Northeast feeling the heat as monsoon slowest in 12 years : IMD
  • Home
  • Featured
  • ચોમાસાને લઈને ચિંતાજનક સમાચાર, હવામાન વિભાગે વ્યક્ત કર્યો અણસાર

ચોમાસાને લઈને ચિંતાજનક સમાચાર, હવામાન વિભાગે વ્યક્ત કર્યો અણસાર

 | 9:43 pm IST

ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 12 વર્ષમાં પહેલીવાર નૈઋત્યનું ચોમાસું આટલી ધીમી ગતિથી આગળ વધી રહ્યું છે. અરબી સમદ્રમાં ઉદ્ભવેલા વાયુ વાવાઝોડાના કારણે વરસાદી વાદળોની ગતિ પર અસર પડી છે. સામાન્ય રીતે 19 જૂન સુધીમાં દેશના બે તૃતીયાંશ હિસ્સામાં ચોમાસનો પ્રારંભ થઈ જતો હોય છે પરંતુ હજુ દેશના 10-15 ટકા વિસ્તારમાં જ ચોમાસાનો પ્રારંભ થયો છે. અત્યારે નૈઋત્યનું ચોમાસું ફક્ત કેરળ, દક્ષિણ કર્ણાટક અને તામિલનાડુના થોડા વિસ્તારોમાં જ સક્રિય થયું છે. પૂર્વોત્તર ભારતમાં થોડા અંશે વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ચોમાસાની સિસ્ટમ ફરી સક્રિય થવા માટે ઓછામાં ઓછો એક સપ્તાહનો સમય લાગી શકે છે.

ભારતીય હવામાન વિભાગના અધિકારી ડી શિવાનંદ પઈએ જણાવ્યું હતું કે, અમને આશા છે કે આગામી બેથી ત્રણ દિવસમાં ચોમાસું કોંકણના દરિયાકિનારા સુધી પહોંચી જશે. 25 જૂન સુધીમાં મહારાષ્ટ્રનો મહત્તમ વિસ્તાર ચોમાસાના દાયરામાં આવી જશે. જૂનના અંત સુધીમાં મધ્ય ભારતમાં ચોમાસું સક્રિય થશે. જોકે ચોમાસું તેના નિયત સમયથી અત્યારે 15 દિવસ મોડું છે.

12 વર્ષમાં પહેલીવાર ચોમાસું આટલી ધીમી ગતિથી આગળ વધી રહ્યું છે. 2013માં સૌથી ઝડપથી 16 જૂન સુધીમાં સમગ્ર દેશમાં ચોમાસું સક્રિય બની ગયું હતું.

મધ્ય ભારતમાં 57, દક્ષિણમાં 38, પૂર્વોત્તરમાં 43 અને ઉત્તર-પશ્ચિમ ભારતમાં 27 ટકા વરસાદમાં ઘટ

ચોમાસામાં વિલંબના કારણે અત્યાર સુધીના વરસાદમાં 44 ટકાની ઘટ નોંધાઈ છે. ચોમાસામાં વિલંબના કારણે સૌથી ગંભીર અસર મધ્ય ભારત પર પડી છે. જૂનના આ સમયગાળામાં થનારા વરસાદમાં 57 ટકાની ઘટ નોંધાઈ છે. દક્ષિણ ભારતમાં 38 ટકા, પૂર્વોત્તર ભારતમાં 43 ટકા અને ઉત્તર-પશ્ચિમ ભારતમાં 27 ટકા ઘટ નોંધાઈ છે.

ચેન્નઈમાં પાણીની ગંભીર કટોકટી, પુરવઠામાં 40 ટકાનો કાપ

દેશના મેટ્રો સિટી ગણાતા ચેન્નઈમાં પાણીની ગંભીર કટોકટી સર્જાઈ છે. શહેરને પાણી પૂરું પાડતાં ચાર જળાશય કોરા ધાકોર બની ગયાં છે. વરસાદની અછતના કારણે ભૂજળની સપાટીમાં પણ મોટો ઘટાડો નોંધાયો છે. હાલ ચેન્નઈ શહેરમાં અપાતા પાણીના પુરવઠામાં 40 ટકાનો કાપ મુકાયો છે. શહેરને રોજ 800 મિલિયન લિટર પાણીની જરૂર પડે છે તેમાંથી અત્યારે ફક્ત 525 મિલિયન લિટર પાણી જ પુરું પાડવામાં આવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન