પાણી બાદ હવે કેશ 'લેસ' બન્યું ગુજરાત, ATM થયા ખાલીખમ, નોટબંધી બાદ ફરી લાઈન લાગી - Sandesh
  • Home
  • Business
  • પાણી બાદ હવે કેશ ‘લેસ’ બન્યું ગુજરાત, ATM થયા ખાલીખમ, નોટબંધી બાદ ફરી લાઈન લાગી

પાણી બાદ હવે કેશ ‘લેસ’ બન્યું ગુજરાત, ATM થયા ખાલીખમ, નોટબંધી બાદ ફરી લાઈન લાગી

 | 12:04 pm IST

દેશના મોટા ભાગના રાજ્યોમાં નોટબંધી જેવી સ્થિતિ ઉભી થઈ છે. ગુજરાત, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ ઉત્તરાખંડ, બિહાર, ઝારખંડમાં ATM ખાલીખમ થઈ ગયા છે. તો આસામ, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, રાજસ્થાન, કર્ણાટકમાં પણ લોકોને કેશ લેવાના ફાંફા પડી રહ્યા છે. તો ગુજરાતમાં મોટાભાગના જિલ્લાના ATMમાં કેશની અછત ઉભી થઈ છે. લોકોને કેશ લેવા માટે એકથી બીજા, અને બીજાથી ત્રીજા એટીએમમાં ફરવું પડે છે. તો લગ્નનું કાર્ડ બતાવીને રૂપિયા ઉપાડવા પડી રહ્યા છે. ATMમાંથી રૂપિયા ન મળતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. ગુજરાતમાં એક તરફ પાણીથી તંગી હતી, તો લોકો હવે કેશ માટે પણ વલખા મારી રહ્યા છે તેવું કહી શકાય. પાટણ, મહેસાણા, સાબરકાંઠા સહિતના કેટલાય જિલ્લાઓમાં ATMને તાળા લગાવી દેવાયા છે. નાણાં ન મળતા આર્થિક વ્યવહારો ખોરવાયા છે. તો બીજી તરફ, ગ્રામ્ય વિસ્તારોમાં લોકોની હાલત કફોડી બની છે.

નોટબંધી બાદ બેન્કોમાં રોકડની અછત સર્જાતાં લોકો પરેશાન થઈ ગયા છે. બે દિવસની રજા બાદ બેન્કો શરૃ થતાં લોકો બેન્કોમાં ઊમટી પડયા હતા પરંતુ, ત્યાં પણ નિરાશા હાથ લાગી હતી. મોટાભાગના એટીએમ બંધ રહેતાં લોકો કાળઝાળ ગરમીમાં શેકાયા હતા. જીવન જરૃરી ચીજવસ્તુઓની ખરીદી માટે એટીએમમાં પૈસા ઉપાડવા આવેલા લોકોને નિરાશ થઈને પાછું ફરવું પડયું હતું. ખાતાધારકોએ બેન્કમાં જઈને આક્રોશ વ્યક્ત કર્યો હતો. રોકડની અછતને લીધે માર્કેટ ઉપર અસર થઈ છે. રોકડિયા ધંધામાં અને આંગડિયામાં અત્યારે બાકીમાં વ્યવહારો થઈ રહ્યા છે.કેટલાંક આંગડિયા પેઢી મોટી રકમના હવાલા લેવાની ના પાડી રહ્યા છે. જ્યારે કેટલાંક આંગડિયામાં ટોકન આપવામાં આવી રહ્યા છે. જે ટોકનના નાણાં સાંજે અથવા બીજા દિવસે આપી રહ્યા છે. છેલ્લા સપ્તાહથી બેન્કો,એટીએમ, કો.ઓપરેટિવ બેન્કો સહિતમાં રોકડ રકમ નહીં હોવાથી ખાતેદારો બૂમાબૂમ કરી રહ્યા છે. રાજ્યમાં મોટાભાગના શહેરો અને જિલ્લાઓમાં એટીએમમાં રોકડ રકમ જ નથી. જયારે બેન્કમાં અમુક જ રકમ ખાતેદારને આપવામાં આવી રહી છે. બેન્કના અધિકારીઓએ જણાવ્યું હતું કે બે-ત્રણ દિવસમાં રોકડ રકમનો પ્રોબ્લેમ દૂર થઈ જશે અને ખાતેદારોએ ચિંતા કરવાની જરૃરી છે.

નોટબંધી બાદ ફરી લોકોની લાઈનો
ગત તા.8 નવેમ્બર 2016ના રોજ નોટબંધી થતાં બજારમાં છ માસ સુધી રોકડ રકમની અછત ઊભી થઈ હતી.જેના લીધે રોકડિયા ધંધા ઠપ જેવા થઈ ગયા હતા. 5૦ ટકા આંગડિયા પેઢીને તાળા લાગી ગયા હતા.બાદ બજારમાં રોકડ રકમ આવતા થોડી રાહત થઈ હતી.ત્યાં જીએસટીનો કાયદો આવતા ફરી રોકડ રકમના વ્યવહારો ઉપર અસર જોવા મળી હતી. ત્યારબાદ બજારમાં રોકડ રકમ ફરતી થતા રોકડિયા ધંધા પુનઃ ચાલુ થઈ ગયા હતા. કેટલાકે આક્રોશ ઠાલતા જણાવ્યું હતું કે, ઓનલાઈન બેન્કિંગ કાર્યવાહી કરીએ તો ઠગ ટોળકી નાણાં હડપ કરી જાય છે. પોલીસમાં ફરિયાદ કરવા જઈએ તો પોલીસ એક માસ સુધી કોઈ કાર્યવાહી કરતી નથી.જેના લીધે ઠગ ટોળકી અમારા નાણાં વાપરી નાખે છે તો અમારે શું કરવું તેની ખબર પડતી નથી.

રાજ્યમાં ક્યાં ક્યાં ATM ખોરવાયા

  • વડોદરા શહેર-જિલ્લામાં એટીએમમાં રોકડ રકમની ભારે તંગી સર્જાઇ છે. નોટબંધી બાદ એટીએમમાંથી નાણાં ઉપાડવા માટે ફરીથી લોકોને ધરમધક્કા પડી રહ્યા છે.
  • દાહોદ જીલ્લામાં બેન્કો અને એટીએમ પર નાંણાની તીવ્ર અછત વર્તાઇ રહી છે. ત્યારે આડકતરી નોટબંધીથી જેવો માહોલ સર્જાયો છે. હાલમાં માર્કેટમાં નવા ધાનની ખરીદીના સમય છે ત્યારે વેપારી આલમ પણ મુશ્કેલીમાં છે. દાહોદનુ અનાજ માર્કેટ રાજ્યનુ બીજા નંબરનુ માર્કેટ છે અને અનાજ તેમજ કઠોળનો તો સૌથી વધુ વેપાર અહીં થાય છે ત્યારે હાલમાં ઘઉં ચણાની ખરીદી પૂરજોશમાં ચાલી રહી છે તેવા સમયે જ બેન્કોમાં મુકેલા પોતાના નાંણા વેપારીઓને મળતા ન હોવાથી ધંધા રોજગાર પર તેની વિપરીત અસર પ્રર્વિત રહી છે.
  • ખંભીસર- મોડાસાના ખંભીસર ગામમાં પશુપાલકોની સુવિધા માટે એચડીએફસી બેંકનું એટીએમ મુકવામાં આવ્યું છે.છેલ્લા કેટલાક દિવસોથી એટીએમ કેશ વગર નકામુ બની જતાં પશુપાલકોમાં ભારે રોષ ફેલાયો છે.માત્ર પશુપાલનની આવક પર જ નિર્ભર કરતાં પશુપાલકોનો પગાર બેંકોમાં જમા છે ત્યારે આવી પરિસ્થિતીમાં ગ્રાહકોની સુવિધા માટે મુકાયેલા એટીએમ શોભાના ગાંઠીયા સમાન સાબિત બની રહયા છે જેને લીધે જીવનનિર્વાહ ચલાવવો પશુપાલકો માટે મુશ્કેલ બની ગયો છે.
  • ઊંઝા વેપારી મથક ખાતે આવેલ રાષ્ટ્રીયકૃત બેન્કો દ્વારા હજુ પણ રોકડા નાણાં આપવામાં આનાકાની કરે છે. એક બાજુ બેન્કોના મેનેજરો એવું કહે છે. અમને અમારી ઉપરની બેન્કો રોકડ આપતી નથી અમે ક્યાંથી લાવીએ એમ કહીને ગ્રાહકો ઉપર ગુસ્સે થઈ જાય છે.
  • સિદ્ધપુર શહેરમાં છેલ્લા ૩ દિવસથી સ્થાનિક સહકારી બેંકો તેમજ રાષ્ટ્રીયકૃત બેંકો મળી ૩પથી વધુ બેંકોના એ.ટી.એમ. મશીનમાં બેંકો દ્ધારા પૈસા ભરવામાં ન આવતા હોવાથી હાલમાં બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે. કેટલીક બેંકોએ એ.ટી.એમ. મશીનના કેબીનના શટર બંધ કરી દીધા તો કેટલીક બેંકોએ કેબીન ખુલ્લા તો રાખ્યા છે પરંતુ મશીનમાં કેશ ન હોવાના પાટીયા લગાવી દઈ હાલમાં સિદ્ધપુર કેશલેશ જાહેર કરી દીધું છે.