ઘીના ઠામમાં ઘી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને નાણાં મંત્રાલય પાછું સોંપાયું - Sandesh
  • Home
  • Gujarat
  • ઘીના ઠામમાં ઘી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને નાણાં મંત્રાલય પાછું સોંપાયું

ઘીના ઠામમાં ઘી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને નાણાં મંત્રાલય પાછું સોંપાયું

 | 12:29 pm IST

ગુજરાતમાં સરકાર રચાયા બાદ નારાજ ચાલી રહેલા ડેપ્યુટી સીએમ નીતિન પટેલને આખરે મનાવી લેવામાં આવ્યાં છે. ગઈ કાલે મનપસંદ મંત્રાલયને લઈને નારાજ નીતિન પટેલને આખરે આજે નાણાં મંત્રાલય જેવું મહત્વનું ખાતું પરત આપવામાં આવ્યું છે.

ગત સરકારમાં નીતિન પટેલ પાસે શહેરી વિકાસ અને નાણાં મંત્રાલય સહિત પેટ્રોકેમિકલ્સ, ટાઉન પ્લાનિંગ સહિતના વિભાગો હતાં. જ્યારે આ વખતે તેમને રોડ અને બાંધકામ તથા સ્વાસ્થ્ય વિભાગ આપવામાં આવ્યાં હતાં.

ખાતાની ફાળવણી બાદ નારાજ થયેલા નાયબ મુખ્યમંત્રીને અંતે મનાવી લેવામાં આવ્યા છે. આજે સવારે નીતિન પટેલે પત્રકાર પરિષદ સંબોધી આ અંગેની વિગતો આપી હતી. ગઈકાલે તેમને પક્ષ છોડવાની ઓફર થઈ અને ચર્ચાઓ પણ ચાલી હતી કે તેઓ 10 ધારાસભ્યો સાથે ભાજપમાંથી રાજીનામું આપશે. આ અંગે તેમણે જણાવ્યું હતુ કે, તેમની વાત કોઈ સત્તા માટેની ન હતી, ડે.સીએમને શોભે તેવા વિભાગ સોંપાય તેવી લાગણી હતી જે તેમણે હાઈ કમાન્ડને જણાવી હતી. આ લાગણીને ધ્યાનમાં રાખી આજે સવારે જ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ફોન કરી અને બાંહેધરી આપી છે કે તેમના પદને શોભે તેવું ખાતું તેમને સોંપવામાં આવશે અને હાલ તેઓ તેમનો કાર્યભાર સંભાળી લે.

પત્રકાર પરિષદ સંબોધતાં નીતિન પટેલે ઉમેર્યું હતુ કે “મેં મારો વિવેક, શિસ્ત અને જવાબદારી પૂર્ણ કરી છે અને અમિતભાઈ શાહ સાથે વાતચીત કર્યા બાદ મંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યો છે. હવે આજે કેન્દ્ર દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ સીએમ રાજ્યપાલને પત્ર પહોંચાડશે.”

ગઈ કાલે નીતિનભાઈને મળવા પહોંચેલા અલગ અલગ પક્ષના આગેવાનો સાથેની મુલાકાત અંગે પણ તેમણે સ્પષ્ટતા કરી હતી અને જણાવ્યું હતુ કે, મેં કોઈને પણ મારા બંગલે બોલાવ્યા ન હતા. આવી પરિસ્થિતિમાં અન્ય પક્ષો લાભ ઉઠાવતા હોય છે, પરંતુ કોઈપણ સંજોગોમાં હું પક્ષ વિરોધી વિચારી પણ ન શકું. પક્ષની આંતરિક બાબતમાં બંધનું એલાન આપવાની જરૂર નથી. મેં હંમેશા પક્ષ સાથે ખભે ખભો મીલાવી કામગીરી કરી. 40 વર્ષથી તમામ સંજોગોમાં પક્ષની સાથે રહ્યો છું અને ભવિષ્યમાં પણ રહીશ.”

શપથવિધિ બાદ ખાતાની ફાળવણી થતાં નારાજ થયેલા નાયબ મુખ્યમંત્રી તેમની ઓફિસે ગયા ન હતા. જ્યારે આજે સમગ્ર મામલો થાળે પડતાં નીતિન પટેલે તેમની ચેમ્બરમાં ભગવાનના આશીર્વાદ લઈ પોતાનો પદભાર સંભાળ્યો છે.