Non-bailable warrant against Andhra CM Chandrababu Naidu
  • Home
  • Featured
  • આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રીની ચંદ્રાબાબુ નાયડુ મુશ્કેલીમાં, કોર્ટે ધરપકડ વોરંટ બહાર પાડ્યું

આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રીની ચંદ્રાબાબુ નાયડુ મુશ્કેલીમાં, કોર્ટે ધરપકડ વોરંટ બહાર પાડ્યું

 | 10:13 pm IST

મહારાષ્ટ્રની એક કોર્ટ દ્વારા આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન એન. ચંદ્રાબાબુ નાયડુ અને અન્ય ૧૫ સામે બિનજામીનપાત્ર ધરપકડ વોરંટ બજાવવામાં આવ્યું છે. કોર્ટે આ તમામ આરોપીઓને કોર્ટમાં હાજર કરવા ફરમાન કર્યું છે. વર્ષ 2010માં ગોદાવરી નદી પર બાબલી પ્રોજેક્ટના વિરોધમાં ટીડીપી દ્વારા મહારાષ્ટ્ર સરકાર સામે વિરોધપ્રદર્શન અને આંદોલન કરવામાં આવ્યું હતું.

વોરંટમાં આંધ્રના સિંચાઈપ્રધાન દેવીનેની ઉમામહેશ્વર રાવ, સમાજકલ્યાણપ્રધાન એન. આનંદબાબુ અને પૂર્વ ધારાસભ્ય જી. કમલાકર તેમજ તેલુગુદેશમ પાર્ટીના અન્ય કાર્યકરોનાં નામ સામેલ છે. નાંદેડ જિલ્લાનાં ધર્માબાદ કોર્ટના મેજિસ્ટ્રેટ એન. આર. ગજભિયે દ્વારા પોલીસને તમામ આરોપીઓને પકડીને 21 સપ્ટેમ્બરે કોર્ટમાં હાજર કરવા આદેશ કરાયો છે. ટીડીપીએ ધરપકડ વોરંટના વિરોધમાં આંધ્ર પ્રદેશ અને તેલંગણામાં વિરોધપ્રદર્શન કરવા હાકલ કરી છે. નાયડુના પુત્ર અને આઈટીપ્રધાન એન. લોકેશે કહ્યું હતું કે મારા પિતા અને અન્યો 21મીએ કોર્ટમાં હાજર થશે, તેઓ તેલંગણાનાં હિતોનાં રક્ષણ માટે લડયા હતા, તેમની ધરપકડ કરાઈ ત્યારે તેમણે જામીન લેવા ઇનકાર કર્યો હતો.

આંદોલન પછી પુણેની જેલમાં રખાયા હતા

આ ઘટના વખતે નાયડુ અને અન્ય આરોપીઓ અવિભાજિત આંધ્ર પ્રદેશમાં વિરોધપક્ષમાં હતા. આંદોલન માટે તેમને પકડીને પુણેની જેલમાં રાખવામાં આવ્યા હતા. બાબલી પ્રોજેક્ટથી નદીનાં નીચણવાસમાં રહેતાં લોકોને નુકસાન થશે તેવી ધારણા સાથે આંદોલન કરાયું હતું. તે વખતે 40 ધારાસભ્યો સાથે નાયડુ બેરેજ સુધી પહોંચી ગયા હતા અને પોલીસે તેમને પકડયા હતા. નાયડુએ જામીનનો ઇનકાર કરતાં તેમને વિમાનમાર્ગે હૈદરાબાદ પાછા મોકલવામાં આવ્યા હતા. આ પછી તમામ આરોપીઓ સામે કેસ કરાયો હતો.

ચંદ્રાબાબુ સામે કાવતરું

ટીડીપીના પ્રવક્તા લંકા દિનાકરને કહ્યું હતું કે આંધ્ર પ્રદેશના સીએમ સામે ધરપકડવોરંટ દુર્ભાગ્યપૂર્ણ છે. એવું લાગે છે કે પીએમ મોદી અને અમિત શાહ દ્વારા કોઈ કાવતરું રચવામાં આવ્યું છે.