જોકોવિચ યુએસ ઓપનમાં ચેમ્પિયન, 14મું ગ્રાન્ડ સ્લેમ જીતી સામ્પ્રાસના રેકોર્ડની કરી બરાબરી - Sandesh
  • Home
  • Sports
  • જોકોવિચ યુએસ ઓપનમાં ચેમ્પિયન, 14મું ગ્રાન્ડ સ્લેમ જીતી સામ્પ્રાસના રેકોર્ડની કરી બરાબરી

જોકોવિચ યુએસ ઓપનમાં ચેમ્પિયન, 14મું ગ્રાન્ડ સ્લેમ જીતી સામ્પ્રાસના રેકોર્ડની કરી બરાબરી

 | 11:31 am IST

ર્સિબયાના સ્ટાર ખેલાડી નોવાક જોકોવિચે જુઆન માર્ટિન ડેલ પોટ્રોને પરાજય આપી ત્રીજી વખત યુએસ ઓપનનું ટાઇટલ જીતી લીધું છે અને તેણે પેટ સામ્પ્રાસના ૧૪ ગ્રાન્ડ સ્લેમ જીતવાના રેકોર્ડની બરાબરી કરી લીધી છે. આઠમી વખત યુએસ ઓપનની ફાઇનલમાં રમનાર જોકોવિચે પોટ્રો સામે ૬-૩, ૭-૬, ૬-૩થી વિજય મેળવ્યો હતો.જોકોવિચ આ પહેલાં ૨૦૧૧ અને ૨૦૧૫માં પણ અહીં ચેમ્પિયન બન્યો હતો અને ગ્રાન્ડ સ્લેમ જીતવાના મામલે નડાલથી ત્રણ અને ફેડરરથી છ ટાઇટલ પાછળ છે. રોજર ફેડરરે ૨૦ અને નડાલે ૧૭ ગ્રાન્ડ સ્લેમ જીત્યા છે. જોકોવિચ ગત વર્ષે કોણીની ઈજાને કારણે યુએસ ઓપનમાંથી ખસી ગયો હતો. જોકોવિચે આ પહેલાં જુલાઈમાં વિમ્બલ્ડનનું ટાઇટલ જીત્યું હતું.

વિશ્વમાં ત્રીજો ક્રમાંક ધરાવતા ડેલ પોટ્રો નવ વર્ષ બાદ યુએસ ઓપનની ફાઇનલમાં પહોંચ્યો હતો જ્યાં જોકોવિચ સામે હાર મળી હતી. પોટ્રોનો જોકોવિચ સામે આ ૧૫મો અને ગ્રાન્ડ સ્લેમમાં પાંચમો પરાજય હતો.

જોકોવિચની આ જીત બાદ છેલ્લા ૫૫માંથી ૫૦ ગ્રાન્ડ સ્લેમ બિગ ફોર એટલે કે, ફેડર, નડાલ, જોકોવિચ અથવા એન્ડી મરેએ જીત્યા છે. ભારે વરસાદને કારણે આર્થર એશ સ્ટિડેયમની છત બંધ કરી દેવાઈ હતી. જોકોવિચે પ્રથમ સેટમાં ૫-૩ની લીડ મેળવી લીધી હતી. તે પછી ૨૨ શોટની રેલી બાદ પ્રથમ સેટ જીતી લીધો હતો. ડેલ પોટ્રોએ બીજા સેટમાં વાપસીનો પ્રયાસ કર્યો હતો પરંતુ જોકોવિચે ટાઇબ્રેકરમાં આ સેટ જીતી લીધો હતો. ત્રીજા સેટમાં પોટ્રો ઘણો થાકી ચૂક્યો હતો અને જોકોવિચે ત્રીજો સેટ ૬-૩થી જીતી ટાઇટલ જીતી લીધું હતું.

જોકોવિચના સિંગલ્સ ગ્રાન્ડ સ્લેમ
ઓસ્ટ્રેલિયન ઓપન: ૬ (૨૦૦૮,૨૦૧૧,૨૦૧૨,૨૦૧૩,૨૦૧૫,૨૦૧૬)
ફ્રેન્ચ ઓપન: ૧ (૨૦૧૬)
વિમ્બલ્ડન: ૪ (૨૦૧૧,૨૦૧૪,૨૦૧૫,૨૦૧૮)
યુએસ ઓપન: ૩ (૨૦૧૧, ૨૦૧૫, ૨૦૧૮)

જોકોવિચ બીજા સ્થાને પહોંચ્યો
યુએસ ઓપનમાં ચેમ્પિયન બનતાં જોકોવિચ ચાર સ્થાનના ફાયદા સાથે બીજા ક્રમે પહોંચી ગયો છે. રફેલ નડાલે ટોચનું સ્થાન જાળવી રાખ્યું છે. નડાલના ૭,૪૮૦ પોઇન્ટ છે જ્યારે જોકોવિચના ૬,૪૪૫ પોઇન્ટ થઈ ગયા છે અને તેની પાસે વર્ષના અંતે નંબર વનનું સ્થાન મેળવવાની પણ તક છે. ફાઇનલમાં જોકોવિચ સામે પરાજય મેળવનાર ડેલ પોટ્રોએ ત્રીજું સ્થાન જાળવી રાખ્યું છે પરંતુ યુએસ ઓપનના ચોથા રાઉન્ડમાં પરાજય મેળવનાર રોજર ફેડરર બે સ્થાનના નુકાસાન સાથે ચોથા ક્રમે ધકેલાઈ ગયો છે. જર્મનીનો એલેક્ઝાન્ડર ઝવેરેવ પાંમા, મારિન સિલચ છઠ્ઠા, કેવિન એન્ડરસન સાતમા ડોમિનિક થિયામ આઠમા જ્હોન ઇસનેર નવમા અને કેઇ નિશિકોરી ૧૦મા ક્રમે છે.

નાઓમી ઓસાકા ટોપ-૧૦માં
યુએસ ઓપનમાં મહિલા સિંગલ્સનું ટાઇટલ જીતનાર જાપાનની ૨૦ વર્ષીય નાઓમી ઓસાકા ટોપ-૧૦માં પહોંચી ગઈ છે. ઓસાકાએ ૧૨ સ્થાનની છલાંગ લગાવી સાતમો ક્રમાંક મેળવી લીધો છે જ્યારે રનર અપ રહેલી સેરેના વિલિયમ્સ ૧૦ સ્થાનના ફાયદા સાથે ૧૬મા ક્રમે પહોંચી ગઈ છે. ગત વર્ષની ચેમ્પિયન સ્લોએન સ્ટીફન્સ છ સ્થાનના નુકસાન સાથે નવમા ક્રમે ધકેલાઈ ગઈ છે. યૂક્રેઇની લેસિયા સુરેન્કોએ કારકિર્દીનો સર્વશ્રેષ્ઠ ક્રમાંક મેળવતાં ૧૦ સ્થાનના ફાયદા સાથે ૨૬મો ક્રમાંક મેળવ્યો હતો જ્યારે ડોમિનિકા સિબુલ્કોવા છ સ્થાનના ફાયદા સાથે ૨૯મા ક્રમે પહોંચી હતી. મારિયા શારાપોવાને બે સ્થાનનું નુકસાન થતાં ૨૪મા ક્રમે ધકેલાઈ ગઈ છે.