Nothing is known of the city's hospitals refused to treat the mother card
  • Home
  • Ahmedabad
  • Operationઓ‘મા’: મા કાર્ડ હેઠળ સારવાર આપવાની કેટલીક જાણીતી હોસ્પિટલોના ઠાગાઠૈયા

Operationઓ‘મા’: મા કાર્ડ હેઠળ સારવાર આપવાની કેટલીક જાણીતી હોસ્પિટલોના ઠાગાઠૈયા

 | 10:04 am IST

સંદેશના ઓપરેશન ‘મા’ અંતર્ગત ગરીબો પાસેથી રૂપિયા પડાવતા એજન્ટો, સરકારના છીંડા અને હોસ્પિટલોના કાળા કારનામાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ત્યારે આજે શહેરની અન્ય બે નામાંકિત હોસ્પિટલના ડોક્ટરોની પોલ ખુલ્લી પાડવામાં આવી છે. મા કાર્ડ હેઠળ સારવાર આપતી ખાનગી હોસ્પિટલો જો યોજનાનું પેકેજ તેમને પરવડતું હોય તો જ સારવાર કરવાની હા પાડે છે, નહીં તો સ્પષ્ટ ઇનકાર કરી દે છે, એ સત્યને ઉજાગર કરતું એક સ્ટિંગ ઓપરેશન સંદેશએ કર્યું હતું. આ સ્ટિંગમાં સૌરાષ્ટ્રના એક નાના ગામડાના આશરે ૫૦ વર્ષના દર્દીને અમદાવાદની બે જાણીતી હોસ્પિટલ – સાલ હોસ્પિટલ અને સેવિયર હોસ્પિટલે મા કાર્ડ હેઠળ કિડની સંબંધિત સારવાર આપવાની ના પાડી દીધી હતી.

ગામડાના આ દર્દી કિડની સંબંધિત બીમારી ધરાવે છે એવું નિદાન રાજકોટની એક હોસ્પિટલમાં વિવિધ ટેસ્ટ કરાવ્યા તે પછી થયું હતું. દર્દી મા કાર્ડ ધરાવતા હોવાથી અમદાવાદની હોસ્પિટલમાં સારી સારવાર થશે એવા આશયથી દર્દીના સગાં તેમને ૧૬ ઓગસ્ટ, ૨૦૧૮ના રોજ અમદાવાદ લઇને આવ્યા હતા. મા યોજનાના હેલ્પલાઇન નંબર પર ફોન કરીને તેમણે સાલ હોસ્પિટલમાં કિડનીની સારવાર થશે એવી જાણકારી મેળવી હતી. તે પછી તેઓ સાલમાં પહોંચ્યા હતા. જોકે સાલ હોસ્પિટલના મા કાર્ડ ઇન્ચાર્જે સ્પષ્ટપણે કહી દીધું હતું કે અંહી મા કાર્ડ હેઠળ કિડનીની સારવાર નહીં થાય, પણ જો રોકડા પૈસા હશે તો સારવાર થઇ જશે. ના પાડવા માટે આ કર્મચારીએ એવું બહાનું કાઢયું હતું કે સાલમાં ફક્ત હાર્ટમાં એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટી જ થાય છે, કિડની માટેની મંજૂરી હજી સરકાર તરફથી મળી નથી અને પ્રોસેસમાં છે. વાત વાતમાં સાલના કર્મચારીએ એમ પણ કહી દે છે કે મા કાર્ડમાં સેવા કરતાં હોસ્પિટલ બહુ થાકી ગઇ છે અને મા યોજના અંતર્ગત કિડનીના પેકેજ ઓછા છે એટલે અમુક હોસ્પિટલો જ સારવાર આપે છે. વાત અહીં પૂરી થતી નથી. પછી દર્દીના સગાંએ મા યોજનાના ટોલ ફ્રી હેલ્પલાઇન પર ફોન કર્યો હતો અને સાલ હોસ્પિટલમાં કિડનીની સારવાર આપવાની ના પાડે છે એમ કહ્યું હતું. આથી હેલ્પલાઇન નંબર પરના કર્મચારીએ સાલ હોસ્પિટલના સરકાર દ્વારા ટ્રેન થયેલા આરોગ્ય મિત્ર બહેન સાથે વાત કરી હતી. જે વાતચીતમાં આરોગ્ય મિત્ર બહેને કબૂલ્યું હતું કે સાલમાં કિડનીનું ક્લસ્ટર છે, પણ ડોકટર ખુદ જ ના પાડે છે એટલે અહીં કિડનીની સારવાર કરાતી નથી. વધુ ચોંકાવનારી વાત એ છે કે સાલ હોસ્પિટલ નિયમ મુજબ કામ કરતી નથી એવી કબૂલાત આરોગ્ય મિત્રએ કરી તેમ છતાં હેલ્પલાઇનનો કર્મચારી તેમને નિયમને અનુસરવાની શિખામણ આપવાને બદલે દર્દીને બીજી હોસ્પિટલ સજેસ્ટ કરવાની સૂચના આપે છે. હેલ્પલાઇન કર્મચારી અને સાલના આરોગ્ય મિત્ર વચ્ચેની વાતચીતની ઓડિયો ટેપ પણ સંદેશ પાસે ઉપલબ્ધ છે.

