કે સ્વાસ્થ્યની પણ ફિકર કરતો નથી. રાત-દિવસ પૈસા કમાવા પાછળ શરીર ખર્ચી નાખે છે પણ કમાયેલા પૈસા કથળેલાં શરીરની સારવાર પાછળ ખર્ચે છે. માણસ લક્ષ્મીપૂજન કરે છે પણ ગૃહલક્ષ્મી સમાન પત્નીનો વિશ્વાસઘાત કરે છે ને પછી સર્જાય છે મી ટૂની મોટી વણઝાર. જો ઘરની લક્ષ્મીમાં વિશ્વાસ, વફાદારી રાખે તો મી ટૂની સમસ્યા આપોઆપ ઉકલી જશે. ત્રીજું પૂજન સરસ્વતીનું થાય છે. આજે શિક્ષણમાં નર્યો વ્યાપાર વધ્યો છે. વિદ્વતાનાં નામે નર્યો બકવાસ રોજ સાંભળવા મળે છે. આજે વ્યંગમાં કહેવાય છે કે સરસ્વતી ક્યાં નથી તો વિદ્યાધામોમાં! ઘરનો કંકાસ કાળી ચૌદશે નહીં પણ પરસ્પરની સમજદારીથી જ કાઢી શકાય.

નવું વર્ષ નવી આશા અને અરમાનોનાં કિરણો લઈને આવે છે સાથે સાથે વીતેલાં વર્ષની સમસ્યાઓની બાકી પણ આગળ ખેંચાય છે. વીતેલાં વર્ષમાં સરકાર અને સમાજ સામે અનેક પડકારો આવ્યા. વીતેલાં વર્ષમાં વરસાદની કમી હોવા છતાં પીવાનાં પાણી પૂરતું ગાડું ચાલ્યું પણ ખેડૂતોને સિંચાઈ માટે મુશ્કેલીઓ થઈ. ચાલુ વર્ષે તો દેશભરમાં ધાર્યા કરતાં ઓછો વરસાદ થયો છે. નવા વર્ષમાં સિંચાઈ તો ઠીક પીવાનાં પાણીના પણ પ્રશ્નો સર્જાવાના છે. દેશના ૨૫૧ જેટલા જિલ્લા અછતગ્રસ્ત છે. ગુજરાતમાં પણ મોટાભાગનાં જળાશયો ખાલી છે એટલે ગુજરાત માટે પણ પાણી નવા વર્ષ માટે પડકારરૂપ પ્રશ્ન બનવાનો છે ત્યારે નવા વર્ષમાં ખેડૂતોના પ્રશ્ને ગરમી આવવાની પૂરી સંભાવના છે. વીતેલાં વર્ષોમાં મોંઘવારીએ માઝા મૂકીને વિક્રમ તોડયો. પેટ્રોલ-ડીઝલના ભાવો પણ વિક્રમજનક વધ્યા. રૂપિયો પણ વિક્રમજનક સપાટીએ નીચે ગયો. નોટબંધી અને જીએસટીએ અનેક વિવાદો સર્જ્યા. આમ વીતેલું વર્ષ આર્થિક મોરચે પ્રજાને અનેક પરેશાનીઓ આપનારું નીવડયું. નવા વર્ષના આરંભે વીતેલાં વર્ષમાં રૂપિયે વધેલા પેટ્રોલ-ડીઝલના ભાવો પૈસામાં ઘટી રહ્યા છે. રૂપિયાની સ્થિતિ સુધરી રહી છે જે આશાનાં કિરણ સમાન છે પણ અછતની સ્થિતિ નવા વર્ષમાં અકળાવનારી બની રહેશે. ચૂંટાયેલા સભ્યોનાં પગાર-ભથ્થાં, પ્રવાસો, સગવડોનો ખર્ચ વધે ત્યારે થાય કે કોના બાપની દિવાળી!

