નિકોલા ટેસ્લા - Sandesh

નિકોલા ટેસ્લા

 | 1:47 am IST

આખાબોલા હોવાના કારણે વારંવાર નિકોલાને કોઈ ને કોઈ સામે બાંયો ચડાવવાની નોબત આવી જતી. ત્યારે એવી જ કોઈ ઘટના ખુદ પોતાના પરિવાર સામે સર્જાઈ ગઈ અને જ્યારે પરિવાર સાથે અણબનાવ ઊભો થયો પછી તો નિકોલા રીતસરનો નર્વસ બ્રેકડાઉનનો શિકાર બની ગયો હતો.

પોતાના જીવનકાળ દરમ્યાન જાતજાતના પ્રયોગો દ્વારા અનેક વૈજ્ઞાાનિક સિદ્ધાંતો સાબિત કરી ચૂકેલ નિકોલા પોતાના સ્વભાવ ઉપરાંત અનેક ચિત્ર-વિચિત્ર બીમારીઓથી પણ પીડાતો જ રહ્યો હતો. એટલે આમ જુઓ તો સફળતાને પોતાના નામે અંકિત કરવામાં આડે આવતી બધી જ પરિસ્થિતિઓ વિકટ જ હતી. એવી વિકટ કે કદાચ સામાન્ય માણસ બધું પડતું મૂકીને ચૂપચાપ બે પૈસા કરવાના ધંધે લાગી શોધખોળોના શોખનું પોટલું બાંધીને અભેરાઈએ ચડાવી દે.

પણ આવા જિનિયસ લોકોની એક ખાસિયત જ તેમને અન્યોથી અલગ પાડતી હોય છે એ હોય છે – પોતાની ઘેલછાઓને સદાય પોતાના જીવનનો ધ્યેય બનાવી તેની પાછળ પડી જવાની એ હિસાબે નિકોલા બેશક ઘેલછાની ચરમસીમા ધરાવતો જિનિયસ તો હતો જ.

નિકોલાની એક વિસ્મયકારક શક્તિ એ હતી કે ડિપ્રેશન અને વારંવાર આવતી બીમારીઓના સમયગાળા દરમિયાન પણ મિકેનિકલ અને થિયોરોટિકલ શોધખોળોના વિચારો આપોઆપ તેની દ્રષ્ટિ સમક્ષ ફ્લેશ થયા કરતા. વળી એક અનન્ય ખૂબી એ હતી કે જ્યારે કોઈપણ પ્રોજેકટ પર નિકોલા કામ કરી રહ્યો હોય ત્યારે કોઈ પણ પ્લાન કે તે પ્રોજેકટ અંગેનું ડ્રોઈંગ ભાગ્યે જ પેપર પર નોંધીને રાખ્યું હોય. મોટેભાગે આવી બધી વિગતો તેના દિમાગમાં સચવાયેલી જ રહેતી.

થ્રી-ફેઈઝ ઈલેકટ્રીક પાવર, ઈન્ડકશન મોટર, ટેસ્લા વાલ્વ્ઝ, વાયોલેટ રેય્ઝ, વાયરલેસ ટેલિગ્રાફી, વેક્યુમ વેરીએબલ કેપેસીટર, ઓલ્ટરનેટીવ કરંટ જેવી અનેક શોધોનો પ્રણેતા નિકોલા ટેસ્લાએ કોન્ટીનેન્ટલ એડિસન કંપનીમાં નોકરી કરી, એ દરમ્યાન પણ ત્યાં ઉપયોગમાં લેવાઈ રહેલા અનેક ડિવાઈસીસમાં ધરખમ સુધારાઓ કર્યા. જેની કામગીરીના ખિતાબરૂપે તેને અમેરિકામાં ‘એડિસન મશીન વર્ક્સ કંપનીમાં’ કામ કરવાનો મોકો મળ્યો. પોતાની જબરી આવડત અને હોશિયારીથી અહીં પણ પોતાની વિલક્ષણતા સાબિત તો કરી પણ મૂળ મુદ્ે તકલીફ એ આવી કે ન તો તેને કોઈ આર્થિક ફાયદો મળ્યો ન કોઈ પ્રશંસા. જેના પરિણામે થોમસ એડિસન સાથેના વ્યવહારમાં કડવાશ આવી ગઈ.

નિકોલા ફરી હતાશા અનુભવી રહ્યો હતો, ત્યારે પોતાની જ એક કંપની ખોલી નાખવાની ધૂનકી ઉપડી અને ખોલી પણ નાંખી. નિકોલાને જેમ પહેલેથી પોતાની જાતને સાબિત કરવામાં એક પછી એક સમસ્યાઓ નડતરરૂપ બનતી જ જતી હતી એમ જ નહીં પણ એ જ પરિસ્થિતિનું નિર્માણ થયું. તેની જ કંપનીના રોકાણકારોને નિકોલા પર ભરસો ન રહ્યો. સરવાળે ‘દળી દળીને ઢાંકણીમાં.’

પોતાનો સ્વભાવ, કારકિર્દી દરમ્યાન નિષ્ફળતાઓ. બીમારીઓ, હતાશાઓ, ઉપરાંત પોતાના સમયકાળ દરમ્યાન સદાય અન્ડરરેટેડ જ ગણાવું…જેવા અનેક પ્રતિકૂળ પરિમાણોને પોતાની વિચક્ષણતાના જોરે હરાવી નિકોલાએ પોતાની વૈજ્ઞાાનિક તરીકેની ખ્યાતિ એક ચોક્કસ ઊંચાઈએ પહોંચાડી. નિકોલાએ સરસ કહ્યું છે, “વિજ્ઞાાનનો માણસ ત્વરિત પરિણામોની અપેક્ષા નથી રાખતો. એમ પણ નથી. વિચારતો કે પોતાના પ્રગતિશીલ વિચારો તરત જ સ્વીકૃતિ પામશે. તેની ફરજ ફક્ત એટલી જ હોય છે કે આવનારી પેઢીઓ માટે મજબૂત પાયાનું નિર્માણ કરવું. તેમને યોગ્ય દિશા ચીંધવી.”