આટલી સિદ્ધિય ઓછી નથી જ! - Sandesh

આટલી સિદ્ધિય ઓછી નથી જ!

 | 2:06 am IST

પોઈન્ટ બ્લેન્ક :- એમ.એ. ખાન

શ્રી હરિકોટાના મિશન કન્ટ્રોલમાં વિશાળ પડદા પર ચાર-પાંચ સ્ક્રીન દેખાઈ રહ્યા છે એમાંના એક સ્ક્રીન પર ચન્દ્રની ધરતી તરફ આગળ વધી રહેલા ચન્દ્રયાન-ટુના લેન્ડર (ચન્દ્ર પર ઊતરનાર) વિક્રમની સ્થિતિ લીલા ટપકાં રૂપે દેખાઈ રહી છે. બીજા એક સ્ક્રીન પર એનું કમ્પ્યૂટરે તૈયાર કરેલું ચિત્ર દેખાઈ રહ્યું છે. લીલું ટપકું રાખોડી રંગની સહેજ ગોળાકાર લીટીને અનુસરતું ચન્દ્ર તરફ આગળ વધતું દેખાય છે. લીલું ટપકું ચાલે એટલી લીટી સફેદ થતી જાય છે. આ લીટીની ઉપર અને નીચે બીજી લીટીઓ છે. એ વિક્રમ લેન્ડર કેટલું ઈધર-ઉધર થઈ જાય ત્યાં સુધી સલામત ગણાય એ મર્યાદા દર્શાવે છે.

સોફ્ટ લેન્ડિંગ કેવું અને શા માટે?  

કમ્પ્યૂટર દ્વારા વિક્રમનું જે ચિત્ર ચન્દ્ર તરફ આગળ વધે છે એ ગોળ ગોળ ફરતું આગળ વધી રહ્યું છે, કારણ કે તેના ચારેય ખૂણે લાગેલાં સાવ ટચૂકડાં એન્જિન એને ગોળગોળ ફેરવી રહ્યાં છે. ઈસરોએ વિક્રમને એ રીતે જ ચન્દ્રની ધરતી પર ઉતારવાનું નક્કી કર્યું છે. એને સોફ્ટ લેન્ડિંગ કહે છે. તમે પલંગ ઉપરથી નીચે કૂદકો મારો તો તમારા પગને કોઈ ઈજા ન થાય, કારણ કે તમે પાછા ફર્શ પર સોફ્ટ લેન્ડિંગ કરો છો. હળવાશથી પછડાઓ છો, પરંતુ માનો કે બીજા માળની અગાસીમાંથી કૂદકો મારવાનો થાય તો? તો તમે ફર્શ પર પછડાઓ ત્યારે જોરદાર આંચકો લાગે અને પગનાં હાડકાંને તથા શરીરનાં બધાં અંગને એનો ઝાટકો લાગે, શક્ય છે કે કોઈ હાડકું ખસી જાય કે ભાંગી જાય. એને હાર્ડ લેન્ડિંગ કહેવાય. વિક્રમ લેન્ડર ઓર્િબટર નામના ચન્દ્રની ભ્રમણકક્ષામાં ચન્દ્રની ધરતીથી ૧૦૦ કિલોમીટર ઊંચે ચન્દ્ર ફરતે ગોળ ચકરાવા લઈ રહેલા યાનમાં હતું. તેણે ૧૦૦ કિલોમીટર ઊંચેથી ચન્દ્રની ધરતી પર ઊતરવા ભૂસકો મારવાનો હતો. આટલે ઊંચેથી કૂદકો મારીને એ ચન્દ્રની ધરતી પર પછડાય તો પછડાટ જબરજસ્ત લાગે. એમાં વિક્રમ ખળભળી જાય, ભાંગીને ભુક્કો પણ થઈ શકે. એમ ન થાય એટલા માટે એને ગોળગોળ ફેરવતા રહીને ધીમું પાડીને ચન્દ્ર પર ઉતારવાનું હતું. આવા લેન્ડિંગને સોફ્ટ લેન્ડિંગ કહે છે.

ચન્દ્ર નજીક આવે એમ ધીમા પડવાનું  

ચન્દ્ર પર પછડાવાની એની ઝડપ ઓટોમેટિક રોકેટો બ્લાસ્ટ કરતા રહીને ઓછી કરતા જવાનું હતું. આ બધું આયોજન ઈસરોના નિષ્ણાતોએ ચોકસાઈથી ગણતરીઓ કરીને પાકું કર્યું હતું. ગતિ ઓછી કરવાના આ તબક્કાને રફ બ્રેકિંગ ફેઝ કહે છે. જ્યારે વિક્રમ ચન્દ્રની ધરતીથી ૭.૪ કિલોમીટર ઊંચું હતું ત્યારે એની ઝડપ ઓછી કરવાનો બીજો તબક્કો પૂરો થયો. હવે એ એક સેકન્ડના ૧.૮ કિલોમીટરની ઝડપે નીચે ઊતરી રહ્યું હતું.

શ્રીહરિકોટા ખાતે કમાન્ડ સેન્ટરમાં બેઠેલા બધાનાં મોં પર આતુરતા અને આનંદ બંને છલકાતાં હતાં. ચન્દ્રની ધરતીથી ૬ કિલોમીટર ઊંચે તેનો અલ્ટિટયૂડ કન્ટ્રોલ ફેઝ શરૂ થયો અને વિક્રમની ઝડપ ઘટીને ૧.૨ કિલોમીટર થઈ ગઈ. હવે ૩૮ સેકન્ડમાં આ ફેઝ પૂરો થવાનો હતો. વિક્રમને ગોળ ફેરવનાર ચારેય એન્જિન ચાલુ હતાં.

ઐતિહાસિક સફળતાની ઘડીઓ આવી  

વિક્રમની સ્થિતિ દર્શાવતું લીલું ટપકું સતત ગોળાકાર રેખામાં ચન્દ્રની ધરતી નજીક જઈ રહ્યું હતું. ભારત અને ઈસરો ઐતિહાસિક સફળતા તરફ આગળ વધી રહ્યાં હતાં. વિક્રમ ચન્દ્રથી ૪.૪૩ કિલોમીટર દૂર રહ્યું. હવે તેની ઝડપ માત્ર ૮૬ મીટર પ્રતિ સેકન્ડ હતી. એના નિર્ધારિત પ્રવાસમાર્ગથી જરાક નીચે ફંટાયું, પરંતુ તરત જ જરાક રસ્તો બદલીને નિર્ધારિત માર્ગ પર ગોઠવાઈ ગયું.

બે કિલોમીટર દૂર રહ્યું  

હવે ફાઈન બ્રેકિંગ ફેઝ આરંભાયો. જે ચન્દ્ર પર વિક્રમ અડે ત્યારે પૂરો થવાનો હતો. બધા ધડકતા હૃદયે જોઈ રહ્યા હતા. વિક્રમ ચન્દ્રથી ૪ કિલોમીટર ઊંચે હતું. પછી બે કિલોમીટર પર આવ્યું. હવે વિક્રમ નિર્ધારિત પ્રવાસમાર્ગથી ફંટાઈને નીચેની દિશામાં સીધું ઊતરવા લાગ્યું. નક્કી કરેલ સ્થળથી એ એક કિલોમીટર દૂર ઉતરાણ કરશે.

માત્ર ૪૦ મીટર દૂર રહ્યું  

વિક્રમ ચન્દ્રથી માત્ર ૪૦૦ મીટર દૂર રહ્યું, એની સ્પીડ આડી લીટીમાં ૪૮ મીટર અને ઊભી લીટીમાં ૬૮ મીટરની થઈ ગઈ. વિક્રમ ઓર્િબટરથી છૂટું પડયાને ૧૨ મિનિટ ૩૦ સેકન્ડ પૂરી થઈ હતી. બધા આખરી સંકેતની રાહ જોઈ રહ્યા હતા, પરંતુ સ્ક્રીન પર લીલું ટપકું સ્થિર થઈ ગયું છે.