વીતેલાં વર્ષમાં સર્વોચ્ચ અદાલતની ભૂમિકા નોંધપાત્ર રહી. શનિદેવ અને સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશ મુદ્દે સીમાચિહ્નરૂપ ચુકાદા આપ્યા. ફટાકડા અને સબરીમાલા જેવા ચુકાદાની સંસ્કૃતિ ને પરંપરા હેઠળ જે આલોચના થઈ તે કમનસીબ છે. અદાલતે વ્યભિચાર અંગેની ૪૯૭ અને સજાતીય સંબંધો અંગેની ૩૭૭ કલમ રદ કરીને સુધારણાનો સંકેત આપ્યો તો ઘરઆંગણે આલોચના પણ થઈ. આધારકાર્ડની સાર્વત્રિક માન્યતા રદ કરતો મહત્ત્વનો ચુકાદો આપ્યો. બઢતીમાં અનામત અને અપરાધીઓને ચૂંટણી લડતા રોકવાનો કાયદો કરવા સરકારોને સૂચવ્યું. તો અનેક હસ્તીઓને જેલભેગી પણ કરી. નવા વર્ષમાં ન્યાયતંત્રની પ્રજાકીય શ્રદ્ધાની પણ કસોટી થવાની છે. નૂતન વર્ષ લોકશાહી માટે મહત્ત્વપૂર્ણ બની રહેવાનું છે. જેમાં સત્તા ને વિપક્ષો બંનેની કસોટી થવાની છે. નૂતન વર્ષના પ્રારંભ કાળમાં જ યોજાનારી પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી આ જ વર્ષે આવનાર લોકસભાની ચૂંટણી માટે સીમાચિહ્નરૂપ બની રહેવાની છે. બીજા અર્થમાં કહીએ તો નવું વર્ષ સેમિફાઇનલ અને ફાઇનલનું બની રહેવાનું છે. યુપીએ અને એનડીએ બંને ગઠબંધનોએ શસ્ત્રો સજવાનું શરૂ કર્યું છે. વિપક્ષી ગઠબંધન અંગે જોરશોરથી ચર્ચાઓ અને તૈયારીઓ ચાલી રહી છે પણ નક્કર કેટલું થશે તે અંગે હજુયે શંકા-કુશંકા સેવાય છે, તો શાસક ગઠબંધનમાંથી તેલુગુદેશમ્ છૂટો પડયો છે, તો તેમાં જૂનો સાથી બિહારનો જેડીયુ પુનઃ સામેલ થયો છે. હાલ તો વિપક્ષી એકતાનું એકમાત્ર ધ્યેય ભાજપને હટાવવા-હરાવવાનું છે પણ પ્રજાનાં મનમાં શંકા-કુશંકા છે કે જુદા જુદા પક્ષોનું ગઠબંધન ભૂતકાળની જેમ એક રહીને સારું શાસન આપી શકશે કે કેમ?

વિપક્ષોનો આક્ષેપ છે કે, સરકાર આર્થિક નિષ્ફળતાઓ છુપાવવા સંવેદનશીલ મુદ્દાઓને શરણે જઈ રહી છે. ચૂંટણીના થોડા સમય પૂર્વે જ રામમંદિરનો મુદ્દો ગરમાયો છે યા ગરમ બનાવાયો છે. ૧૯૯૨ જેવી ઘટનાનાં પુનરાવર્તનની ચીમકી પણ અપાઈ છે. હવે અદાલતના નિર્ણયની રાહ જોવાની તૈયારી નથી. પુનઃ મંદિર મુદ્દાને ચૂંટણીનો મુખ્ય મુદ્દો બનાવી દેવાના પ્રયાસો શરૂ થયા છે. ૧૯૯૨ જેવી સ્થિતિ સર્જાય તે દેશ માટે નુકસાનકર્તા નીવડી શકે તેમ છે. ભાજપ જ નહીં પણ તમામ પક્ષો હવે નરમ હિંદુત્વના માર્ગે જઈ રહ્યા છે. કોઈ મંદિરમાં જાય છે, કોઈ ૧૫૫ ફૂટની રામની મૂર્તિ બનાવવાનું કહે છે, કોઈ ભવ્ય વિષ્ણુમંદિર બનાવવાનું કહે છે તો કોઈ દુર્ગામહોત્સવમાં ફંડ આપે છે. આમ રાજકારણમાં ધર્મને ભેળવવાની તીવ્ર સ્પર્ધા શરૂ થઈ છે. સરદારની પ્રતિમા સામે અન્ય નેતાઓની મોટી પ્રતિમાઓ મૂકવાના પણ ભણકારા સંભળાઈ રહ્યા છે, જે નવા વર્ષમાં દેખાવા માંડશે.