સાલમાં ધરમધક્કો પડયો તે પછી દર્દીના સગાંએ ફરીથી મા યોજનાના હેલ્પલાઇન નંબર પર ફોન કરીને પૂછતાં સેવિયર હોસ્પિટલમાં સારવાર થઇ જશે એવી જાણકારી અપાઇ હતી. આથી સગા દર્દીને લઇને સેવિયર હોસ્પિટલમાં પહોંચ્યા હતા. જોકે ત્યાં પણ તેમને કહેવાયું હતું કે, જો ફક્ત ડાયાલિસીસ કરવાનો હશે તો અહીં મા કાર્ડ હેઠળ થઇ જશે પરંતુ દવા લઇને સારવાર કરવાની હશે તો મા કાર્ડ હેઠળ નહીં થાય. એટલું જ નહીં, આ હોસ્પિટલ તો એટલી બેફિકર હતી કે તેના કર્મચારીએ એમ પણ કહી દીધું હતું કે અમારી હોસ્પિટલમાં જે ડોકટર કિડનીની સારવાર આપે છે તે અત્યારે ઉપલબ્ધ નથી એટલે તમે અત્યારે તેમની પ્રાઇવેટ હોસ્પિટલમાં જઇને બતાવી આવો અને તે પછી જો ડાયાલિસીસની જરૂર હશે તો અંહી મા કાર્ડ હેઠળ થઇ જશે. આ ડોકટરને જો ફોન કરીને બોલાવવામાં આવે તો જ તેઓ હોસ્પિટલમાં આવે છે એવું પણ કર્મચારી કહે છે. આનો સીધો અર્થ એવો પણ થઇ શકે કે જો કોઇ દર્દી પૈસા ખર્ચીને સારવાર લેવા તૈયાર હોય હોસ્પિટલ તરત જ ફોન કરીને ડોકટરને બોલાવે પણ મા કાર્ડ ધરાવતો દર્દી આવે તો તેને ડોકટરની ખાનગી હોસ્પિટલમાં જઇને બતાવવાનું કહેવામાં આવે.

આ સ્ટિંગ ઓપરેશન પછી સંદેશે મા યોજનાના નોડલ ઓફિસર ડો. નીતેશ શાહને પૂછતાં તેમણે જણાવ્યું હતું કે અમદાવાદની સાલ અને સેવિયર હોસ્પિટલ મા યોજના અંતર્ગત કિડનીના આખા ક્લસ્ટર માટે સારવાર આપવા માટે એમ્પેનલ્ડ થયેલી છે અને તેમણે કિડની સંબંધિત યોજના અંતર્ગત માન્ય કરાયેલી તમામ સારવાર આપવી જ પડે.

સંદેશ આપની સહાય કરવા સદાય તત્પર

મા કાર્ડ હેઠળ સારવાર લેતા કોઇ પણ દર્દીને હોસ્પિટલ કે અધિકારીઓ આડોડાઇ કરી ધક્કે ચડાવતા હોય તો તમે આ અંગેની તમામ વિગતો સાથેની લેખિત રજૂઆત અહીં આપેલા સરનામે મોકલી શકો છો. આપની દુવિધાનું નિવારણ કરવા માટે સંદેશ તમને શક્ય હશે તે તમામ મદદ કરવા પ્રયત્ન કરશે.

જય પટેલ (સીએસઆર ડિપાર્ટમેન્ટ)

