નોટબંધીથી ઔદ્યોગિક કામકાજ ઘટતાં ૨૦૧૭માં ઇંધણની માગ ૪૦% ઘટશે 

100

મુંબઈ, તા. ૧૧

નોટબંધીને કારણે જે વિવિધ સેક્ટર્સને અસર થઈ છે એમાં ઓટોમોબાઈલ ક્ષેત્રનો પણ સમાવેશ થાય છે. નોટબંધીને પગલે કાર અને પેસેન્જર વાહનોના વેચાણમાં નવેમ્બર અને ડિસેમ્બરમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે.

યુ.કે. સ્થિત ગ્લોબલ એનર્જી કન્સલ્ટન્સી કંપની વુડ મેકેન્ઝિના રિપોર્ટ મુજબ નોટબંધીને કારણે ભારતમાં બિઝનેસ, ઈન્ડસ્ટ્રીઝ અને કારના વેચાણને જે અસર થઈ છે એને પગલે કેલેન્ડર વર્ષ ૨૦૧૭માં ફ્યુઅલની ડિમાન્ડમાં ૪૦ ટકા જેટલો ઘટાડો થવાનો અંદાજ છે. જોકે, ફ્યૂઅલના સૌથી મોટા વપરાશકાર તરીકે ભારત એનુ વર્તમાન ત્રીજું સ્થાન જાળવી રાખશે. પ્રથમ સ્થાને ચીન અને બીજા સ્થાને અમેરિકા છે.

વુડ મેકેન્ઝિના રિપોર્ટ મુજબ વર્ષ ૨૦૧૭માં ભારતની ફ્યુઅલની દૈનિક ડિમાન્ડ ૪૦ ટકા ઘટીને ૧.૬૦ લાખ બેરલ્સ જેટલી રહેશે જે વર્ષ ૨૦૧૬માં ૨.૭૦ લાખ બેરલ્સ રહી હતી. નોટબંધીને કારણે ભારતમાં ડીઝલ અને પેટ્રોલના વપરાશમાં ઘટાડો થશે. ફ્યુઅલની ડિમાન્ડમાં રિક્વરી થતાં ત્રણથી છ મહિનાનો સમય લાગશે.

ડિસેમ્બરમાં ઔદ્યોગિક ક્ષેત્રના ઉત્પાદનમાં છેલ્લા આઠ વર્ષમાં સૌથી વધુ ઘટાડો થયો હતો. કારના વેચાણમાં છેલ્લા ૧૬ વર્ષમાં સૌથી વધુ ઘટાડો થયો હતો.

સિંગાપુર સ્થિત કન્સલ્ટન્સી કંપની આઈવી ગ્લોબલના રિપોર્ટ મુજબ વર્ષ ૨૦૧૬ના પ્રથમ ત્રણ મહિનાની સરખામણીએ વર્ષ ૨૦૧૭ના પ્રથમ ત્રણ મહિનામાં ભારતમાં ડીઝલની ડિમાન્ડમાં માત્ર બે ટકાનો વધારો થવાની અપેક્ષા છે. વર્ષ ૨૦૧૬ના છેલ્લા ૧૦ મહિનામાં ડિમાન્ડમાં પાંચ ટકાનો વધારો થયો હતો.