nirav modi expression fugitive in London courtroom
  • Home
  • Business
  • નીરવ મોદીએ કોર્ટમાં બે વખત મોઢું ખોલી કચવાટા મને કહ્યું…; જેલમાં દાઉદના આ સાગરિત સાથે કેદ

નીરવ મોદીએ કોર્ટમાં બે વખત મોઢું ખોલી કચવાટા મને કહ્યું…; જેલમાં દાઉદના આ સાગરિત સાથે કેદ

 | 11:21 am IST

પંજાબ નેશનલ બેન્કના 2 અબજ ડોલરની લોનની છેતરપિંડીના મામલામાં મુખ્ય આરોપી અને ભાગેડુ આર્થિક ગુનેગાર નીરવ મોદીની બ્રિટનમાં ધરપકડ કરી લેવાઇ. ત્યારબાદ લંડનની એક કોર્ટે તેને 29 માર્ચ સુધી કસ્ટડીમાં પણ મોકલી દીધા. કહેવાય છે કે નીરવ મોદીને જેલના સ્પેશ્યલ સેલમાં રખાશે. આ પશ્ચિમી યુરોપની સૌથી મોટી જેલમાંથી એક મેજેસ્ટીની વેંડ્સવર્થ જેલમાં આગળની સુનવણી સુધી રહેશે. દક્ષિણ લંડનમાં આવેલ જેલમાં મોદીની સાથે કથિત રીતે દાઉદ ઇબ્રાહીમનો સાગરિત પાકિસ્તાની મૂળનો જાબિર મોતી પણ સામેલ છે, જેની અમેરિકા માટે પ્રત્યર્પણની પ્રક્રિયા ચાલી રહી છે.

વૈંડ્સવર્થ બી કેટેગરીની જેલ છે, અહીં એ કેદીઓને રાખવામાં આવે છે જેમની સુરક્ષાનું જોખમ ઓછું હોય છે. 1851મા બનાવામાં આવેલી આ જેલમાં હજુ 1628 કેદી છે. નીરવ મોદીને માર્ચ 29 સુધી થનાર આગળની સુનવણી સુધી અલગ સેલમાં રખાશે.

આપને જણાવી દઇએ કે નીરવ મોદીની ધરપકડને ભારત લાવવાના ભારતીય તપાસ એજન્સીઓના પ્રયાસોની દિશામાં એક મોટી સફળતાના રૂપમાં જોઇ રહ્યાં છે. લંડન પોલીસે હીરા વેપારી નીરવ મોદીની ધરપકડ કરી બુધવારના રોજ કોર્ટમાં રજૂ કર્યો. કોર્ટે તેમની જામીન અરજી નામંજૂર કરતાં કહ્યું કે તેમના માટે એ માનવાનો ‘પૂરતો આધાર’ છે કે જામીન પર છૂટ્યા બાદ ફરી તેઓ આત્મસમર્પણ કરશે નહીં. ઇડી એ મની લોન્ડ્રિંગના એક કેસમાં નીરવ મોદીના પ્રત્યર્પણ માટે લંડનની એક કોર્ટમાં અપીલ કરી હતી. કોર્ટે અપીલ પર સુનવણી કરતાં નીરવ મોદીની વિરૂદ્ધ ધરપકડનું વોરંટ રજૂ કર્યું હતું.

સ્કોટલેન્ડ યાર્ડ એ એક નિવેદનમાં કહ્યું કે નીરવ દીપક મોદીને ભારતીય એજન્સીઓની તરફથી 19મી માર્ચના રોજ હોલબાર્ન નામની જગ્ય પર ધરપકડ કરાઇ છે. નીરવ મોદીને કોર્ટમાં પોતાને ભારતીય અધિકારીઓના હવાલે કરાયાનો વિરોધ કર્યો. કોર્ટે સુનવણી બાદ તેમની જામીન પર અરજી રદ્દ કરી દીધી. કોર્ટે તેમને 29મી માર્ચ સુધી કસ્ટડીમાં રાખવાની મંજૂરી આપી દીધી છે.

જજ એ કહ્યું કે તેઓ નીરવ મોદીની જામીન અરજી પર મંજૂરી કરવાના પક્ષમાં નથી કારણ કે કેસ ‘મોટી રકમનો છે’ અને તેને જોતા એ વાતની મોટી સંભાવના છે કે એક વખત જામીન મળ્યા બાદ ફરી કોર્ટમાં આત્મસમર્પણ કરશે નહીં.

કોર્ટમાં બે જ વખત નીરવ મોદી એ ખોલ્યું મોંઢુ
નીરવ મોદી કોર્ટમાં સફેદ કમીજ અને પેન્ટ પહેરીને આવ્યો હતો. તે મુરઝાયેલો હતો અને માત્ર બે વખત જ મોં ખોલ્યું એક વખત પોતાના નામની પુષ્ટિ કરવા તથા બીજી વખત ભારતને સોંપવાના વિરોધ વખતે ઔપચારિકતા પ્રકટ કરવા માટે મોં ખોલ્યું.

કોર્ટમાં ભારતીય તપાસ એજન્સીઓનો પક્ષ બ્રિટનના અભિયોજન સેવા ‘ક્રાઉન પ્રાક્જેક્યૂશન સર્વિસ’એ કરી અને કોર્ટે કહ્યું કે નીરવે ભારતમાં બે અબજ ડોલર એટલે કે 14000 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી અને મની લોન્ડ્રિંગ કેસમાં તપાસ કરાઇ રહી છે. બ્રિટનના કાયદાની અંતર્ગત છેતરપિંડીના ષડયંત્રમાં તેને સાત વર્ષની સજા થઇ શકે છે. આ જ રીતે ગુનો છુપાવાના ષડયંત્રની સજા 7 થી 10 વર્ષ સુધીની છે.

નીરવની તરફથી બેરિસ્ટર જ્યોર્જ હેપબર્ન-સ્કાટ અને વકીલ આનંદ દુબે ઉભા થયા હતા. ભારતથી ભાગેલા મોટા આર્થિક અભિયુકત વિજય માલ્યા એ પણ પોતાના પ્રત્યર્પણ કેસમાં આ કાયદાકીય નિષ્ણાતોને ઉભા કર્યા હતા. નીરવ મોદીની તરફથી પાંચ લાખ પાઉન્ડના બોન્ડ અને જામીનની કઠોર શરતોનું અનુપાલન કરવાનું વચન આપ્યું હતું.

નીરવ મોદીની જ્યાં ધરપકડ કરાઇ તેના પરથી એ વાતના સંકેત મળે છે કે નીરવ મોદી વેસ્ટ એન્ડના સેન્ટર પોઇન્ટના એ આલીશાન એપાર્ટમેન્ટમાં રહેતો હતો જ્યાં તેના હોવાની આશંકા વ્યક્ત કરાઇ રહી હતી. એવું લાગી રહ્યું છે કે તેની પ્રત્યર્પણ વોરંટ પર ધરપકડ કરાઇ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન