નિધાસ ટ્રોફી : ભારતે લયમાં આવવા બાંગ્લાદેશને પરાજય આપવો પડશે - Sandesh
  • Home
  • Sports
  • Cricket
  • નિધાસ ટ્રોફી : ભારતે લયમાં આવવા બાંગ્લાદેશને પરાજય આપવો પડશે

નિધાસ ટ્રોફી : ભારતે લયમાં આવવા બાંગ્લાદેશને પરાજય આપવો પડશે

 | 2:09 am IST

કોલંબો, તા. ૭

રોહિત શર્માનાં નેતૃત્વમાં ભારતીય ટીમ નિધાસ ટ્રોફીની ટ્રાઈ સિરીઝ રમવા માટે શ્રીલંકા પહોંચી છે, ત્યાં પહેલી જ મેચમાં ભારતને પરાજયનો સામનો કરવો પડયો હતો. યજમાન શ્રીલંકાએ ભારત સામેની મેચ સરળતાથી જીતી લીધી હતી. શિખર ધવનના ૯૦ રનનાં જોરે ભારતે મોટો સ્કોર તો કર્યો હતો પણ ભુવનેશ્વર અને બુમરાહની ગેરહાજરીમાં ભારતની નબળી બોલિંગ લાઇનઅપ ઉજાગર થઈ ગઈ હતી. ભારત ગુરુવારે આ સિરીઝની બીજી મેચ બાંગ્લાદેશ સામે રમવાનો છે. પહેલી મેચના પરાજય બાદ ભારતીય ટીમ અને રોહિત શર્મા ઉપર વિજય માટેનું દબાણ વધી ગયું છે.

ઘણી વખત ધારણા પ્રમાણે કશું થતું નથી : રોહિત  

લંકા સામે મળેલા પરાજય બાદ રોહિત શર્માએ જણાવ્યું હતું કે, અમારા બોલરોએ તમામ પ્રકારના પ્રયોગ કરી જોયા પણ ઘણી વખત એવું થતું હોય છે કે, તમારી ધારણા પ્રમાણે કશું બનતું નથી. અમારી સાથે પણ એવું જ થયું હતું. અમે જીતવા માટે તમામ પ્રયાસ કર્યા પણ લંકાના બેટ્સમેનોએ ભારતીય બોલર્સને ક્યાંય મચક આપી નહોતી. ભારત પાસે હાલમાં યુવા બોલર્સ છે પણ તેમની પાસે અનુભવ તો છે જ. તેઓ પોતાની રીતે વિરોધી ટીમને દબાણમાં લાવવા પ્રયાસ કરે છે.

ઓપનિંગ મજબૂત કરવું પડશે  

જાણકારોએ જણાવ્યું કે, ભારતીય ટીમે ઓપનિંગ મજબૂત રાખવું પડશે. રોહિત શર્મા અને શિખર ધવન દ્વારા ભારતની મજબૂત શરૂઆત કરવામાં આવે તે અત્યંત જરૂરી છે, તેવી જ રીતે ભારતીય ખેલાડીઓ અંતિમ ઓવર્સમાં વધારેમાં વધારે રન ઝડપે તે પણ હાલના સંજોગો પ્રમાણે જરૂરી છે. બાંગ્લાદેશ સામેની મેચમાં ચહલની સાથે અક્ષર પટેલને તક આપવામાં આવે તેવી શક્યતા સેવાઈ રહી છે. પહેલી મેચમાં રાહુલને સ્થાન મળ્યું નહોતું પણ ઓપનિંગને બાદ કરતાં જો તેને મિડલ ઓર્ડરમાં સ્થાન આપવામાં આવે તો પણ ભારતને લાભ થાય તેમ છે.

બાંગ્લાદેશે કાયમ ભારત માટે પડકાર ઊભો કર્યો છે  

બુમરાહ અને ભુવનેશ્વર જેવા સ્ટાર બોલર્સની ગેરહાજરીમાં ભારતને મુશ્કેલી પડે તે સ્વાભાવિક છે. આ સંજોગોમાં શાર્દુલ ઠાકુર અને જયદેવ ઉનડકટે ડેથઓવર્સમાં પોતાની રમત સુધારવી પડશે. લિમિટેડ ઓવરની મેચની વાત કરીએ તો બાંગ્લાદેશે કાયમ ભારત માટે પડકાર ઊભો કર્યો છે. આ સંજોગોમાં ભારત માટે આગામી મેચ સામાન્ય નહીં હોય તેવી ધારણા છે. શાકિબ-અલ-હસનની ગેરહાજરીમાં મહમુદુલ્લાહ બાંગ્લાદેશની ટીમને ક્યાં પહોંચાડશે તે જોવું રહ્યું. ભારત સામે સતત પરાજય મેળવનારી બંને ટીમ હાલની સિરીઝમાં બદલો લેવાના મૂડમાં છે. આ સંજોગોમાં ભારતે પોતાનો દબદબો જાળવવો જ પડશે.