આવી છે કિમ જોંગની હાઈ-ટેક સિક્યોરિટી, જે દુનિયાના બીજા કોઈ દેશો પાસે નથી - Sandesh
NIFTY 11,433.95 +78.20  |  SENSEX 37,871.83 +226.93  |  USD 69.9100 -0.02
1.6M
1M
1.7M
APPS
  • Home
  • World
  • આવી છે કિમ જોંગની હાઈ-ટેક સિક્યોરિટી, જે દુનિયાના બીજા કોઈ દેશો પાસે નથી

આવી છે કિમ જોંગની હાઈ-ટેક સિક્યોરિટી, જે દુનિયાના બીજા કોઈ દેશો પાસે નથી

 | 2:54 pm IST

ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉનને લોકો સરમુખત્યાર કહે છે, કારણ કે તે પોતાના અલગ જ અંદાજથી બધું કરી શકે છે. પરમાણું હથિયારોનું પરીક્ષણ હોય કે પછી મિસાઈલ છૉડીને બીજા દેશોને ડરાવવું. કિમ આમ કરીને સતત ડરાવતો રહે છે. પરંતુ દુનિયા આખીને ડરાવનાર કિમ પોતે પણ એટલો જ ડરપોક છે. આવું અમે નહીં પણ પાડોશી દેશ દક્ષિણ કોરિયાની એક એજંસીનું કહેવું છે. કિમ હંમેશા હાઈટેક સિક્યોરિટીમાં રહે છે. આમ કરવા પાછળ પણ અનેક રહસ્યો છે.

કિમનો સુરક્ષા ઘેરો

દુનિયાએ ફરી એકવાર સિંગાપોરમાં ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉનની કાર પાછલ તેના સુરક્ષાકર્મીઓને દોડતા-ભાગતા જોયા. જોકે આવું પહેલીવાર નથી બન્યું. અગાઉ દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ મૂન જે-ઈનને મળવા પહોંચેલા કિમના સુરક્ષાકર્મીઓ તેની કારની આગળ પાછળ ભાગતા નજરે પડ્યાં હતાં. કહેવાય છે કે જ્યારે પણ દેશના નેતાની સુરક્ષાની વાત આવે છે ત્યારે ઉત્તર કોરિયા તેમાં કોઈ જ બાંધછોડ નથી કરતું. જે સુરક્ષાકર્મીઓ કિમની કાર પાછળ ભાગી રહ્યાં હતાં તે પણ એક રહસ્ય છે. તેઓ કોણ છે અને કેમ દોડે છે તેની કોઈને જાણ નથી.

કિમની આસપાસ ત્રણ લેયરની સુરક્ષા

નોર્થ કોરિયા લીડરશિપ વૉચના નિર્દેશન અને નિષ્ણાંત માઈકલ મેડેનના જણાવ્યા પ્રમાણે, ઉત્તર કોરિયાના નેતા કિમ જોંગ ઉનને ત્રણ શ્રેણીમાં સુરક્ષા પ્રદાન કરવામાં આવે છે. સિંગાપોરમાં આ ગાર્ડ્સ કિમની બુલેટપ્રુફ કાર સાથે સાથે દોડી રહ્યાં હતાં. તેમને મેન ઓફિસ ઓફ એડ્યુટેંટ્સ કહેવામાં આવે છે. તેઓ સેનાના અધિકારીઓ હોય છે, જે દેશના પ્રમુખ લોકોને સુરક્ષા પુરી પાડે છે.

માર્શલ આર્ટ્સમાં માહિર હોય છે ગાર્ડ્સ

કિમ જોંગ ઉનની સુરક્ષામાં રહેલા ગાર્ડ્સ નિશાનેબાજી, માર્શલ આર્ટ્સ અને બંદૂક ચલાવવામાં માહેર હોય છે. તેમની પસંદગી કરતી વખતે જ એ વાર સુનિશ્ચિત કરવામાં આવે છે કે, કોઈ પણ ગાર્ડની આંખો નબળી ના હોય. તેમને જોવામાં કોઈ પણ પ્રકારની સમસ્યા ના હોય. આ ગાર્ડ્સ સુરક્ષા સમયે કિમ જોંગ ઉનની ચારેકોર ઘેરો બનાવી લે છે. ખાસ વાત એ છે કે, તેમની ઉંચાઈ પણ કિમની ઉંચાઈ બરાબર જ હોય છે. તમામ ગાર્ડ્સની પસંદગીએ કોરિયન પીપલ્સ આર્મીમાંથી કરવામાં આવે છે.

કેવી રીતે થાય છે કે ગાર્ડ્સની પસંદગી

કિમની સુરક્ષા કરી રહેલા ગાર્ડ્સની પસંદગી પહેલા તેમની પૃષ્ટભૂમિની ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવે છે. ગાર્ડ્સની પાછળની બે પેઢીઓની પણ તપાસ કરવામાં આવે છે. જોકે, કહેવાય છે કે, કિમની સુરક્ષામાં રહેલા ગાર્ડ્સ કાં તો તેમના સગાં સંબંધી છે કાં તો પછી ઉત્તર કોરિયાના જાણીતા પરિવારોમાંથી આવે છે. આ નોકરીની ખાસિયત એ છે કે, એકવાર સુરક્ષા કાફલામાં શામેલ થયા બાદ નોકરી છોડવાનો વિકલ્પ રહેતો નથી. આ ગાર્ડ્સે અત્યંત આકરી ટ્રેનિંગમાંથી પસાર થવું પડે છે. સ્પેશિયલ ઓપરેશન માટે તૈયાર કરવામાં આવેલા સૈનિકોની માફક જ તેમને ટ્રેંડ કરવામાં આવે છે.

સૂટ અને ટાઈમાં જ હોય છે ગાર્ડ્સ

સુરક્ષાકર્મીઓનો ઘેરો કિમ જોંગ ઉનની ચારેકોર હોય છે. ત્રણ થી પાંચ સુરક્ષાકર્મીઓ વચ્ચે કિમ ચાલે છે. ગાર્ડ્સની ફોજ હંમેશા કિમને સાથે જ ચાલે છે. કિમ જ્યાં પણ જાય છે ત્યાં તેમના સુરક્ષાકર્મીઓ સાથે સાથે જ જાય છે. એ જ કારણે કિમ જ્યારે કારમાં હોય છે ત્યારે પણ ગાર્ડ્સ કારની સાથો સાથ દોડતા નજરે પડે છે. ગાર્ડ્સની આ ટૂકડીમાં એક ડાયરેક્ટર હોય છે. આ તમામ ગાર્ડ્સ સૂટ અને ટાઈ પહેરેલા જ હોય છે.

દુનિયાના કોઈ પણ નેતા પાસે આવી સુરક્ષા નહીં

મેન ઓફિસ ઓફ એડ્યુટેંટ્સમાં લગભગ 200 થી 300 સુરક્ષાકર્મીઓ હોય છે. જેમાંથી અડધા બોડીગાર્ડ્સ જ્યારે બાકીના ડ્રાઈવર અને ટેકનિકલ સ્ટાફ હોય છે. ગાર્ડ કમાંડ આ તમામ માર્ગોને અડધો માઈલ સુધી સુરક્ષીત રાખે છે, જ્યાંથી કિમ જોંગ ઉન પસાર થાય છે. જે પ્રકારની સુરક્ષા ઉત્તર કોરિયાના નેતાને આપવામાં આવે છે, કદાચ જ આવી સુરક્ષા દુનિયાના કોઈ અન્ય નેતાને આપવામાં આવતી હોય.