SC-ST એક્ટમાં આરોપીની સીધી ધરપકડ ના થઈ શકે : હાઇકોર્ટ - Sandesh
  • Home
  • India
  • SC-ST એક્ટમાં આરોપીની સીધી ધરપકડ ના થઈ શકે : હાઇકોર્ટ

SC-ST એક્ટમાં આરોપીની સીધી ધરપકડ ના થઈ શકે : હાઇકોર્ટ

 | 10:24 pm IST

એસસી-એસટી એક્ટ પર અલ્હાબાદ હાઇકોર્ટે સુપ્રીમ કોર્ટે આપેલા આદેશને ટાંકતાં આરોપીઓની સીધી ધરપકડ સામે નારાજગી જાહેર કરી છે. અલ્હાબાદ હાઇકોર્ટનું કહેવું છે કે આ કાયદાના અન્ય નિયમો કે જેમાં સજા સાત વર્ષ કે તેથી ઓછી છે તે અંતર્ગત આરોપીઓની સીધી ધરપકડ ત્યારે જ સંભવ છે કે જ્યારે આવશ્યક હોય. સુપ્રીમ કોર્ટે સુપ્રીમ કોર્ટના એક ચુકાદાને ટાંકતાં કહ્યું છે કે આવા કેસમાં આરોપીને પહેલાં નોટિસ આપીને પૂછપરછ માટે બોલાવવો જોઈએ. આરોપી જો નોટિસની શરતોનું પાલન કરે તો પૂછપરછ અને અધૂરી તપાસે તેની ધરપકડ થઈ શકે નહીં.

જસ્ટિસ અજય લાંબા અને જસ્ટિસ સંજય હરકોલીની બેન્ચે એસસી-એસટી એક્ટ સંદર્ભમાં કેન્દ્ર સરકાર દ્વારા બહાર પડેલા અધ્યાદેશ પછી 19 ઓગસ્ટે દાખલ થયેલી એફઆઈઆર રદ કરવાની માગણી સાથે થયેલી અરજીની સુનાવણી દરમિયાન આ સ્પષ્ટતા કરી હતી. કોર્ટે કહ્યું કે આ કેસમાં ધરપકડ પહેલાં અરનેશકુમાર વિરુદ્ધ બિહાર સરકારના કેસમાં સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદાનું પાલન કરવામાં આવે, તે સાથે કોર્ટે એફઆઈઆર રદ કરી હતી.

શું છે અરનેશકુમાર-કેસ?

અરનેશકુમારના કેસમાં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો હતો કે કોઈના પણ વિરુદ્ધ દાખલ થયેલી પ્રાથમિકીમાં અપરાધની મહત્તમ સજા સાત વર્ષ સુધીની હોય તો તેવા કેસમાં સીઆરપીસી ૪૧ અને ૪૧-એની જોગવાઈઓનું પાલન કરવું જોઈએ. ધરપકડ અનિવાર્ય છે કે કેમ તે મુદ્દાની સમીક્ષા કર્યા પછી જ ધરપકડ કરી શકાય, અન્યથા ન્યાયિક મેજિસ્ટ્રેટ ધરપકડ કરવામાં આવેલી વ્યક્તિના ન્યાયિક રિમાન્ડ નહીં લે. અલ્હાબાદ હાઇકોર્ટે પોલીસને ફરમાવ્યું કે હાઇકોર્ટના 2014ના એક આદેશ દ્વારા સર્મિથત સીઆરપીસીની જોગવાઈઓનું પાલન કર્યા વિના એક દલિત મહિલા અને તેની પુત્રી પર થયેલા હુમલાના ચાર આરોપીઓની ધરપકડ ના કરી શકે. કેસ આઈપીસી ઉપરાંત એસસી-એસટી કાયદા હેઠળ થયો હોવા છતાં કોર્ટે પોલીસને નિયમિત ધરપકડ કરતાં રોક્યા હતા.

હાઇકોર્ટમાં ધરપકડ રોકવા થઈ હતી માગણી

આ કેસમાં રાજેશ મિશ્રાએ હાઇકોર્ટમાં અરજી દાખલ કરીને પોતાની સામે નોંધવામાં આવેલી એફઆઈઆરને પડકારી હતી, સાથે જ માગણી કરી હતી કે પોલીસને સૂચના આપવામાં આવે કે કેસની તપાસ કે સમીક્ષા દરમિયાન તેમની ધરપકડ કરવામાં ના આવે. સુનાવણી દરમિયાન સરકારી વકીલે કોર્ટને આશ્વાસન આપ્યું હતું કે જે અપરાધ નોંધવામાં આવ્યો છે તેની સજા સાત વર્ષથી નીચેની હોવાથી તપાસકર્તા સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરશે.

કેસ શું છે?

શિવરાજીદેવીએ 19 ઓગસ્ટ 2018ના રોજ ગોંડાનાં કાંડેર પોલીસમથકમાં રાજેશ મિશ્રા તેમજ અન્ય ત્રણ વિરુદ્ધ પ્રાથમિકી દાખલ કરાવી હતી. તેમણે આરોપ લગાવતાં કહ્યું હતું કે પોતે અનુસૂચિત જાતિની મહિલા છે. 18 ઓગસ્ટ 2018ના રોજ રાત્રે 11 વાગ્યે સુધાકર, રાજેશ, રમાકાંત અને શ્રીકાંત તેનાં ઘરમાં ઘૂસી આવ્યા હતા. આવીને આગંતુકો તેમને અને તેમની દીકરીને જાતિસૂચક ગાળો દેવા લાગ્યા હતા. વિરોધ કરતાં માતા અને દીકરીને માર મારવામાં આવ્યો હતો. તેમણે હોબાળો કરતાં ગામલોકોએ તેમના જીવ બચાવ્યા હતા. રાજેશ મિશ્રાનું કહેવું છે કે રાજકારણથી પ્રેરાઈને તેમની સામે ખોટી એફઆઈઆર કરવામાં આવી છે.