New Zealand whether the attack was to arrive at a peaceful country like Muslims
  • Home
  • Featured
  • ન્યૂઝીલેન્ડ જેવા શાંત દેશમાં મુસ્લિમો પર આવો હુમલો કેમ થયો? જાણો તેના કારણો !

ન્યૂઝીલેન્ડ જેવા શાંત દેશમાં મુસ્લિમો પર આવો હુમલો કેમ થયો? જાણો તેના કારણો !

 | 7:38 am IST

ન્યૂઝીલેન્ડમાં  અનહોની બની ગઇ. જુમ્માની નમાજ પઢવા માટે બે મસ્જિદમાં ભેગાં થયેલાં લોકો પર અંધાધૂંધ ગોળીબાર થયો. જેમાં ૪૯ લોકોનાં મોત નિપજ્યાં અને ૨૯ લોકોને ગંભીર રીતે ઘાયલ થયા છે. આ કરૂણ ઘટનાને અંજામ આપનાર બે શખસ બે જુદી જુદી મસ્જિદમાં ઓટોમેટિક ગન લઇને ઘુસી ગયાં હતાં અને લોકોને ભોગ બનાવ્યાં છે.

ન્યૂઝિલેન્ડનાં સેન્ટ્ર્લ ક્રાઇસ્ટ ચર્ચ વિસ્તારની બે મસ્જિદમાં બપોરે ૧.૪૫ કલાકે આ બનાવ બન્યો અને નમાજ પઢવા આવેલાં મુસ્લિમ પુરુષો તેનો ભોગ બન્યાં છે.

સવાલ એ છે કે ન્યૂઝીલેન્ડ જેવા શાંત દેશમાં મુસ્લિમો પર આવો હુમલો કેમ થયો? ન્યૂઝીલેન્ડમાં આજદિન સુધી કોઇ કોમી તોફાન થયું નથી કે મુસ્લિમો દ્વારા કોઇ ઉશ્કેરણીજનક પ્રવૃત્તિ થઇ હોવાનું નોંધાયું નથી. તો પછી આવી આતંકીત કરી નાખનારી ઘટનાનું કારણ શું ? આ આતંકી ઘટનાને અંજામ આપનાર એક શખસને પોલીસે ઝડપી પાડયો છે.

૨૮ વર્ષનો આ યુવાન વ્હાઇટ ઓસ્ટ્રેલિયન છે અને તેનું નામ બ્રેટન ટેરન્ટ છે. હુમલો કરતાં પહેલાં તેણે ૭૪ પેજનું એક ડોક્યુમેન્ટ બનાવ્યો હતો અને તેમાં  તેણે આ હુમલો કેમ કર્યો તેના કારણો દર્શાવ્યા છે. આ ડોક્યુમેન્ટમાં તેણે મુસ્લિમો પ્રત્યે ઘૃણા અને નફરતભરી વાતો લખી છે અને કહ્યું છે કે, બહારથી આવીને યુરોપમાં વસેલાં મુસ્લિમો મારા દુશ્મન છે.

હુમલા અંગે તેણે દાવો કર્યો છે કે આ હુમલા પાછળ કોઇ સંગઠનનો હાથ નથી. હુમલાનું મેં જાતે જ પ્લાનિંગ કર્યું છે. ઓસ્ટ્રેલિયાથી ન્યૂઝિલેન્ડ એટલાં માટે આવ્યો કે દુનિયાનાં ખૂણામાં આવેલાં આ દેશમાં કેટલા પ્રમાણમાં માસ ઇમિગ્રેશન થઇ રહ્યું છે તે ખબર પડે. હું મુસ્લિમોને નફરત નથી કરતો પરંતુ એ મુસ્લિમોને નફરત કરું છું જે અમારી જમીન પર કબજો જમાવી રહ્યાં છે અને ધર્મ પરિવર્તન કરાવી રહ્યાં છે.

