અમદાવાદની બેઠકોમાંથી એકેય ઉમેદવાર ન જાહેર કર્યો ભાજપે - Sandesh
  • Home
  • Ahmedabad
  • અમદાવાદની બેઠકોમાંથી એકેય ઉમેદવાર ન જાહેર કર્યો ભાજપે

અમદાવાદની બેઠકોમાંથી એકેય ઉમેદવાર ન જાહેર કર્યો ભાજપે

 | 11:07 pm IST

ગુજરાત વિધાનસભાના ઉમેદવારો પૈકી ૭૦ ઉમેદવારોની એક યાદી આજે ભાજપે જાહેર કરી છે પરંતુ એ યાદીમાં અમદાવાદની ૧૬ બેઠકો પૈકી કોઈ એકેય બેઠક માટે ઉમેદવારનું નામ જાહેર નહીં કરતા ટિકિટ વાંચ્છુઓ અને શહેરના કાર્યકરોમાં ભારે સન્નાટો વ્યાપી ગયો છે.

દેખીતી રીતે જ અમદાવાદ શહેર એ ભાજપનો એક મજબૂત કિલ્લો છે અને પક્ષની મજબૂતી માટેના તમામ કાર્યકરો અને આંદોલનોનો પાયો અહીંથી જ નાંખવામાં આવે છે એટલું જ નહીં અમદાવાદ મ્યુનિ.કોર્પાેરેશન પર ભાજપનું જ શાસન છે. પરિણામે શહેરના ભાજપી નેતાઓ, ધારાસભ્યો અને કોર્પાેરેટરો કે જેઓ શહેરની ૧૬ બેઠકો પર દાવેદારી કરી રહ્યાં છે એ તમામ ઉમેદવારોની જાહેરાતની કાગડોળે રાહ જોઈ રહ્યાં હતાં. એ તમામ નિરાશ થયા છે અને એવા ઉચાટે ચઢયા છે કે, પોતાને ટિકિટ મળશે કે નહીં ? અને નહીં મળે તો કોને મળશે ? કંઈક એમજ જેઓ ધારાસભ્ય છે તેઓની ટિકિટ રિપીટ થશે કે નહીં ? એ અંગે દ્વિધા અનુભવી રહ્યાં છે અને છેલ્લી ઘડીના પ્રયાસો માટે ગોડફાધરો પર મોબાઈલ ટેલિફોનનો વરસાદ વરસાવી રહ્યાં છે. કેટલાંક તો શ્વાસ જ થંભી ગયા છે અને ચકરાવે ચઢયા છે.

જો કે, આ ગંભીર સ્થિતિ વચ્ચેય કાર્યકરોમાં એવી તરેહતરેહની અટકળો ચાલી રહી છે કે, ૧૬ બેઠકો પૈકી ભાજપની ૧૪ બેઠકોના વર્તમાન ધારાસભ્યોમાંથી ઓછામાં ઓછા આઠથી નવની ટિકિટ કપાશે અને નવા ચહેરાઓને સ્થાન મળશે એ નવા ચહેરામાં એકાદ બે તો સ્કાયલેબની જેમ તૂટી પડશે.

પરા પૂર્વના કેટલાંક કાર્યકરોએ એમ કહ્યું કે, જો પક્ષના હાઈકમાન્ડ અમદાવાદમાં યોગ્ય અને જેમણે પક્ષનું કામ કરવામાં કસર છોડી નથી તેવા આગેવાન કે કાર્યકરને ટિકિટ નહીં આપે તો આ વખતે પરા વિસ્તારમાંથી બેત્રણ બેઠકો તો કોંગ્રેસ લઈ જ જશે. આ સ્થિતિ કોટ વિસ્તારના દરિયાપુર-કાલુપુર અને ખાડિયા-જમાલપુરની બેઠકનેય લાગુ પડે છે. આ બેઉ બેઠકો પર જો સર્વમાન્ય ઉમેદવાર મૂકવામાં આવે તો જીતી શકાય તેમ છે. જો જૂથબંધીમાં ભાગબટાઈ કરવામાં આવશે તો એ બેઉ બેઠકો મોટામાર્જીનથી હારી જઈશું.