કોઈ શબ્દને સમજી અને યાદ શી રીતે રાખશો? - Sandesh
  • Home
  • Kids Corner
  • કોઈ શબ્દને સમજી અને યાદ શી રીતે રાખશો?

કોઈ શબ્દને સમજી અને યાદ શી રીતે રાખશો?

 | 12:12 am IST

જ્ઞાન-વિજ્ઞાન :- માખન ધોળકિયા

તમને કોઈપણ શબ્દ શી રીતે યાદ રહે? આ સવાલનો જવાબ મેળવવા માટે થોડી મગજની કસરત કરવી પડશે. કારણ શબ્દને સમજવાનું અને યાદ રાખવાનું બંને કામ આપણું મગજ કરે છે. કોઈપણ શબ્દ જ્યારે આપણને નવો સાંભળવા મળે તો એ આપણને ત્યાં સુધી સમજાતો નથી જ્યાં સુધી એની સાથે જોડાયેલું કોઈ ચિત્ર, સ્પર્શ કે ગંધનો આપણને અનુભવ ન થાય.

તમને કોઈ આઈસક્રીમ શબ્દ કહે તો તમને આઈસક્રીમનો ઠંડો, લીસ્સો સ્પર્શ અને મીઠો સ્વાદ યાદ આવવો જોઈએ. તો જ તમને એ શબ્દ સમજાય. જો તમે કદી આઈસક્રીમ જોયો કે ખાધો ન હોય તો તમને આઈસક્રીમ શબ્દનો અર્થ સમજાશે નહીં. હા, જો એ શબ્દની સાથે તમને આઈસક્રીમનું ચિત્ર બતાવવામાં આવે તો તમને એ શબ્દ યાદ રહી શકે. તમને ચિત્ર દેખાય તો શબ્દ યાદ આવે અને શબ્દ સંભળાય તો ચિત્ર યાદ આવે. એ રીતે શબ્દ યાદ રહી જાય ખરો, પરંતુ એની સમજણ તો આઈસક્રીમને એની સુગંધ માણીને એને સ્પર્શ કરીને ચાખ્યો હોય તો જ મળી શકે.

એટલા માટે જ તમને બાલમંદિર, કિન્ડરગાર્ટનમાં જ્યારે એ,બી,સી,ડી અથવા ક,ખ,ગ,ઘ શીખવવામાં આવે છે. ત્યારે એ અક્ષરોની સાથે સાથે ચિત્ર અચુક હોય છે. એ ચિત્રના કારણે જ તમને એ અક્ષર યાદ રહે છે. અને આગળ જતાં એ ચિત્રના કારણે જ એનું નામ એટલે કે શબ્દ યાદ રહે છે.

એક ખૂબ જૂનો જોક છે. એક છોકરાએ એક દિવસ એના મિત્રની પાસે જઈ એને એક જોરદાર થપ્પડ મારી દીધી. બધાને નવાઈ લાગી. આ બંને તો સારા દોસ્તો છે, પછી આ રમેશે એના ખાસ દોસ્ત કરણને અચાનક કશું બોલ્યા વગર થપ્પડ કેમ મારી દીધી?

જ્યારે રમેશને પૂછવામાં આવ્યું કે અલ્યા શા માટે થપ્પડ મારી? તો રમેશે જવાબ આપ્યો, આ કરણે મને તે દિવસે હિપ્પોપોટેમસ કહ્યો હતો. દોસ્તો કહે, હા કહેલું. પણ એને તો આજે મહિનો થવા આવ્યો. તેં આજે એને કેમ થપ્પડ મારી? જવાબમાં રમેશે કહ્યું, મેં આજે જ હિપ્પોપોટેમસ જોયો.

એટલે કે રમેશે હિપ્પોપોટેમસ જોયો ન હતો ત્યાં સુધી એને એ શબ્દ સમજાયો નહોતો. એને ખબર જ ન હતી કે હિપ્પોપોટેમસ એટલે ખરેખર શું? જોયા પછી શબ્દનો અર્થ સમજાયો અને ત્યારે ગુસ્સો ચઢયો.

બસ, આજ રીત છે, શબ્દને સમજવાની. તમને કોઈ કહે કે ચતુર્ભુજ ચતુષ્કોણ દોરો તો તમે સ્કૂલમાં ભૂમિતિ ભણ્યા હશો અને એમાં આવા ચતુષ્કોણની આકૃતિ દોરી હશે તો આ વાત તરત સમજાઈ જશે. નહિતર આ શબ્દ સાંભળ્યા પછી બાઘાની જેમ વિચાર્યા કરવું પડશે કે આ વળી કઈ વસ્તુ દોરવાની છે! શબ્દને સમજવાની આ રીત હોવાના કારણે એવું પણ બને છે કે કોઈ એક જ શબ્દ બધા જુદી જુદી રીતે સમજે. તમે કહો કે મહેનત કરવી પડશે. તો સ્કૂલનો વિદ્યાર્થી સમજશે કે વધુ વાંચીને યાદ કરવું પડશે. ચિત્ર કરનાર સમજશે કે ફરીથી વધુ સારું ચિત્ર દોરવું પડશે. મજુરી કરનાર વિચારશે કે મારે વધારે કામ કરવું પડશે. આમ એક જ શબ્દ મહેનતના દરેકને પોતાની રીતે જુદો અર્થ સમજાશે.

[email protected]