મુસ્લિમોની મસ્જિદ પર હુમલો કરનાર  વ્હાઇટ ઓસ્ટ્રેલિયને જે ડોક્યુમેન્ટમાં લખ્યું છે તેના સૂચિતાર્થો ઘણાં બધાં છે.  બહારથી  આવતા મુસ્લિમો પ્રત્યે તેણે ભારોભાર આક્રોશ વ્યક્ત કર્યો છે અને તેણે લખ્યું છે કે, ધર્મપરિવર્તન કરાવતાં મુસ્લિમો અને અમારી જમીનો કબજે કરતાં મુસ્લિમો પ્રત્યે મને નફરત છે. આ સૂચિતાર્થો પ્રત્યે આંકડાકિય તપાસ કરીએ તો જે ચિત્ર બની રહ્યું છે તે સ્થાનિક ન્યૂઝીલેન્ડવાસીઓ માટે પણ ચોંકાવનારું છે.

ન્યૂઝીલેન્ડની કુલ વસતી ૪૭,૭૯,૬૦૭ની છે. જેમાં ૧.૧ ટકો મુસ્લિમોની વસતી છે. એટલે કે ન્યૂઝીલેન્ડમાં ૪૭,૭૯૬ જેટલાં મુસ્લિમો રહે છે. મુસ્લિમોની આટલી વસ્તી સામે અત્યારે ન્યૂઝીલેન્ડમાં ૫૭ જેટલી મસ્જિદોનું નિર્માણ થયેલું છે. એટલે દર ૮૪૦  મુસ્લિમો વચ્ચે ન્યૂઝીલેન્ડમાં ૧ મસ્જિદ બનેલી છે. સ્થાનિકોની આંખમાં આવી વાતો જલદી આવી જતી હોય છે.

ન્યૂઝીલેન્ડની સરકારે ૨૦૧૩માં વસતી ગણતરી કરી હતી જેમાં મુસ્લિમોની વસ્તી ૪૬,૧૯૪ બતાવાઇ હતી. ૨૦૦૬માં જે વસતી ગણતરી કરાઇ હતી તેના પ્રમાણમાં ૨૦૧૩માં ન્યૂઝીલેન્ડમાં મુસ્લિમોની વસ્તીમાં ૨૮ ટકાનો વધારો નોંધાયેલો જોવા મળ્યો હતો. એટલે કે સાત વર્ષમાં ન્યૂઝીલેન્ડમાં ૧૦૪૪૧ મુસ્લિમોની વસતી વધી હતી.  ન્યૂઝીલેન્ડમાં મુસ્લિમોની વસતી વધવાનું મુખ્ય કારણ માઇગ્રેશન છે.

બીજા દેશોમાંથી મોટા પ્રમાણમાં મુસ્લિમો ન્યૂઝીલેન્ડ જેવા શાંત દેશ તરફ આકર્ષાયા છે. ૧૯૮૦ પછી વોરઝોન બની ગયેલાં અને મુશ્કેલીભર્યા મુસ્લિમ દેશો જેવા કે, ઇરાન, ઇરાક, અફઘાનિસ્તાન, સોમાલિયા, બોસનિયા અને કોશાવો જેવા દેશોમાંથી મુસ્લિમો ભાગીને ન્યૂઝીલેન્ડમાં વસવાટ કરવાનું ચાલુ કર્યુ છે જે આજદિન સુધી ચાલુ જ છે. આના પરિણામે  ન્યૂઝીલેન્ડમાં મુસ્લિમોની વસતી સતત વધી રહી છે. યુરોપમાં ન્યૂઝીલેન્ડ એવો દેશ છે કે જ્યાં ક્રીશ્ચિયનોની વસતી સતત ઘટી રહી છે.

ન્યૂઝીલેન્ડની કુલ વસતીના ૩૭ ટકા લોકો ક્રિશ્ચિયન છે. જેઓ જુદા જુદા પંથ જેવા કે કેથોલિક, એન્ગીકેનિઝમ, મેથોડિસ્ટ, બાપ્ટિસ્ટ વગેરે પંથના છે. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે ન્યૂઝીલેન્ડની ૩૮ ટકા વસતી કોઇ ધર્મમાં માનતી નથી. એટલે ન્યૂઝીલેન્ડના ક્રિશ્ચિયનો સતત ટેન્શનમાં છે. બહારથી આવતાં લોકોને કારણે ન્યૂઝીલેન્ડના મૂળ ક્રિશ્ચિયનોને પોતાનો દેશ, પોતાનો ધર્મ ખતરામાં હોવાનું લાગી રહ્યું છે.

૨૦૧૩ની ન્યૂઝીલેન્ડની વસતી ગણતરી પછી ન્યૂઝીલેન્ડની વિકટોરિયા યુનિર્વસિટીના પ્રોફેસર પોલ મોરીસ જેમણે દુનિયાના ધર્મો પર રિસર્ચ કરેલું છે. તેમણે એક ચોંકાવનારું નિવેદન કર્યુ હતું કે ન્યૂઝીલેન્ડ હવે એક એવી નવી ભૂમિ બનવા માંડી છે કે જ્યાં ક્રિશ્ચિયાનિટી તેની સોસાયટી પરની મજબૂત પકડ ગુમાવી રહ્યું છે.

આ બધા તારણો સ્થાનિક વ્હાઇટ ક્રિશ્ચિયનોને અકળાવનારા છે. ન્યૂઝીલેન્ડની મસ્જિદ પર હુમલો કરનાર વ્હાઇટ ક્રિશ્ચિયન છે અને તેમના માટે આદર્શ પોલિટિશિયન અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ છે. ટ્રમ્પ તેમની મુસ્લિમ વિરોધી નીતિઓને કારણે દુનિયાભરમાં જાણીતા બન્યાં છે.

આજે જ્યારે ન્યૂઝીલેન્ડના મુસ્લિમો પર એક સ્થાનિક યુવાન દ્વારા હુમલો થયો છે ત્યારે અન્ય બાબતો પણ ધ્યાન ખેંચનારી બની જાય છે. દુનિયામાં મોટાપાયે પ્રચાર થઇ રહ્યો છે કે, આતંકનો પર્યાય મુસ્લિમો છે. મુસ્લિમો માટે એક ખૂબ જ જાણીતી અને કહેવાતી વાત દુનિયાના પ્લેટફોર્મ પર એ થવા માંડી છે કે દરેક મુસ્લિમ આતંકવાદી નથી, પરંતુ દરેક આતંકવાદી મુસ્લિમ છે.

દુનિયાભરમાં કેટલાંક કટ્ટર ઇસ્લામિક સંગઠનો દુનિયા પર ઇસ્લામિક ઝંડો ફરકાવવાનું સ્વપ્ન જોઇ રહ્યાં છે અને તેના માટે ખુનામરકી અને સુસાઇડ બોંમ્બરનો પણ ઉપયોગ કરતાં અચકાતાં નથી.૯/૧૧નો અમેરિકાના વર્લ્ડ ટ્રેન્ડ સેન્ટર પરનો એટેક, ૨૬/૧૧ના દિવસે મુંબઇ પર થયેલો આતંકી હુમલો, ઉપરાંત દુનિયાભરમાં જુદા જુદા સ્થળોએ થયેલાં બોંબધડાકાઓ અને આતંકી હુમલામાં જેહાદી સંગઠનોનો હાથ હોવાનું બહાર આવ્યું છે.

દુનિયાભરના મુસ્લિમોમાંથી મુઠ્ઠીભર જેહાદી તત્વોને કારણે આખો મુસ્લિમ સમાજ બદનામ થઇ રહ્યો છે. એના માઠા ફળ સામાન્ય મુસ્લિમોને ભોગવવા પડે છે.  એરપોર્ટ પરની તપાસથી માડીને કોઇ દેશમાં વિઝા મેળવવા સુધી મુસ્લિમોને શકની નજરે દુનિયા જોઇ રહી છે.

ધાર્મિક કટ્ટરતાથી ભરેલા આ તાલિબાની તત્વોને એ ભાન નથી કે તેમના આ આતંકી કૃત્યને કારણે આખા મુસ્લિમ સમાજને કેટલું ભોગવવું પડે છે. ન્યૂઝીલેન્ડમાં માર્યા ગયેલાં નિર્દોષ મુસ્લિમો માટે વ્હાઇટ ઓસ્ટ્રેલિયન યુવાન સંપૂર્ણ જવાબદાર છે સાથે સાથે આ વ્હાઇટ ઓસ્ટ્રેલિયન યુવાનને હુમલો કરવા માટે ઉશ્કેરનાર તત્વો પણ એટલાં જ જવાબદાર ગણી શકાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન