કોઈ૫ણ જગ્યાએ ધરતી સ્થિર કેમ નથી? - Sandesh
NIFTY 10,876.40 +87.85  |  SENSEX 35,488.16 +406.34  |  USD 63.8725 -0.01
1.6M
1M
1.7M
APPS

કોઈ૫ણ જગ્યાએ ધરતી સ્થિર કેમ નથી?

 | 4:10 am IST

આપણે ટેકટોનિક પ્લેટ્સ એટલે કે પાતાળખડકો વિષે વાત કરી રહ્યા છીએ. એમના કારણે જ આપણી પૃથ્વી ઉપર મોટાભાગના પર્વતો, ખીણ, ઝરણા, નદી, મહાસાગર અને સરોવરો, રણ વગેરે રચાયા છે. આપણે જોયું કે જેની ઉપર આપણે ઘર બનાવીએ છીએ, રસ્તા બનાવીએ છીએ, કૂવા ખોદીએ છીએ, ટનલો બનાવીએ છીએ એ ૧૦થી ૧૦૦ કિલોમીટર જાડો થર એ જ ધરતી છે. આ ધરતી ધૂળ-માટી અને વિવિધ ખનિજો દબાઈને બનેલા ખડકોના થર એક પછી એક પથરાતા જાય એમ બને છે. ધરતીનો થર ક્યાંક ૧૦ કિલોમીટર તો ક્યાંક ૧૦૦ કિલોમીટર જાડો છે. એટલે કે એમાં આપણે ૧૦થી ૧૦૦ કિલોમીટર ઊંડે સુધી કૂવો ખોદી શકીએ. એની નીચે કૂવો ન ખોદી શકીએ. કારણ કે ત્યાં લાવા ઠરીને જામીને બનેલો પાતાળખડકોનો થર છે. પાતાળખડકો એટલે કે ટેકટોનિક પ્લેટ્સ ૫૦ કિલોમીટરથી ૫૦૦ કિલોમીટર જાડાઈની છે. એ સપાટ નથી, ઉબડખાબડ છે. ક્યાંક આ પાતાળખડકો ૫૦ કિલોમીટર જાડા છે તો ક્યાંક માત્ર ૫ કિલોમીટર જાડા છે તો ક્યાંક ૨૦૦-૨૫૦ કિલોમીટર જાડા છે અને ક્યાંક ૫૦૦ કિલોમીટર જાડા છે. તે ઉપરથી પણ સપાટ-સમતળ નથી અને નીચેથી પણ સપાટ કે સમતળ નથી. આ ખડકો વનપીસ પણ નથી. એટલે કે એક વિશાળ પાતાળખડક નથી.

વાતને સરળતાથી સમજવા માટે આપણે પાતાળખડકો બન્યા ત્યાંથી વાત કરવી પડશે. આપણો પૃથ્વીનો ગોળો જ્યારે બન્યો ત્યારે એ સૂર્યની જેમ ધગધગતો આગનો ગોળો હતો. એ આગ એટલે કે જાતજાતની ધાતુઓ, ખનિજો, વાયુઓ વગેરેનું જ્વાળા જેવું પ્રવાહી.

કરોડો વર્ષ સુધી તો પૃથ્વીનો આ ગોળો આમ જ સૂર્યની જેમ સળગતી, વલોવાતી આગના ગોળા જેવો જ રહ્યો. જેવો આજે સૂર્ય ધગધગી રહ્યો છે બિલકુલ એ જ રીતે! ધીમે ધીમે આ ઉકળતા લાવાનું ઉપરનું થર ઠરીને ઘટ્ટ બનતું ગયું. ૩૦ કરોડ વર્ષ પહેલાં પૃથ્વીના ઉકળતા લાવા ઉપર મલાઈ જેવું નક્કર પડ બાઝવા લાગ્યું. જેમ જેમ આ ભાગ ઠરતો ગયો તેમ તેમ ઉપર મલાઈની જેમ બાઝેલું આ પડ વધારે જાડું થતું ગયું. નીચેથી લાવા આ થરને કોરી નાંખવા જોર કરતો હતો અને બહારની ભેંકાર ઠંડી તેને ઠારીને નક્કર બનાવતી જતી હતી. એમ કરતાં કરતાં ૫૦૦ કિલોમીટર સુધી જાડો નક્કર થર બન્યો. લાવા ઠરીને નક્કર બને તો એ ખુબ જ નક્કર અને મજબૂત બની જાય છે. એટલે આ ખડકો પણ ખુબ મજબુત બની ગયા. તેને જ આપણે પાતાળખડક કહીએ છીએ.

૨૭ કરોડ વર્ષ પહેલાં પૃથ્વીના ગોળા ઉપર ૩૨ ટકા જેટલો ભાગ ઠરીને ખડક બની ગયો. એમ કહીએ કે એક વિરાટ ખંડ રચાયો. આ ખડક ઉપરથી સપાટ-સમતળ નથી હોતો અને નીચેથી સપાટ કે સમતળ નથી હોતો એમ એની કિનારીઓ પણ કોઈ આકારની નથી હોતી. વાંકી-ચૂંકી, ઊંચી-નીચી, જાડી પાતળી, ત્રાંસી અને વળાંકવાળી હોય છે. આ વિશાળ ખડક બન્યો તો એની ઉપર ધીમે ધીમે અવકાશમાંથી ખરતી ધૂળ જામવા લાગી. નીચેથી ઉકળતો અને વલોવાતો લાવા આ ખડકને ઓગાળીને તોડી નાંખવા જોર કરતો હતો. જ્યાંથી ખડક જરાક નબળો પડે ત્યાંથી લાવા ઉપર જોર કરીને વધારે ને વધારે ખડક ઓગાળીને ઉપર આવતો જાય. એમ કરતાં કરતાં ઉપરનો ખડક અડધો-એક કિલોમીટરનો રહે તો જાણે ઢાંકણું ખોલવાનું હોય એમ નીચેનો લાવા તેને ભાંગીને ભૂક્કો કરીને બહાર ફેંકાય. જાણે કોકાકોલાની બોટલમાંથી કોક બહાર ધસી આવ્યો હોય! બહાર ધસી આવતો લાવા ઊંચે અવકાશમાં ફંગોળાતો અને પછી પૃથ્વીના ગુરૃત્તકર્ષણના કારણે પાછો પૃથ્વી ઉપર આવી પડતો. આવું આજે પણ થયા કરે છે. તેને આપણે જ્વાળામુખી ફાટયો કહીએ છીએ.

ખડક ફાડીને બહાર આવતો લાવા બહાર આવતાં જ બહારની ઠંડી હવામાં ઠરવા લાગતો અને નક્કર ખડક બની જતો. બહાર નીકળેલો લાવા ઢગલાની જેમ ઠરતો જાય તો પર્વત બને એ આપણે જોઈ ગયા છીએ. એક બાજુ પાતાળખડક પર ધૂળના થર જામવાની ક્રિયા ચાલતી હતી અને બીજી બાજુ જ્વાળામુખી બનતા હતા. આની સાથે લાવાએ ઠેકઠેકાણે પાતાળખડકને ઓગાળીને નબળો કરી દીધો હોવાથી એ તૂટવા લાગ્યો હતો. આજથી ૨૦ કરોડ વર્ષ પહેલાં પાતાળ ખડકના ટુકડા થવાની અને બધા ટુકડા આમ-તેમ ખસવાની ક્રિયા ચાલુ થઈ હતી.એ ટુકડા એટલે જ ટેકટોનિક પ્લેટ્સ! (ક્રમશઃ)