નવા વર્ષમાં માત્ર એક સંકલ્પ લઈને દેશસેવા કરીએ - Sandesh
  • Home
  • Columnist
  • નવા વર્ષમાં માત્ર એક સંકલ્પ લઈને દેશસેવા કરીએ

નવા વર્ષમાં માત્ર એક સંકલ્પ લઈને દેશસેવા કરીએ

 | 1:13 am IST

કેળવણીના કિનારે  :-  ડો. અશોક પટેલ

આજે આપણા દેશની દરેક વ્યક્તિ પોતાને સાચો દેશભક્ત ગણે છે. ક્યારેક તે સાચો દેશભક્ત છે તેમ સાબિત કરવાનો પણ પ્રયત્ન કરે છે. આજનો સામાન્ય નાગરિક ઘરમાં બેઠા બેઠા પણ દેશના અર્થશાસ્ત્રીઓને, સૈન્યના વડાને, વડા પ્રધાનને, રાષ્ટ્રપતિને, સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશને સલાહ આપતો હોય છે કે, આમ કરવું જોઈને તેમ કરવું જોઈએ વગેરે. આવી ચર્ચાઓ પોતાના સગાં કે મિત્રો વચ્ચે કરીને પોતે જ્ઞાની અને દેશભક્ત છે તેમ સાબિત કરવાનો પ્રયત્ન કરતો હોય છે. પણ પોતાને જે કરવાનું છે તે નહીં કરી શકવાના તેની પાસે એક નહીં સો બહાના હોય છે. બીજા લોકો પોતાની ફ્રજ નિષ્ઠાપૂર્વક બજાવતા નથી તેનો તે અફ્સોસ કરે છે, પણ પોતે પોતાની સામાન્ય ગણાતી ફ્રજ નહીં બજાવી શકવાના અનેક કારણો આપે છે. ત્યારે કહેવાની ઇચ્છા થાય કે, કોઈપણ નાગરિકે દેશ સેવા કરવી હોય તો સરહદ પર જવાની જરૂર નથી, ચૂંટાઈને ધારાસભ્ય કે મંત્રી બનવાની પણ જરૂર નથી, દેશ સેવા માટે આર્થિક ધનવાન હોવું જરૂરી નથી. દરેક નાગરિક પોતાના ઘેર રહીને, સામાન્ય નોકરી કે ધંધો કરીને પણ દેશ સેવા કરી શકે છે. બસ જરૂર છે સાચી ભાવના, નિષ્ઠા અને સાચા વર્તનની.

આમ તો દેશસેવા કરવા માટે એક નહીં એક હજાર પ્રકારના કામ કે વર્તનો આપણે કરીને સાબિત કરી શકીએ કે હું સારો, નિષ્ઠાવાન નાગરિક છું. આમ જોવા જઈએ તો સામાન્ય વ્યક્તિ કે મોટી ગણાતી વ્યક્તિ છે તો નાગરિક જ. અને એક દેશમાં રહેતા તમામ નાગરિક સમાન જ ગણાય. આમ છતાં કેટલાક નાગરિક ઉચ્ચ તો કેટલાક નિમ્ન નાગરિક ગણાય છે. ઉચ્ચ કે નિમ્ન નાગરિક કોને કહીશું ? જે નાગરિક પોતાના હક્ક કરતા પોતાની ફ્રજને વધારે પ્રાધાન્ય આપે છે તે ઉચ્ચ નાગરિક અને જે નાગરિક પોતાની ફ્રજ કરતા પોતાના હક્કને વધારે પ્રાધાન્ય આપે છે તે નિમ્ન નાગરિક. નક્કી આપણે જ કરવાનું છે કે, આપણે નાગરિક તો છીએ પણ ઉચ્ચ કે નિમ્ન ? ઉચ્ચ નાગરિક પોતાના દરેક વર્તન માટે વિચારે છે કે, મારા આ વર્તનથી અન્યને કોઈ નુકસાન તો થતું નથી ને ? અન્યને કોઈ મુશ્કેલી તો પડતી નથી ને ? જ્યારે નિમ્ન નાગરિક પોતાના ફયદા માટે બીજાને થતા નુકસાન વિશે વિચારતો નથી. પોતાને અનુકૂળ હોય તે કરવાનું પછી ભલે ને બીજો નાગરિક મુશ્કેલીમાં કેમ ના મુકાય ? કેટલાક લોકો તો કાયદો કે નિયમ તોડવા માટે ગૌરવ અનુભવે છે. કાયદો કે નિયમ તોડીને બીજાને મુશ્કેલીમાં મૂકીને, બીજાને નુકસાન કરાવીને પોતે મેળવેલ ફયદાની વાતો પોતાના મિત્ર વર્તુળમાં કરીને પોતાને હોશિયાર સાબિત કરવાનો પ્રયત્ન કરે છે!

