one does karma without any aspection or proud, brings lots of upliftments
  • Home
  • Astrology
  • નિષ્કામ કર્મ યોગઃ ક્યારેય કોઈ અપેક્ષા વગર વિચલિત થયા વિના કરો કાર્ય

નિષ્કામ કર્મ યોગઃ ક્યારેય કોઈ અપેક્ષા વગર વિચલિત થયા વિના કરો કાર્ય

 | 6:18 pm IST

શ્રીમદ ભાગવત ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા નિષ્કામ કર્મયોગનો મહિમા ગાવામાં આવ્યો છે. શાસ્ત્રો, વેદો, પુરાણોમાં પણ મનુષ્યને નિષ્કામ કર્મ યોગ કરવા સૂચિત કરવામાં આવ્યા છે. શું છે નિષ્કામ કર્મ યોગ. સાદા અર્થમાં કહીએ તો નેકી કર અને દરિયામાં નાંખ, એથીયે વિશેષ અર્થમાં કહીએ તો કામ કરતો જો પરિણામની ચિંતા ન કર. આ વિશે ઘણું કહેવાયું અને લખાયું છે. નિષ્કામ કર્મ યોગ એટલે એવો કર્મ યોગ જ્યાં કોઈ અપેક્ષાને સ્થાન નથી. કે પછી તે કરવામાં કોઈ ડબલ માઈન્ડ નથી. હા કે ના… કરું કે ન કરું… એવી સ્થિતિને સ્થાન નથી. જો કે માટે ભાગે લોકો માને છે કે આ મારા માટે નથી. પણ એવું નથી. અધ્યાત્મમાં આત્મજ્ઞાનને મેળવવા માટેની આ એક ધારણા છે. કહેવાનો અર્થ છે એ છે કે તમે કઈં પણ ભાવ લાવ્યા વિના તમારા લક્ષ્યની પ્રાપ્તિ માટે મંડ્યા રહો.

વસ્તુતઃ આ એક આત્મિક અનુભવની વસ્તુ છે. મનની એક એવી અવસ્થા આવે છે જ્યારે તે કશું મેળવવા અને ખોવાથી પર થઈ જાય છે. ત્યારે વ્યક્તિમાં નથી હોતો કર્તા ભાવ કે નથી હોતો કર્મ ભાવ. આવી સ્થિતિ જ્યારે મનુષ્ય આત્મસાત કરી લે છે ત્યારે તે અનાયાસે નિષ્કામ કર્મ કરતો જોવા મળે છે. અલબત્ત તેમાં બુદ્ધિ પણ હોય છે અને ચાતુર્ય પણ હોય છે. તર્ક પણ હોય છે અને વિતર્ક પણ હોય છે. પોતાના પણ હોય અને પારકા પણ હોય, નાના પણ હોય અને મોટાં પણ હોય, માન પણ હોય અને અપમાન પણ હોય. આ બધું જ પરિપ્રેક્ષિત થઈ જાય છે. આ અવસ્થા કે જેમમાં વ્યક્તિ વર્તમાનમાં લીન રહે છે. માત્ર કામ એટલે કે કર્મને આધિન હોય છે. તેમાં કોઈની સાથે દ્વેષ, રાગ, કે વેર ભાવ કે પછી અહંમ પણ નથી હોતો. વ્યક્તિ ચેતનાની એ ક્ષણે જીવતો હોય છે કે તેના માટે માત્ર કર્મ જ મહત્વપૂર્ણ હોય છે. નથી હોતી કોઈની સાથે સરખામણી. નથી હોતો કોઈ તફાવત કે ભેદ. જ્યારે વ્યક્તિ સહજતાથી આત્મલીન થઈને આ કાર્ય કરે છે ત્યારે તે નિષ્કામ કર્મયોગ બની જાય છે.

નિષ્કામ કર્મ યોગ કઈં મુશ્કેલ કાર્ય નથી હોતું. જ્યારે વ્યક્તિ ‘સ્વ’થી ઉપર ઉઠીને કાર્ય કરે છે ત્યારે બધું આપોઆપ થવા લાગે છે. હું…. હું, સ્વ.. સ્વ જ્યાં સુધી હોય છે ત્યાં સુધી મુશ્કેલ છે. આ ‘હું’ને કાઢવો પડે. નિષ્ઠાને સ્થાપવી પડે. પૂર્ણપણે કૃતજ્ઞતાથી જ્યારે કાર્ય કરવામાં આવે ત્યારે તેના પરિણામો જોવા લાયક હોય છે. એક આગવી ચમક એ કાર્યોમાંથી નિકળતી હોય છે.

જ્યારે વ્યક્તિ આવી સ્થિતિને પ્રાપ્ત કરી લે છે ત્યારે તેને બાહ્ય પ્રદર્શનની કોઈ જરૂરિયાત રહેતી નથી. તેનું ચિત્ત સંપૂર્ણ પણે સાત્વિક થઈ જાય છે. તેથી જ સહજતાથી તેને આત્મજ્ઞાન પ્રાપ્ત થઈ જાય છે. આવા લોકોના જીવનમાં મુશ્કેલીઓ આવે તો પણ ટકતી નથી. એનું અતઃકરણ એટલું પારદર્શી હોય છે તે તેની તોલે કોઈ આવી શકે નહિ.

ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનને બોધ આપે છે. ભગવાન કહે છે કે, ” હે પાર્થ ! હે મહાબાહો ! હે અર્જુન !તું નિષ્કામ ભાવ અને સ્થિતપ્રજ્ઞ થઈને કાર્ય કર. ફળની ચિંતા ન કર. તારું દરેક કાર્ય એ પરમેશ્વરને અર્પિત કરતો આગળ વધ. જ્યારે તું આમ કરે છે ત્યારે તું તે કર્મફળના બંધનમાંથી હમેંશા માટે મુક્ત થઈ જાય છે. તારું દરેક કાર્ય એ શુભ કાર્ય બની જાય છે.”

તમને એ પંક્તિ યાદ હશે કે ખુદ કો કર બુલંદ ઈતના… ખુદા બંદે સે પૂછે તેરી રજા ક્યાં હે… અર્થાત તારી જાતને તું એટલી ઉંચાઈ પર લઈ જા કે પરમાત્મા તારું નસીબ લખતાં પહેલાં તને પૂછે કે તારી શું ઈચ્છા છે. આ સ્થિતિ ત્યારે આવે છે જ્યારે વ્યક્તિ નિષ્કામ કર્મયોગથી પ્રેરાઈને કાર્ય કરે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન