નવ જીવનની સુખમય શરૂઆત માટે... - Sandesh

નવ જીવનની સુખમય શરૂઆત માટે…

 | 3:20 am IST

હાલમાં લગ્નની સીઝન ચાલી રહી છે. અનેક નવયુવાનો દાંપત્ય જીવનમાં પગરણ માંડી રહ્યાં છે. નવજીવન સહજીવન બને, સપનાંઓ એકબીજાના સહકારથી સાકાર થાય અને ‘હમ સાથ સાથ હૈ’ની ગંુજ કાયમ માટે ગૂંજતી રહે એ માટે નીચેની બાબતો મસ્ટ છે.

સકારાત્મક વિચાર

સકારાત્મક વિચાર અડધી સમસ્યાઓને હલ કરી દે છે અને ઉત્સાહને બમણો કરે છે. શિકાગો યુનિર્વિસટીમાં થયેલાં એક સંશોધન મુજબ જો પતિ- પત્ની હકારાત્મક અભિગમવાળા હોય તો એમની વચ્ચે સંઘર્ષની સંભાવના નહિવત્ થઈ જાય છે. પતિ- પત્ની એકબીજાનાં જીવનમાં બનતી ઘટનાઓ પ્રત્યે કેવો પ્રતિભાવ આપે છે તેની અસર સંબંધો પર પડે છે. તેથી પતિ- પત્ની એકબીજાનાં સારા વાણી- વ્યવહારની કદક કરે, એમને પ્રોત્સાહન આપે અને પ્રાઉડ ફીલ કરે તો એ સારપની સુગંધ લાંબા સમય સુધી રહે છે. અને ભૂલ કે ખોટા વર્તન માટે સીધા લાઈફ્ પાર્ટનરને જવાબદાર ઠેરવવાને બદલે ‘અમુક સંજોગોમાં આવું થઈ જાય, ઈટ્સ ઓકે, જાગ્યા ત્યાંથી સવાર કે ભૂલ કોનાથી નથી થતી ?’ એવું કહીને સકારાત્મક રીતે ટ્રીટ થાય તો સંબંધોનો બાગ પ્રેમ અને વિશ્વાસથી મહેકી ઊઠે.

અભિવ્યક્તિ જરૂરી

કમજોર અભિવ્યક્તિ અને ઓછા સંવાદ ધીરેધીરે સંબંધનો પ્રેમ રસ ચૂસી લે છે. વગર કહ્યે જીવનસાથી તમારી સઘળી બાબતો સમજી જાય એ શક્ય નથી. તેથી તમે શું ઈચ્છો છો અને શું નથી ઈચ્છતા એ કહેવું જરૂરી છે. મનની વાત મનમાં જ રાખી મૂકવાથી ગેરસમજો વધે છે. તેથી દિલની દરેક વાત શેર કરો. શેરિંગ દ્વારા અન્ડરસ્ટેન્ડિંગ, અન્ડરસ્ટેન્ડિંગ દ્વારા લવ અને લવ દ્વારા રિસ્પેક્ટ આવશે. સંબંધોમાં આટલી બાબતો હોય તો બીજું કશું જોઈએ ખરું ?

દોસ્ત બનો

પતિ- પત્નીએ દોસ્ત બનવું હોય તો નિખાલસતા, વિશ્વાસ અને સપોર્ટિવ નેચર કેળવવો પડે. જે રીતે બે મિત્ર એકબીજા આગળ કશાય દંભ કે આવરણ વિના વ્યક્ત થાય છે. આંખ મીંચીને ભરોસો મૂકે છે. પોતાનું નુકસાન કરીને પણ પરસ્પર સપોર્ટ કરે છે. ખોટું લાગ્યું હોય તો પણ ભૂલીને આગળ વધે છે, એકબીજાની મજાક કરી શકે છે. અને ગુસ્સો પણ ઝીલી શકે છે. બસ, આ બાબત પતિ- પત્ની શરૂઆતથી આચરણમાં ઉતારે તો ‘દો જીગર એક જાન’ જેવી ઈન્ટિમસી અવશ્ય આવે.

ઘરનાં કામમાં સહયોગ

પત્ની વર્કિંગ વુમન હોય ત્યારે સંવેદનશીલ પતિ- પત્નીને ઘરકામમાં મદદ કરે છે. નાનાં- મોટાં કામમાં પત્નીની હેલ્પ પતિ પ્રત્યે માન જન્માવે છે. પતિ- પત્નીની કેર કરે છે, ચિંતા કરે છે, એના કામમાં સહભાગી થવા ઈચ્છે છે એ વિચારથી જ પત્નીની લાગણીને પાંખો ફૂટે છે. અને પ્રેમ ડબલ થઈ જાય છે. પતિ દ્વારા થતી પત્નીની કદર કઈ પત્નીને ન ગમે ?

અદ્રશ્ય અંતર ઊભું કરતા પરિબળોથી સાવધાની

આજે ટેકનોલોજી માનવીનો બીજો મિત્ર છે. મોબાઈલ પર ગેમ્સ, સોશિયલ મીડિયા પર ચેટિંગ, ટી.વી., વીડિયો, ફેન પર લાંબી લાંબી વાતો, મિત્રોનું જીવનમાં વધુ પડતંુ મહત્ત્વ અને સંબંધીઓની દખલગીરી આ બધી એવી બાબતો છે કે જે અંતરંગ સમય- સંવાદની તકો અને રોમાન્સની પળો ઓછી કરે છે. જેનાથી સંબંધ સુગંધ વગરનાં ફૂલ જેવો બને છે. અને ધીરેધીરે મુરઝાય જાય છે. અહીં ઝઘડો નથી, સંઘર્ષ નથી પણ પ્રેમનો કેફ્ પણ નથી. જેથી એક ઉદાસીનતા- ઉપેક્ષાનું થર જામે છે. એ ટાળવા માટે આવા અદ્રશ્ય પરિબળોને જીવનમાં પ્રવેશતાં શરૂઆતથી જ રોકો.

સમય આપો

લગ્નની શરૂઆતમાં એકબીજાથી અલગ ન થનારા થોડા જ સમયમાં એકબીજાથી ભાગે છે. પણ આ ભાગવું પલાયનવાદ છે. એનાથી સંબંધો સુધરવાને બદલે બગડે છે. તેથી દલીલો થાય કે ઝઘડો, કંટાળો આવે કે થાક લાગે, કામ વધારે હોય કે ટેન્શન હોય..કોઈપણ સ્થિતિમાં રોજ એક કલાક તો સાથે સમય પસાર કરવો જ. સાથે રહેવાથી પ્રેમ વધે છે અને સંઘર્ષ ઘટે છે.