મારા છિનવાયેલા ખાતા પાછા નહીં મળે તો મંત્રી તરીકે રાજીનામું નિશ્ચિત : નીતિન પટેલ - Sandesh
  • Home
  • Ahmedabad
  • મારા છિનવાયેલા ખાતા પાછા નહીં મળે તો મંત્રી તરીકે રાજીનામું નિશ્ચિત : નીતિન પટેલ

મારા છિનવાયેલા ખાતા પાછા નહીં મળે તો મંત્રી તરીકે રાજીનામું નિશ્ચિત : નીતિન પટેલ

 | 11:22 am IST

ભાજપ સરકારના મંત્રીઓને ખાતાંની વહેંચણી કરાયા બાદ સર્જાયેલો અસંતોષ અને આક્રોશ આજે સપાટી પર આવી ગયો છે. ભાજપ સરકારના નાયબ મુખ્યમંત્રી જુનિયર કક્ષાના ખાતાઓ ફાળવાતાં નીતિન પટેલ મંત્રીપદેથી રાજીનામું આપવા તૈયાર થઈ ગયા છે. આજે દિવસ દરમિયાન નીતિન પટેલ કેબિનેટ મંત્રીઓને ફાળવાયેલી ચેમ્બરમાં દેખાયા ન હતા. નીતિન પટેલે ભાજપ હાઈકમાન્ડને પોતાની નારાજગી શબ્દો ચોર્યા વિના જણાવી દીધી છે અને કહ્યું છે કે, મારા સ્વમાનના ભોગે મને મંત્રી બનવામાં કોઈ રસ નથી. હું કેબિનેટમાં સૌથી સિનિયર મંત્રી અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી પદે છું ત્યારે મારી પાસેથી છીનવાયેલાં ખાતા પાછા નહીં અપાય તો મંત્રીપદેથી મારું રાજીનામું નિશ્ચિત છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રીના આ પુણ્યપ્રકોપથી આજે ભાજપ હાઈકમાન્ડ પણ હલી ઊઠયું છે અને આવનાર ૩ દિવસ સુધીમાં નીતિન પટેલને સંતોષ થાય તે રીતે સમગ્ર પ્રશ્નનો નીવેડો લાવવાની બાંયધરી અપાઈ હોવાનું જાણવા મળે છે.

૭ ધારાસભ્યોની પાતળી બહુમતીથી સરકારમાં બેઠેલી ભાજપ સરકારનો અસંતોષ મંત્રીમંડળની રચના કરાઈ ત્યારથી જ ભભૂકી રહ્યો છે. ગુજરાતમાં ભારે લોકવિરોધ પછી ભાજપના ૯૯ ધારાસભ્યો ચૂંટાયા અને સરકાર બની તેનો જશ હવે ચોક્કસ તત્ત્વો જ લેવાનો પ્રયત્ન કરી રહ્યા છે. ભાજપ સરકાર બનાવવામાં જે લોકોએ પોતાના સમાજ સામે પડીને પક્ષ સાથે વફાદારી બતાવી છે તેઓને જ્યારે પદ વહેંચવાનો સમય આવ્યો ત્યારે બાજુએ હડસેલી દેવાયા હોય તેવો ઘાટ સર્જાયો છે. ગઈ કાલે ભાજપ સરકારના મંત્રીઓને ખાતાઓની ફાળવણી કરાઈ ત્યારે આ અસંતોષ ચરમસીમાએ પહોંચી ગયો હતો.

ગઈ કાલે રાજ્યના મંત્રીઓને ફાળવાયેલાં ખાતાંની જાહેરાત કરવા અંગે ૫ વાગે મુખ્યમંત્રીએ પત્રકાર પરિષદનું આયોજન કર્યું હતું, પરંતુ ૫ વાગે પત્રકાર પરિષદમાં મુખ્યમંત્રી જ હાજર ન હતા. જાણવા મળતી માહિતી મુજબ મંત્રીઓને ખાતાંની ફાળવણી અંગે ભાજપના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી વચ્ચે ભારે વિવાદ થતાં આ પત્રકાર પરિષદ ચાર કલાક મોડી શરૂ થઈ હતી. એ ચાર કલાકનો સમગ્ર ઘટનાક્રમ ભાજપમાં શરૂ થયેલી પાવરગેમ ખુલ્લી પાડનારો છે.

ગઈ કાલે મંત્રીઓને ખાતાઓની ફાળવણીની જાહેરાત કરાય તે પહેલાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને મુખ્યમંત્રીને ઘરે બોલાવાયા હતા. મુખ્યમંત્રીનાં નિવાસસ્થાને અગાઉથી જ ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી ઉપસ્થિત હતા. નીતિન પટેલ મુખ્યમંત્રીનાં ઘરે પહોંચતાં તેમના હાથમાં એક કાગળ પકડાવીને કહેવાયું હતું કે મંત્રીઓને આ રીતે ખાતાંની ફાળવણી કરાઈ છે. નીતિન પટેલને અપાયેલા કાગળમાં પહેલું નામ વિજય રૂપાણીનું હતું, બીજું નામ નીતિન પટેલનું હતું. નીતિન પટેલને તેમનાં જૂનાં ખાતાં નાણાં, શહેરીવિકાસ અને પેટ્રોકેમિકલ્સનાં ખાતાં છીનવીને માર્ગ-મકાન, આરોગ્ય, નર્મદા, કલ્પસર, પાટનગર યોજના જેવાં ખાતાઓ સોંપાયાં હતાં. આ જોઈને જ નીતિન પટેલ આગળનું કાંઈ પણ વાંચ્યા વિના કાગળ મુખ્યમંત્રીને આપી દીધો હતો અને ઊભા થઈને કહેલું કે મારે મંત્રીમંડળમાં રહેવું નથી. નીતિન પટેલનું આ ઉગ્ર વલણ જોઈ મુખ્યમંત્રી રૂપાણી અને ભાજપ પ્રમુખ વાઘાણી એક તબક્કે શિયાંવિયાં થઈ ગયા હતા અને જણાવ્યું હતું કે, ખાતાઓની ફાળવણીનો નિર્ણય અમારો નથી, બઘું દિલ્હીથી નક્કી થયું છે, ત્યારે નીતિન પટેલે જણાવ્યું હતું કે, જેણે પણ નક્કી કર્યું હશે તેણે, પરંતુ મારાં સન્માનના ભોગે મારે મંત્રી બનવું નથી. આજથી ૨૨ વર્ષ પહેલાં કેશુભાઈ પટેલની સરકારમાં મને જે આરોગ્ય ખાતું આપ્યું હતું તે જ ખાતું આજે ફરી વખત મને આપીને શું સાબિત કરવા માગો છો? ૧૯૯૮માં કેશુભાઈની સરકારમાં મંત્રી સવજીભાઈ કોરાટનું અવસાન થતાં તેમનું માર્ગ-મકાન ખાતું ત્યાર બાદ મને અપાયું હતું. વર્ષોથી પાર્ટીમાં વફાદારીપૂર્વક કામ કર્યાનં  આ ઈનામ મને આપવામાં આવે છે? મારી પાસે જે ખાતાઓ હતાં તે લઈ લેવા પાછળનું કારણ શું છે? રાજ્યના નાયબ મુખ્યમંત્રી તરીકે નામનો હોદ્દો આપીને જો આ રીતે મારું અપમાન કરવાનું હોય તો મારે મંત્રી તરીકે રહેવું નથી. હું પાર્ટીના ધારાસભ્ય તરીકે વિધાનસભામાં બેસીશ.

નીતિનભાઈનાં આ ઉગ્ર તેવર પછી તેમના પર સંઘના મોવડીઓથી માંડીને ભાજપ પ્રમુખ અમિતભાઈ શાહે ફોન પર વાત કરી હતી અને સમજાવવાનો પ્રયત્ન કર્યા હતો, ત્યારે અમિતભાઈ શાહની વાત માની નીતિન પટેલ પ્રસંગ સાચવી લેવા માટે મુખ્યમંત્રી રૂપાણી સાથે પ્રેસ કોન્ફરન્સ સંબોધવા આવ્યા હતા. જોકે પત્રકાર પરિષદમાં નીતિન પટેલ એક શબ્દ બોલ્યા ન હતા. ખાતાંની ફાળવણીમાં જે રીતે નીતિન પટેલને કટ ટુ સાઇઝ કરાયા હતા ત્યારે જ મીડિયાને ગંધ આવી ગઈ હતી કે બધું બરાબર નથી.

આજે હવે જ્યારે નીતિન પટેલે પોતાને ફાળવાયેલાં ખાતાંનો ચાર્જ લીધો નથી ત્યારે એ સ્પષ્ટ બન્યું છે કે ભાજપમાં અસંતોષ ઉગ્ર બન્યો છે. નીતિન પટેલે સોઈ ઝાટકીને કહી દીધું છે કે, મંત્રીમંડળમાંથી મારું રાજીનામું નિશ્ચિત છે. આગામી ત્રણ દિવસની ભાજપ હાઈકમાન્ડે મારી પાસે મહેતલ માગી છે. આ ત્રણ દિવસ સુધી હું મારાં ખાતાંનો ચાર્જ લેવાનો નથી, જો ત્રણ દિવસમાં મારી પાસેથી છીનવી લેવાયેલા ખાતાં પાછા નહીં સોંપાય તો મંત્રી તરીકે મારું રાજીનામું નિશ્ચિત છે.

નીતિન પટેલનાં આ ઉગ્ર તેવરથી ભાજપની છાવણીમાં સોપો પડી ગયો છે. આવનારા દિવસોમાં નીતિન પટેલનો આ ઉગ્ર અસંતોષ ભાજપને કેટલો દઝાડશે તે તો સમય બતાવશે.