ભગવા આતંકવાદ પર રાજકારણ ગરમાયું, કૉંગ્રેસ બોલી 'નથી કહ્યો આ શબ્દ' - Sandesh
  • Home
  • India
  • ભગવા આતંકવાદ પર રાજકારણ ગરમાયું, કૉંગ્રેસ બોલી ‘નથી કહ્યો આ શબ્દ’

ભગવા આતંકવાદ પર રાજકારણ ગરમાયું, કૉંગ્રેસ બોલી ‘નથી કહ્યો આ શબ્દ’

 | 8:13 am IST

કૉંગ્રેસે સોમવારના રોજ કહ્યું કે ‘ભગવા આતંકવાદ’ કંઇ હોતો નથી અને તેને વિશ્વાસ છે કે આતંકવાદને કોઇ ધર્મ કે સમુદાય સાથે જોડી શકાય નહીં. પાર્ટીએ સ્પષ્ટતા કરી કે તેમના નેતા રાહુલ ગાંધી કે પાર્ટીએ કયારેય ‘ભગવા આતંકવાદ’ શબ્દનો ઉપયોગ કર્યો નથી. ઉલ્લેખનીય છે કે 2007ના મક્કા મસ્જિદ વિસ્ફોટ કેસમાં દક્ષિણપંથના સંગઠનના કાર્યકર્તા અસીમાનંદ અને 4 બીજા લોકોને સોમવારના રોજ એક કોર્ટ દ્વારા નિર્દોષ જાહેર કર્યા બાદ ભાજપે કૉંગ્રેસ પર પ્રહારોકરતાં આરોપ મૂકયો કે વિપક્ષી દળોએ ‘ભગવા આતંકવાદ’ શબ્દનો ઉપયોગ કરીને હિન્દુઓને અપમાનિત કર્યા હતા અને રાહુલ ગાંધીએ તેના માટે માફી માંગવી જોઇએ. ત્યારબાદ કૉંગ્રેસની પ્રતિક્રિયા આવી.

આપને જણાવી દઇએ કે 2010ની સાલમાં તત્કાલીન કેન્દ્રીય ગૃહમંત્રી પી.ચિદમ્બરમે પોલીસ અધિકારીઓના એક સંમેલનમાં કહ્યું હતું કે દેશના કેટલાંય બોમ્બ બ્લાસ્ટ પાછળ ભગવા આતંકવાદનો હાથ છે. ભગવા આતંકવાદ દેશ માટે નવો પડકાર બનીને ઉભરી રહ્યાં છે. ચિદમ્બરમના આ નિવેદન પર ભાજપ-શિવસેનાએ સંસદમાં ખૂબ હોબાળો કર્યો હતો. 2013માં તત્કાલીન કેન્દ્રીય ગૃહ મંત્રી સુશીલ કુમાર શિંદે એ પણ જયપુરમાં કૉંગ્રેસની ચિંતન શિબિરમાં ‘હિન્દુ આતંકવાદ’ શબ્દનો ઉપયોગ કર્યો હતો. જો કે બાદમાં તેમણે સ્પષ્ટતા કરી હતી કે આતંકવાદનો કોઇ ધર્મ કે રંગ હોતો નથી.

કૉંગ્રેસ પ્રવકતા પી.એલ.પુનિયાએ કહ્યું કે આતંકવાદ એક ગુનેગાર માનસિકતા છે અને તેને કોઇ ધર્મ કે સમુદાય સાથે જોડી શકાય નહીં. તેમણે ભાજપના આરોપો અંગે પૂછવા પર કહ્યું કે રાહુલ ગાંધી કે કૉંગ્રેસે કયારેય ભગવા આતંકવાદ શબ્દનો ઉપયોગ કર્યો નથી. કૉંગ્રેસ નેતાએ કહ્યું કે આ માત્ર બકવાસ છે. ભગવા આતંકવાદ જેવું કંઇ કહ્યું જ નથી. આતંકવાદ ગુનેગાર માનસિકતા છે તેનાથી ગુનાની ગતિવિધિ થાય છે અને તેને કોઇ ધર્મ કે સમુદાય સાથે જોડી શકાય નહીં.

આપને જણાવી દઇએ કે પોતાના સંસદીય ક્ષેત્ર અમેઠીની મુલાકાત લઇ રહેલ કૉંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આ મુદ્દા પર કોઇ ટિપ્પણી કરી નહોતી. મક્કા બ્લાસ્ટ કેસના આરોપીઓને નિર્દોષ છોડવાના નિર્ણય પર પુનિયાએ કહ્યું કે તેઓ પહેલાં નિર્ણયનો અભ્યાસ કરશે પછી તેના પર વાત કરશે. તેમણે કહ્યું કે જો કે શરૂઆતના સમાચારમાં કહ્યું છે કે પુરાવા આપવામાં આવ્યા નથી અને ઇકબાલિયા નિવેદન અને બીજા દસ્તાવેજ ગુમ છે. પ્રોસિક્યૂશન પક્ષની નિષ્ફળતા છે. નિર્ણય આવ્યા બાદ વાત કરવી યોગ્ય રહેશે.

જો કે કૉંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદે આ કેસમાં એનઆઇએની કામ કરવાની રીત પર પ્રશ્નો ઉઠાવ્યા. પુનિયાએ કહ્યું કે 4 વર્ષ પહેલાં સરકાર બન્યા બાદથી આ (નિર્દોષ છોડવા) દરેક મામલામાં થઇ રહ્યું છે…. લોકોને એજન્સીઓ પરથી વિશ્વાસ પૂરો થઇ રહ્યો છે.

જ્યારે આ ચુકાદા અંગે પૂછવા પર પૂર્વ કેન્દ્રીય ગૃહ મંત્રી અને કૉંગ્રેસ નેતા શિવરાજ પાટિલે કહ્યું કે નિર્ણય વાંચ્યા વગર કંઇ કહી શકાય નહીં. ‘ભગવા આતંકવાદ’ને લઇ ભાજપના પ્રહારો સાથે જોડાયેલા પ્રશ્નના જવાબમાં પાટિલે પલટવાર કરતાં કહ્યું કે શું મેં કયારેય આ શબ્દનો ઉપયોગ કર્યો? આ આતંકવાદનો મામલો છે. શું કોર્ટના આરોપ પત્રમાં આ શબ્દ (ભગવા કે હિન્દુ) છે? પૂર્વ ગૃહમંત્રી પી.ચિદમ્બરમ અને સુશીલ કુમાર શિંદે અને મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી દિગ્વિજય સિંહ સહિત વરિષ્ઠ કૉંગ્રેસ નેતાઓ દ્વારા આ આશય અંગેના નિવેદનો પર પૂછતા કહ્યું કે તમે આ પ્રશ્નનો જવાબ એ લોકોને પૂછો જેમણે આવું કહ્યું છે.