એક સામાન્ય બાબત એ જોવા મળે છે કે જે લોકો નિયમ કે કાયદાનો ભંગ કરતા હોય છે તેઓ જ સરકાર કે સમાજ માટે સૌથી વધારે ફ્રિયાદ કરતા હોય છે. આવા લોકોને બીજાની જ ખામી દેખાય છે, પોતાની ખામી જોવા માટેનો તેમની પાસે સમય જ હોતો નથી. ક્યાંથી હોય ? બીજાની ખામીઓ શોધવામાંથી ઊંચા આવે તો પોતાની ખામી દેખાય ને ! તેઓને બીજાની ખામી દેખાય છે , જેમ કે સરકાર આ નથી કરતી ને કોર્પોરેશન આમ નથી કરતું , પરંતુ પોતે શું કરે છે? તે વિચારવાનો કે મૂલવવાનો સમય નથી હોતો, નિષ્ઠા નથી હોતી, આવડત નથી હોતી. માટે જ આવા દોષિત માણસોને બીજાના જ દોષ દેખાય છે અને બીજાના દોષ કાઢીને પોતાના દોષ દબાવવાનો પ્રયત્ન કરે છે. સરકાર કે સમાજ ગમે તેટલા નિયમો બનાવશે, પણ જ્યાં સુધી તેના નાગરિકમાં નિષ્ઠા નહીં હોય ત્યાં સુધી તે નિયમનું પાલન નહીં જ કરે. આ રીતે જોઈએ તો નિયમ કરતા નિષ્ઠા વધુ ઊંચી ગણવી પડે. બાપ જ કાયદો તોડે તો તેના સંતાનો કાયદો તોડશે જ. પોતાના સંતાનોને સમજ આપવાની, શિખવવાની જવાબદારી સૌ વાલીની છે. પોતાના સંતાનને થયેલા અન્યાય માટે જેટલા ઉત્સાહ સાથે વાલી દોડી જાય છે, એટલો ઉત્સાહ પોતાના સંતાને કરેલ અન્યાયની સામે બતાવે છે ખરો ? હકીકતમાં દરેક વાલીએ એક આદર્શ બાપ કે મમ્મી બનવું જોઈએ. તમારા સંતાનને તમારા માટે ગૌરવ હોવું જોઈએ. છે તમારા સંતાનને તમારા માટે ગૌરવ ? વિચારજો, સમાજ માન્ય એવી કઈ બાબત છે કે જેનાથી તમારા સંતાનો, તમારા સગાં કે તમારા મિત્રોને તમારા માટે ગૌરવ થાય.

