નામાંક : સંપૂર્ણ અંક જયોતિષ - Sandesh

નામાંક : સંપૂર્ણ અંક જયોતિષ

 | 3:26 am IST

કેટલાક લોકો એમ માને છે કે નામમાં શું છે? તેઓ એમ માને છે કે, ‘ગુલાબને બીજું નામ આપવાથી તેની સુગંધ અને સૌંદર્ય બદલાઈ જવાના છે? કોઈ પુરુષને રતિલાલને બદલે રમેશના નામથી અને કોઈ સ્ત્રીને સૂરજને બદલે સુશીલાના નામથી બોલાવવાથી શો ફેર-તફાવત પડી જવાનો છે? તેથી કંઈ તેના ગુણધર્મો કે સ્વભાવ ઓછા બદલાઈ જવાનો છે?’ પણ તેઓ અહીં જ ભૂલ કરે છે. તેમને ‘નાણાં વિનાનો નાથીઓ અને ‘નાણાંવાળા નાથાલાલ’ વાળી કહેવતનો ભાવાર્થ યાદ રહેતો નથી. રમેશને રમેશીઓ કહીએ તો તેને કેવું લાગે? તેને બદલે રમેશચંદ્ર કે રમેશલાલ કહીએ તો કેવું સારું લાગે! ‘કોઇ પોલીસને એય પોલીસ કહીએ તો?’ એના બદલે પોલીસ સાહેબ કહીએ તો તેને કેવું સારું લાગે! કોઈને અપશબ્દો-ગાળો ભાંડીએ તો? કોઈને આવો સાહેબ, બેસો પધારો, શું પીશો? ચા પીશો કે કોફી? વગેેરે કહીએ તો કેવું સારું લાગે છે? કેટલીક નાતમાં તો જમાઈને સાસરી પક્ષવાળા તેમના નામના છેડે લાલ કે દાસ લગાડીને બોલાવે છે. દા.ત. રમેશલાલ, રણછોડદાસ, મનુલાલ, બાબુલાલ વગેરે અને આ રીતે જમાઈનું સન્માન કરવામાં આવે છે. આપણે ટોળા કે સમૂહમાં હોઈએ અથવા તો રસ્તે ચાલતા હોઈએ અને કોઈ અપરિચિત વ્યક્તિ બીજી કોઈ વ્યક્તિને રમેશ કે સુશીલા એમ બૂમ પાડીને બોલાવતી હોય અને સાથે સાથે આપણું નામ રમેશ કે સુશીલા હોય તો આપણે કેવા ચમકીને પાછળ વળીને બોલાવનાર તરફ જોઈએ છીએ? જાણે કે કોઈ આપણને જ બોલાવતું ન હોય! મંત્રશાસ્ત્રમાં શબ્દોના શુદ્ધ ઉચ્ચાર પર ભાર મૂકવામાં આવે છે અને અશુદ્ધ ઉચ્ચારથી કરેલા જપજાપ ફાયદો કરવાને બદલે નુકસાન કરતા હોય છે. જેમની જન્મ તારીખ અને સમય નિશ્ચિત હોતાં નથી એટલે કે જેમની જન્મરાશિ નિશ્ચિત થઈ શક્તી નથી, તેમનું ભવિષ્યકથન તેમના નામના પ્રથમ અક્ષરની રાશિ પ્રમાણે કરવામાં આવે છે. તેથી જીવનમાં નામનું ખૂબ જ મહત્ત્વ છે. હિન્દુઓ તો વિશ્વની ઉત્પત્તિ શબ્દ બ્રહ્મમાંથી થઈ હોવાનું માને છે, અને તેથી નામને બ્રહ્મ કે વિશ્વચેત્યનું પ્રતીક માને છે.

અંકશાસ્ત્રીઓના મત પ્રમાણે દરેક અક્ષર, નામ અને ઉચ્ચાર સાથે એક અલગ અને વિશિષ્ટ આંદોલન સંકળાયેલું હોય છે અને દરેક અંગ્રેજી અક્ષરને તેનો અંક હોય છે. નામાંક શોધવા માટે વ્યક્તિ, વસ્તુ, ગામ, શહેર વગેરેના નામને અંગ્રેજીમાં લખવામાં આવે છે ત્યારબાદ નામના દરેક અક્ષરને નીચે પ્રમાણે અંક આપવામાં આવે છે અને તે અંકોનો સરવાળો કરીને મૂળાંક મુખ્યાંક શોધવામાં આવે છે.

(ક્રમશઃ)