પીએનબી કૌભાંડના વિલન `મામા-ભાણેજ સામે ધરપકડ વોરન્ટ - Sandesh
  • Home
  • Business
  • પીએનબી કૌભાંડના વિલન `મામા-ભાણેજ સામે ધરપકડ વોરન્ટ

પીએનબી કૌભાંડના વિલન `મામા-ભાણેજ સામે ધરપકડ વોરન્ટ

 | 7:04 pm IST

પંજાબ નેશનલ બેન્ક (પીએનબી) કૌભાંડના મુખ્ય આરોપીઓ મામા-ભાણેજ મેહુલ ચોકસી અને નીરવ મોદી સામે મુંબઈની ખાસ અદાલતે ધરપકડ વોરન્ટ જારી કર્યું છે. સ્પેશિયલ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરીંગ એક્ટ કોર્ટે મુખ્ય આરોપી નીરવ મોદી અને તેમના મામા ગીતાજંલિ જેમ્સના માલિક મેહુલ ચોકસી માટે આ વોરન્ટ જારી કર્યું છે.

બીજી બાજુ નીરવ મોદીના વકીલ અજય અગ્રવાલે જણાવ્યું હતું કે તેઓ હાઈકોર્ટમાં ધરપકડ વોરન્ટને પડકારશે. અમે નીરવ મોદી વતી આ આદેશને હાઈકોર્ટમાં પડકારવા વિચારણા કરી રહ્યા છીએ. જોકે ચુકાદો વાંચ્યા પછી જ અંતિમ નિર્ણય લેવાશે. ઈડીએ રજૂ કરેલી અરજીની નકલ પણ અમને આપવામાં આવી નથી.

અન્ય એક બીજી ઘટના સંદર્ભમાં સીબીઆઈએ છ આરોપીઓને સ્પેશિયલ સીબીઆઈ કોર્ટમાં રજૂ કર્યા હતાં. સીબીઆઈ આ સાથે ગોકુલનાથ શેટ્ટીના પોલીસ રિમાન્ડ અને અન્ય પાંચ આરોપીઓના જ્યુડિશિલ રિમાન્ડની માગણી કરી હતી.

સીબીઆઈએ અગાઉ આ જ કેસમાં પીએનબીના પાંચ અધિકારીઓની ધરપકડ કરી હતી. આમાં જનરલ મેનેજર કક્ષાના એક અધિકારી તથા પીએનબીના પૂર્વ ડેપ્યુટી મેનેજર ગોકુલનાથ શેટ્ટીનો સમાવેશ થતો હતો. સીબીઆઈએ આ ઉપરાંત નીરવ મોદી અને મેહુલ ચોકસીની કંપનીના અધિકારીઓની પણ ધરપકડ કરી છે.