ઘણા પરદેશ આપણા કરતા આગળ છે. તેની પાછળનું મુખ્ય કારણ તેમના નાગરિકોમાં તેમના દેશ માટે રહેલી નિષ્ઠા છે. આપણે પણ કહીએ છીએ કે મારામાં ભરપૂર દેશદાઝ છે, પણ કરીએ છીએ કેટલું ? માત્ર બોલવાથી દેશપ્રેમ સાબિત ના થાય. તે માટે કશુંક કરવું જોઈએ અને કશંુક ના પણ કરવું જોઈએ. આજે આપણા દેશની અનેક સમસ્યાઓમાંથી સામાન્ય નાગરિકને સીધી રીતે લાગેવળગે તેવી મુખ્ય બે સમસ્યાઓ જો કોઈ હોય તો તે છે, સ્વચ્છતા અને ટ્રાફ્કિ. ત્યારે આપણે સૌએ વિચારવું જોઈએ કે જો આપણે સાચા અર્થમાં સારા નાગરિક હોઈએ અને આપણામાં સાચો દેશપ્રેમ હોય તો આ બે સમસ્યાને હળવી બનાવવામાં આપણો ફળો આપીએ. આ માટે બીજાના ઘેર જઈને કચરો સાફ કરવાની જરૂર નથી કે રસ્તા પર ઊભા રહીને જામ થયેલા ટ્રાફ્કિને હટાવવાની પણ જરૂર નથી. બસ તમે પોતે તમારા ઘરમાં, સોસાયટીમાં, શાળા-કોલેજમાં કે જાહેર જગ્યા પર ગંદકી ના કરો અને સ્વચ્છતા જાળવો. એ જ રીતે રસ્તા પર વાહન ચલાવતી વખતે ટ્રાફ્કિ જામ થાય કે અન્યને મુશ્કેલી પડે તેવી રીતે વાહન ના ચલાવો. આ બે કામ કરીશું તો પણ સાચી દેશ સેવા જ છે. પરદેશમાં આ બે સમસ્યાઓ જોવા મળતી નથી, કારણ કે તેમના નાગરિકોમાં સ્વયંશિસ્ત છે. આપણે પણ સ્વયંશિસ્ત દાખવીને આ સમસ્યા ઉકેલીને દેશભક્તિ બતાવી શકીએ. હકીકતમાં ચાર રસ્તા પર પોલીસની જરૂર જ શું છે ? જો દરેક નાગરિક યોગ્ય રીતે વાહન ચલાવે તો ? આપણે ત્યાં તો પોલીસ ઊભેલી હોય તો જ નિયમનું પાલન કરવાનું ! ચાર રસ્તા પર ઘણીવાર જો આપણે માત્ર એકાદ મિનિટ માટે થોભી જઈએ તો ટ્રાફ્કિ સરળ બને. પણ આપણે તો માત્ર ને માત્ર આપણું જ વિચારીએ છીએ, ભલે બીજાને મુશ્કેલી પડતી હોય. પછી, ટ્રાફ્કિ જામ કે અન્ય સમસ્યા માટે દોષનો ટોપલો ઢોળવાનો કોર્પોરેશન અને પોલીસ પર. હા, આપણે ત્યાં ટ્રાફ્કિ વ્યવસ્થાના અનુસંધાને કેટલીક મર્યાદાઓ છે. જેમકે, રસ્તાઓ સાંકડા છે, વાહનોની સંખ્યા વધુ છે. પણ દરેક નાગરિક પૂરતી સમજ સાથે વાહન ચલાવશે તો ઉપરોક્ત મર્યાદા સાથે પણ ટ્રાફ્કિ સમસ્યાને હળવી બનાવીને આપણે આપણી જાતને સાચા દેશભક્ત સાબિત કરી શકીશું. આપણે ત્યાં તો સૌને ઘેરથી મોડા નીકળવું છે અને વહેલાં પહોંચવું છે. સૌ નાગરિક પાંચ મિનિટ વહેલા નીકળીને એ પાંચ મિનિટનો ઉપયોગ ચાર રસ્તા પર કે ધીમી ગતિથી વાહન ચલાવવામાં આપે તો પણ દેશસેવા કરી કહેવાય. કેટલીક સમસ્યાનો ઉકેલ માત્ર તેના નાગરિકો પાસે જ છે, સરકાર તો નિયમ બનાવી શકે, પણ તેને પાલન કરવાનું કામ આપણા સૌનું છે. તો આવો આવતી કાલથી શરૂ થતાં નવા વર્ષે આપણે સ્વચ્છતા અને ટ્રાફ્કિ અંગે સંકલ્પ લઈને સાચા દેશભક્ત બનીએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન