દ.કોરિયા : અમેરિકા સાથે સંબંધ સુધારવા માટે ઉ.કોરિયા તૈયાર છે - Sandesh
NIFTY 10,983.85 -24.20  |  SENSEX 36,411.44 +-108.52  |  USD 68.5175 +0.07
1.6M
1M
1.7M
APPS
  • Home
  • World
  • દ.કોરિયા : અમેરિકા સાથે સંબંધ સુધારવા માટે ઉ.કોરિયા તૈયાર છે

દ.કોરિયા : અમેરિકા સાથે સંબંધ સુધારવા માટે ઉ.કોરિયા તૈયાર છે

 | 7:05 pm IST

ઉત્તર કોરિયાના પ્રમુખ કિમ જોંગ ઉનએ દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે ઇનના રાજદૂત સાથે ખાસ મુલાકાત કરી હતી. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ બંને દેશો વચ્ચેના સંબંધ સામાન્ય બનાવવાનો હતો. દ.કોરિયા તરફથી કહેવામાં આવ્યું કે, ઉ.કોરિયા દ્વારા પરમાણુ હથિયાર અને મિસાઇલોના પરિક્ષણ અટકાવી દેવા માટે હામી ભરવામાં આવી છે. દ.કોરિયાના પ્રેસિડેન્શનલ નેશનલ સિક્યોરિટી ડિરેક્ટરે મંગળવારે કહ્યું કે, ઉ.કોરિયા દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે તેઓ વોશિંગ્ટન અને પ્યોંગયાંગ વચ્ચે સંબંધો સામાન્ય કરવા માટે અમેરિકા સાથે વાતચીત કરવા પણ તૈયાર છે.

આ સાથે જ તેમણે કહ્યું કે, ઉ.કોરિયાનું કહેવું છે કે, જો તેમના દેશને મળી રહેલી સૈન્ય સંબંધી ધમકીઓનું નિરાકરણ આવી જાય છે અને તેમના દેશની સુરક્ષાની ખાતરી આપવામાં આવે તો તેમને પરમાણુ હથિયાર રાખવાની પણ કોઇ જરૂર રહેતી નથી. આ ઉપરાંત ઉ.કોરિયાએ દ.કોરિયા વિરુધ્ધ કોઇ પણ પ્રકારના પારંપરિક અથવા પરમાણુ હથિયારનો ઉપયોગ ન કરવાનું પણ વચન આપ્યું છે. અપ્રિલના અંત સુધીમાં બંને દેશો વાતચીત કરવા માટે પણ તૈયારી દર્શાવી છે.


ઉ.કોરિયા અને દ.કોરિયા વચ્ચે આંતર કોરિયા સંમેલનનું આયોજન કરવા માટે પણ એક કરાર થયો છે. ઉ.કોરિયાની સરકારી સમાચાર એજન્સી અનુસાર દ.કોરિયાના પ્રતિનિધિઓએ દેશના રાષ્ટ્રપતિ મૂન જે ઇનનો એક પત્ર કિમ જોંગ ઉનને આપ્યો છે, જેમાં મૂને બંને દેશો વચ્ચે સંમેલન આયોજન કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે.

 

કિમ અને દ.કોરિયાના રાજદૂતો વચ્ચે સૈન્ય વિવાદ ઓછો કરવા અને બંને દેશો વચ્ચે યોગ્ય વાતચીત અને સહકારને પ્રોત્સાહન આપવાના વિચારોની આપલે કરી છે. કિમ જોંગ ઉને લાંબા સમયથી ચાલી રહેલા વિવાદનો અંત લાવવા માટે ગંભીર રીતે વિદેશી રાજદૂત સાથે વાતચીત કરી અને રાષ્ટ્રીય પુન:એકીકરણનો નવો ઇતિહાસ લખવાની ઇચ્છા વ્યક્ત કરી છે.

અત્રે નોંધનીય છે કે ફેબ્રુઆરીની શરૂઆતમાં કિમ જોંગ ઉનની બહેન કિમ યો જોંગે શિયાળા ઓલ્મિપિક દરમિયાન દ.કોરિયાની ઐતહાસિક મુલાકાત લીધી હતી અને મૂનને ઉ.કોરિયા આવવા માટેનું આમંત્રણ આપ્યું હતું. જેનું દ.કોરિયા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.