નીતિન પટેલની નારાજગી દૂર, અમિત શાહે મનાવ્યા, યોગ્ય ખાતુ સોંપવાની આપી બાંહેધરી - Sandesh
  • Home
  • Gujarat
  • નીતિન પટેલની નારાજગી દૂર, અમિત શાહે મનાવ્યા, યોગ્ય ખાતુ સોંપવાની આપી બાંહેધરી

નીતિન પટેલની નારાજગી દૂર, અમિત શાહે મનાવ્યા, યોગ્ય ખાતુ સોંપવાની આપી બાંહેધરી

 | 9:54 am IST

રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ખાતાની ફાળવણી અંગેની નારાજગી દૂર કરી દેવામાં આવી છે. ભાજપ સાથે વર્ષોથી જોડાયેલા નીતિન પટેલને નાણા મંત્રાલયનો કાર્યભાર સોંપવામાં આવશે તેવી શક્યતા છે. આ નિર્ણય લેવાયા બાદ આજે નીતિન પટેલ પોતાનો મંત્રી તરીકેનો કાર્યભાર સંભાળી લીધો હતો.

રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની નારાજગીની વાત પ્રકાશમાં આવતાં ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો હતો. નીતિન પટેલની નારજગીની વાત વાયુવેગે ફેલાતાં એવી પણ ચર્ચાઓ શરૂ થઈ કે તેઓ પક્ષમાંથી રાજીનામું આપી દેશે. આ ચર્ચાએ જોર પકડતાં કોંગ્રેસ, હાર્દિક પટેલ અને એસપીજીના અધ્યક્ષ લાલજી પટેલે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને તેમની સાથે જોડાવાની ઓફર પણ કરી દીધી હતી. જોકે ગઈ કાલે જ નીતિન પટેલે એ વાત સ્પષ્ટ કરી દીધી હતી કે તેઓ પક્ષ ક્યારેય નહીં છોડે અને તેમની વાત હાઈ કમાન્ડ સુધી પહોંચી ચુકી છે અને હાઈ કમાન્ડ જ આ મામલે નિર્ણય લાવશે. નાયબ મુખ્યમંત્રીની આ સ્પષ્ટતાની ગણતરીની જ કલાકોમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

નાયબ મુખ્યમંત્રીને મનાવવા માટે ભાજપનો ટાસ્કફોર્સ કામે લાગ્યો હતો. દિવસભર સર્મથકોની મુલાકાતોથી ઘેરાયેલા નીતિન પટેલને સમજાવવા માટે ઈસ્કોન નજીક દસ્કોઈના ધારાસભ્ય બાબુભાઈ જમનાદાસ પટેલના નિવાસસ્થાને સિનિયર કેબિનેટ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડસામા, કૌશિક પટેલ અને ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ બેઠક યોજી હતી. દરમિયાનમાં મોડી રાત્રે દિલ્હીથી આવેલ ભાજપના રાષ્ટ્રીય સંઘઠન મહામમંત્રી વી. સતિષ અમદાવાદ દોડી આવ્યા છે. અને ર્સિકટ હાઉસમાં નીતિન પટેલ સાથે બેઠક કરી હોવાની પણ ચર્ચા.

આ અંગેની સત્તાવાર જાહેરાત નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પત્રકાર પરિષદ સંબોધી આપી હતી. તેમણે જણાવ્યું હતુ કે સિનિયર અને અનુભવી મંત્રી તરીકે મને સ્થાન આપવામાં આવ્યું છે ત્યારે મેં ખાતાની ફાળવણી અંગેની મારી લાગણી મોવડીમંડળ સમક્ષ રજૂ કરી હતી. આજે સવારે 7:30 રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે ફોન કરી જાણ કરી કે તેમને શોભે તેવુું ખાતું સોંપવાની વાત જણાવી હતી. હવે હું મારો મંત્રી તરીકેનો ચાર્જ સંભાળવાનું છે. આજે રાજ્યપાલશ્રીને મુખ્યમંત્રી મારા ખાતા અંગેનો પત્ર સોંપશે.