કોઈ રાફેલ મુદ્દે સરકારને ઘેરી રહ્યું છે તો કોઈ સામે વર્ષો જૂનો બોફોર્સનો મુદ્દો યાદ કરી રહ્યું છે, તો કોઈને ૧૯૮૪નાં તોફાનોમાં શીખોની હિંસાનો મુદ્દો યાદ આવ્યો છે. આ બધા વચ્ચે મોંઘવારી, બેકારી, મંદી ને ભ્રષ્ટાચાર જાણે ગૌણ બની ગયા છે યા બનાવી દેવાયા છે. મૂળભૂત મુદ્દાઓથી પ્રજાનું ધ્યાન બીજે ખેંચવાના ભરપૂર પ્રયાસો થઈ રહ્યા છે. બીજી બાજુ કાળું નાણું પાછા લાવવાના હોકારા-પડકારા વચ્ચે કેટલું કાળું નાણું પાછું આવ્યું તે સવાલ છે. ભ્રષ્ટાચારના મુદ્દે ગત ચૂંટણી લડાઈ હોવા છતાં હજુ સુધી પ્રજાનાં નસીબમાં લોકપાલ લખાયા નથી. ખેડૂતો, મંદિર, ગઠબંધન, સીબીઆઈ, આરબીઆઈ, રાફેલ જેવા મુદ્દાઓની બાકી નવા વર્ષમાં આક્રોશપૂર્વક આગળ ખેંચાવાની છે.

વીતેલાં વર્ષની પૂર્વ સંધ્યાએ મી ટૂના ધડાકાએ ઘણા વિસ્ફોટ રાજકીય ને ફિલ્મી ક્ષેત્રે સર્જ્યા છે, જે આપણી સભ્યતા, સંસ્કૃતિ, મહિલા સશક્તિકરણ ને બેટી બચાવોને ધક્કો પહોંચાડનારા છે. બીજી બાજુ ઇતિહાસમાં પહેલી વાર સર્વોચ્ચ અદાલતના ત્રણ ન્યાયમૂર્તિઓએ લોકશાહી ભયમાં છે તેવો જાહેર અવાજ ઉઠાવ્યો તો મુખ્ય ન્યાયમૂર્તિ સામે મહાભિયોગની દરખાસ્ત આવી. દેશની ટોચની તપાસ સંસ્થા સીબીઆઈ સામે સીબીઆઈ જેવું વાતાવરણ સર્જાયું તેની વિશ્વસનીયતા લોકનજરે તળિયે ગઈ. RBIનાં કામમાં સરકારી હસ્તક્ષેપના આક્ષેપ વચ્ચે આંતરરાષ્ટ્રીય નાણાભંડોળે પણ આરબીઆઈનાં કાર્યમાં સરકારને હસ્તક્ષેપ ન કરવા જણાવ્યું. ભારત ને પાકિસ્તાનની સરહદે તંગ સ્થિતિ જોતાં જો નવા વર્ષમાં સીમિત યુદ્ધ થશે તો પણ બંને દેશોમાં ભારે ખુવારી થઈ શકે છે. ઉત્તર ને દક્ષિણ કોરિયા દુશ્મની ભૂલ્યા તેમાંથી બંનેએ શીખવા જેવું છે. આ સ્થિતિમાં નવા વર્ષમાં ફાઇનલ ને સેમિફાઇનલ ખેલાવાની છે ત્યારે ન્યાયતંત્ર, રિઝર્વ બેન્ક, સીબીઆઈ અને ચૂંટણી પંચની સ્વાયત્તા ને વિશ્વસનીયતાની ભારે કસોટી થવાની છે, સાથે સાથે ચૂંટણી એ લોકશાહીનું પર્વ હોવાથી તેનો ઉત્સાહ ભલે હોય પણ તે ઉન્માદમાં પરિવર્તિત ન થાય તેની કાળજી રાખવામાં પ્રજા, પક્ષો ને નેતાઓની કપરી કસોટી થવાની છે. પુનરાવર્તન કે પરિવર્તનનો ચુકાદો પ્રજાએ આપવાનો છે. દિવાળીમાં પ્રજાનો ‘દિન’ કે ‘દીન’ સુધરશે કે કેમ તે પ્રશ્નનું પાછું આવતા વર્ષે પુનરાવર્તન થશે. આપણા લાભ ને શુભ મેળવવામાં બીજાના લાભ ને શુભ ઝૂંટવાઈ જાય તે સાચું સુખ નથી, તે જ નૂતન વર્ષનો પ્રેરક સંદેશ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન

;