સંદેશ ભવન, લાડ સોસાયટી રોડ, વસ્ત્રાપુર, બોડકદેવ, અમદાવાદ – ૩૮૦૦૫૪

પૈસા હોય તો એડમિટ થાઓ નહિતર બીજી ત્રણ હોસ્પિટલ છે : સાલ હોસ્પિટલનો નફ્ફટ જવાબ

સાલ હોસ્પિટલમા મા કાર્ડ હેઠળ કિડનીની બીમારીની સારવાર લેવા ગયેલા દર્દીના સગાંને નફ્ફટાઈ ભર્યો જવાબ સંભળાવ્યો હતો. હોસ્પિટલના કર્મીએ સગાને કહ્યુ હતુ કે, અમને હજુ એપ્રૂવલ મળી નથી. હાલમાં એન્જિયોગ્રાફી અને એન્જિયોપ્લાસ્ટીની જ એપ્રૂવલ છે. બાકી બધુ પ્રોસેસમાં છે. રોજ ચાર-પાંચ માણસ આવે છે અમે ચોખ્ખી વાત કરીને જ સમજાવીએ છીએ. હવે તમને ચોખ્ખી સલાહ આપુ તો તમને કિડનીનો પ્રોબ્લમ છે તો પૈસા ખર્ચવા હોય તો અહીંયા એડમિટ થઈ જાઓ નહિતર બીજી ત્રણ હોસ્પિટલ છે ત્યાં જતા રહો. આમ સાલ હોસ્પિટલે મા કાર્ડમાં એડમિટ કરવાની તદ્દન ના પાડી હતી અને જો એડમિટ થવું હોય તો પૈસા ભરવાનું જણાવ્યું હતું.

મા કાર્ડ હોવા છતાં રાજ્યની કેટલીક ખાનગી હોસ્પિટલો રિપોર્ટના પૈસા અલગથી લે છે

સાલ હોસ્પિટલમાં ગયેલા કિડનીના દર્દીના સગાને મા કાર્ડ હેઠળ ઓપરેશન કરવાની ધરાર ના પાડી દીધી હતી અને અન્ય હોસ્પિટલમાં જવાનું કહ્યંુ હતું. દરમિયાન સગાએ ડોકટર્સને પૂછયંુ હતું કે, બીજી હોસ્પિટલમાં મા કાર્ડમાં રિપોર્ટને બધંુ થઈ જશે ને ત્યારે ડોક્ટર્સે એવો પ્રત્યુત્તર આપ્યો હતો કે, કિડનીના પેકેજ ઓછા બનાવ્યાં છે, એટલે અમુક-અમુક હોસ્પિટલમાં રિપોર્ટના પૈસા અલગથી લેવામાં આવે છે. બધી હોસ્પિટલનું અલગ-અલગ હોય છે. આમ ખાનગી હોસ્પિટલો દ્વારા મા કાર્ડમાં સારવાર લેવા આવતા દર્દીઓ પાસેથી રિપોર્ટના નામે પણ મોટી લૂંટ ચલાવવામાં આવતી હોવાનું આ ઘટના પરથી ફલિત થાય છે.

સાલ હોસ્પિટલમાં આરોગ્ય મિત્રની જગ્યાએ તો ડોક્ટર જ મા કાર્ડના કાઉન્ટર પર બેસે છે

જે ખાનગી હોસ્પિટલો મા યોજના સાથે જોડાયેલી છે તે તમામ હોસ્પિટલમાં મા યોજનાનું એક કાઉન્ટર હોય છે. જેમાં આરોગ્ય મિત્ર બેસાડવામાં આવતા હોય છે. જેને સરકાર દ્વારા જરૂરી તમામ ટ્રેનિંગ પણ અપાવામાં આવતી હોય છે. જેથી દર્દી આરોગ્ય મિત્ર પાસે જાય તો તેને કોઇ તકલીફ ન પડે. પરંતુ સાલ હોસ્પિટલના તબીબોએ તો આ મા કાર્ડના કાઉન્ટરને પોતાના તાબા હેઠળ લઈ લીધુ હોવાની વિગતો સામે આવી છે. આ હોસ્પિટલમાં મા યોજનાની માહિતી પૂરી પાડતા કાઉન્ટર પર ડો.પ્રણવ આરોગ્ય વિભાગના મા યોજનાનો યુનિફોર્મ પેરીને બેઠા હોય છે અને તે પોતે જ મા કાર્ડ નહીં ચાલે તેવું કહી દર્દીને પગથિયેથી જ પરત મોકલી દે છે. જોકે એક માહિતી પ્રમાણે આ પોતાની ઓળખાણ ડો.પ્રણવ તરીકે આપતા શખ્સ મા યોજનાના કર્મચારી નહીં પણ સાલ હોસ્પિટલના જ હોવાનું બહાર આવ્યું છે.

સરકારને સવાલ

૧. ક્લસ્ટર હોવા છતાં હોસ્પિટલના ડોક્ટરના કહેવા પર દર્દીને સારવાર આપવાની ના પાડવામાં આવે અને આરોગ્ય મિત્ર પણ તેમા સહમત થાય તો તેની સામે કેમ કાર્યવાહી નથી કરાતી ?

૨. મા યોજનાની હેલ્પ લાઇન પર ફરિયાદ કરવામાં આવે ત્યારે કર્મચારી દ્વારા દર્દીની મદદ કરવાના સ્થાને તેમને બીજે જવાની સલાહ અપાય ત્યારે કર્મચારી સામે પગલાં કેમ લેવાતા નથી ?