૧૩ મિનિટ ૪૮ સેકન્ડ થઈ. વડાપ્રધાન સહિત બધા બેચેન થઈ ગયા. અધિકારીઓ ઊભા થઈ ભેગા મળી ચર્ચા કરવા લાગ્યા. શું થયું હશે? સંકેત કેમ મળતો નથી.

૧૬ મિનિટ ૧૨ સેકન્ડ થઈ ગઈ. હજી કોઈ સંકેત આવતો નથી. ઓપરેશન હેડઃ પ્રોજેક્ટ ડાયરેક્ટર મુથૈયા વનિતા અને મિશન ડાયરેક્ટર રિતુ કરિધાલ બેચેન થઈ પોતાના સાથીઓ સાથે ચર્ચા કરવા લાગી.

ચાર મિનિટ રાહ જોઈ  

આખરે ઈસરોના વડા કે. સિવનને રિપોર્ટ કરવામાં આવ્યો કે વિક્રમનો સંપર્ક તૂટી ગયો છે. છેક હોઠને અડી ગયેલો કોળિયો ખાઈ શકાયો નહીં. જેટલી ઊંચાઈએ સંપર્ક તૂટયો એનાથી સ્પષ્ટ થતું હતું કે વિક્રમ ક્રેશ લેન્ડ થયું છે અને ખોટકાઈ ગયું છે.

જો વિક્રમનો સંપર્ક ચાલુ રહ્યો હોત તો ચન્દ્રના દક્ષિણ ધ્રુવ પાસે લેન્ડર અને રોવર ઉતારનાર વિશ્વના પ્રથમ દેશ તરીકે ભારતને અપૂર્વ ગૌરવ મળ્યું હોત. ચન્દ્ર પર સોફ્ટ લેન્ડિંગ કરાવવામાં સફળ થનાર રશિયા, અમેરિકા અને ચીન પછીનો ચોથો દેશ બની ગયો હોત. સૌથી મહત્ત્વની સિદ્ધિ એ હતી કે મૂનમિશનમાં ભારત ચીનની સમકક્ષ થઈ જાત. એક સમયે રશિયા-અમેરિકા વચ્ચે સરસાઈની જે હોડ હતી એવી આજે ભારત ચીન વચ્ચે છે. એમાં ભારત ચીનની સમકક્ષ થઈ ગયું હોત!

હતાશ થવાની કોઈ વાત નથી

આમાં જોકે હતાશ થવાની કોઈ વાત નથી. થોડા વખત પહેલાં ઈઝરાયેલ જેવા બધા કામમાં અચૂક સફળતા મેળવનાર દેશનું બેરેશીટ નામનું લેન્ડર પણ ક્રેશ થયું હતું. રશિયા, અમેરિકા અને ચીન સહિત બધા દેશોએ સોફ્ટ લેન્ડિંગના અનેક નિષ્ફળ પ્રયાસો પછી જ સફળતા મેળવી છે.

હજી ચન્દ્ર ફરતે એની સ્થિર ભ્રમણકક્ષામાં ફરી રહેલું ઓરબિટર ૧૦૦ કિલોમીટર ઊંચેથી આઠ વૈજ્ઞાનિક સાધનો અને કેમેરા વડે ચન્દ્ર પરના તત્ત્વો, રેડિયેશન, ચન્દ્રની ધરતીની સ્થિતિ, વાતાવરણના વાયુઓ, અયનોસ્ફિયરમાં કેટલા ઈલેક્ટ્રોન છે એ બધી વિગતો મેળવીને મોકલતું રહેશે.

ઉપરાંત હવે પાંચ વર્ષ પછી ૨૦૨૪માં ચન્દ્રયાન-થ્રી નામે ફરી પ્રયાસ કરીશું અને સફળ થઈને જ રહીશું!!!

[email protected]

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન