નીતિન પટેલની નારાજગી, ન આવ્યા ઓફિસ! - Sandesh
  • Home
  • Gandhinagar
  • નીતિન પટેલની નારાજગી, ન આવ્યા ઓફિસ!

નીતિન પટેલની નારાજગી, ન આવ્યા ઓફિસ!

 | 11:07 pm IST

ગુજરાતમાં ભાજપે ભલે સત્તા મેળવી લીધી હોય, પણ ખાતા ફાળવણીમાં ભાજપમાં ઉકળતો ચરુ જેવી સ્થિતિ જોવા મળે છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ નારાજ હોવાનું અને હજી તેમમની નારાજગી ઓછી ન થઈ હોવાનું જાણવા મળ્યું છે. જેને પગલે તેઓ આજે ઓફિસ પણ ન આવ્યા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ભાજપ હાઈકમાન્ડમાંથી કોઈ તેમને મનાવવા આવશે ત્યારે તેમની નારાજગી દૂર થશે. તેમને યોગ્ય સન્માન નહિં મળે ત્યાં સુધી તેઓ ઓફિસ નહિં આવે તેમ વિશ્વાસપાત્ર સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.

ગુરુવારે ખાતા ફાળવણીને મામલે નીતિન પટેલની નારાજગી જોવા મળી હતી. નારાજ નીતિન પટેલ શુક્રવારે આખો દિવસ તેમની ઓફિસમાં હાજર રહ્યા ન હતા. એટલું જ નહીં, નીતિન પટેલે સરકારી એસ્કોર્ટ પણ ન લીધો હોવાનું અને પોતાની ખાનગી કારનો જ ઉપયોગ કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.

પૂર્વ સરકારમાં નીતિન પટેલને અન્ય ખાતાઓની સાથે નાણાં અને શહેરી વિકાસ ખાતું ફાળવાયું હતું. જ્યારે આ વખતે રૂપાણી સરકારમાં તેમને નાયબ મુખ્યમંત્રીનું પદ અપાયું પણ તેમની પાસેથી નાણાં અને શહેરી વિકાસ ખાતું છીનવી લેવાયું છે. નાણાં ખાતું સૌરભ પટેલને અને શહેરી વિકાસ ખાતું મુખ્યમંત્રીએ પોતાની પાસે રાખી લીધું છે. આ બાબતને લઈને જ નીતિન પટેલ નારાજ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. આ ઉપરાંત નીતિન પટેલને મહેસૂલ ખાતું જોઈતું હોવાની વાત પણ ચર્ચાતી હતી, પણ આ ખાતું પણ તેમને ને સોંપાતા કૌશિક પટેલને આપવામાં આવ્યું છે.

નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને માર્ગ અને મકાન, આરોગ્ય અને પરીવાર કલ્યાણ, તબીબી શિક્ષણ, નર્મદા, કલ્પસર, પાટનગર યોજનાની જવાબદારી સોંપવામાં આવી છે.