હવે અમેરિકાને પાકિસ્તાન કેમ ખટકવા માંડયું? - Sandesh
NIFTY 10,700.45 -41.10  |  SENSEX 34,771.05 +-72.46  |  USD 64.0325 +0.55
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • હવે અમેરિકાને પાકિસ્તાન કેમ ખટકવા માંડયું?

હવે અમેરિકાને પાકિસ્તાન કેમ ખટકવા માંડયું?

 | 4:12 am IST

આખા દક્ષિણ એશિયામાં અમેરિકા પાસેથી મદદ મેળવનારો સૌથી મોટો દેશ પાકિસ્તાન છે. આ મામલે તે ફક્ત અફઘાનિસ્તાનથી પાછળ છે. અમેરિકાના વિદેશમંત્રાલય ઉપરાંત પાકિસ્તાનને અફઘાનિસ્તાનમાં અમેરિકી અભિયાન પર આવતા ખર્ચના નાણાં પણ મળે છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પે સોમવારે કરેલી ટ્વિટ બાદ અમેરિકાએ પાકિસ્તાનને અપાનારી ૨,૫૫૦ લાખ ડોલરની સૈન્ય મદદ રોકી દીધી છે.

કેટલા દેશોને મદદ કરે છે અમેરિકા ?

સીજીડીના આંકડા મુજબ વર્ષ ૨૦૧૫માં અમેરિકાએ દુનિયાના લગભગ ૧૪૪ દેશોને મદદ કરી હતી. રિપોર્ટમાં ૧૯૯૫થી લઇને ૨૦૧૫ સુધીના આંકડાનો ઉલ્લેખ છે. ૧૯૯૫માં અમેરિકી મદદ મેળવનારા ટોચના ૧૫ દેશોની યાદીમાં પાકિસ્તાનનું નામ ન હતું. પરંતુ વર્ષ ૨૦૦૧માં થયેલી ૯/૧૧ હુમલા બાદ પાકિસ્તાન એ યાદીમાં સ્થાન મેળવી શક્યું એટલું જ નહીં પણ અમેરિકાની મદદ મેળવનારા દેશમાં ટોપ ટેનમાં પહોંચી ગયું.

મદદમાં સતત ઘટાડો : છેલ્લા કેટલાંક સમયથી પાકિસ્તાનને અપાતી મદદમાં અમેરિકા કાપ મૂકી રહ્યું છે. ખાસ કરીને રાષ્ટ્રપતિ ટ્રમ્પના શાસનમાં પાકિસ્તાનને અપાતી આર્થિક મદદમાં સતત ઘટાડો કરાઇ રહ્યો છે. વર્ષ ૨૦૧૬-૧૭માં પાકિસ્તાનને અમેરિકી વિદેશ મંત્રાલયના બજેટ હેઠળ ૫૩.૪ કરોડ ડોલરની મદદ મળી હતી, જેમાં ૨૨.૫ કરોડ ડોલરની વિદેશી સૈન્ય ફંડિંગ પણ સામેલ હતી.

અમેરિકાની મદદના પાંચ પરિમાણ

અમેરિકા જે દેશોને આર્થિક મદદ કરે છે, તેઓને એક અધિનિયમ હેઠળ નાણાં અપાય છે. ફંડિંગ પાછળ સૈન્ય મદદ, અસૈન્ય સુરક્ષા, રાજનૈતિક અને રણનીતિક વિકાસ, માનવતા, બહુપક્ષીય વિકાસ અને દ્વિપક્ષીય વિકાસને આધાર તરીકે જોવાય છે. દ્વિપક્ષીય વિકાસ અને સૈન્ય મદદ તરીકે અપાતા નાણાં હાલના વર્ષોમાં સામાન્ય રીતે બે મદદમાં અપાતી રકમ કરતાં વધુ હોય છે.

આઝાદી પછીથી જ મદદ અપાઇ રહી હતી

ભારતના ભાગલા બાદથી પાકિસ્તાનને અમેરિકાની મદદ મળતી રહી છે. જો કે પાકિસ્તાનને મળતી આ રકમની એક નિશ્ચિત મર્યાદા હતી. પરંતુ ૨૦૦૧માં ૯/૧૧ હુમલા બાદ અમેરિકાએ પાકિસ્તાન માટે મદદ માટે ખજાનો જ જાણે ખોલી દીધો હતો. ૧૯૫૧થી ૨૦૧૧ સુધી અમેરિકા પાકિસ્તાનને ૬૭ અબજ ડોલરની મદદ આપી ચૂક્યું હતું. બરાક ઓબામાના શાસન દરમિયાન ૨૦૦૯માં પાકિસ્તાનની મદદ માટે કેરી લુગર વિધેયક મંજૂર કરવામાં આવ્યું હતું. વર્ષ ૨૦૧૦થી ૨૦૧૪ સુધી ૭.૫૦ અબજ ડોલરની અસૈન્ય મદદ કરવા માટેના આ વિધેયકને વ્હાઇટ હાઉસે પાકિસ્તાન માટે વ્યાપક સમર્થન તરીકે રજૂ કરાયું હતું.

પાકિસ્તાનને મદદ કેમ કરાય છે ?

પાકિસ્તાન વાસ્તવમાં ફક્ત આતંકીઓને આશ્રયદાતા જ નથી, જાતે પણ આતંકનો ભોગ બનેલું છે. પાકિસ્તાનમાં ડઝનેક સક્રિય આતંકવાદી સંગઠન છે. એ ઉપરાંત ૯/૧૧ હુમલાનો સૌથી મોટો ગુનેગાર ઓસામા બિન લાદેન પણ પાકિસ્તાનની ધરતી પર રહેતો હતો, ત્યાં જ ઠાર મરાયો હતો. પાકિસ્તાનને આર્થિક અને સૈન્ય મદદ આપવા પાછળ અમેરિકાનો હેતુ આતંક વિરૂદ્ધની લડાઇનો રહ્યો છે. વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર હુમલા બાદ અમેરિકાએ એટલી બધી મદદ કરી છે કે તેના બજેટનો અડધો હિસ્સો સૈન્ય મદદરૂપે જ અપાતો રહ્યો છે. શિક્ષણ અને બીજી મદદરૂપે ફક્ત ૨૫ ટકા જ ફંડ અપાયું હતું. સીજીડીના મતે વર્ષ ૨૦૦૨થી ૨૦૦૯ દરમિયાન સૈન્ય મદદને છોડીને બાકીની તમામ મદદમાં પાકિસ્તાનને અમેરિકાથી માત્ર ૩૦ ટકા ફંડ મળતું હતું. જ્યારે ૭૦ ટકા મદદ સૈન્ય ક્ષેત્રમાં અપાઇ હતી. જો કે વર્ષ ૨૦૧૦થી ૨૦૧૪ દરમિયાન સૈન્ય મદદમાં કેટલીક ઘટ આવી જ્યારે આર્થિક સામાજિક ક્ષેત્રો માટે જે ફંડ અપાયું તે લગભગ ૪.૧ ટકા હતું.

ટ્રમ્પની નજરમાં આ રીતે પાકિસ્તાન પછડાતું રહ્યું

મે ૨૦૧૭માં સાઉદી અરેબિયાના પ્રવાસમાં ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના ભાષણમાં પાકિસ્તાનનો ઉલ્લેખ સુધ્ધાં કર્યો ન હતો. જો કે કટ્ટરપંથી શક્તિની સામે ભારતના વલણનું સમર્થન કર્યું હતું.મે ૨૦૧૭માં જ પાકિસ્તાનને અપાનારી સૈન્ય મદદમાં ભારે કાપ મૂકવા ઉપરાંત ટ્રમ્પ સરકારે એ રકમ લોન પેટે અપાઇ શકે છે.ઓગસ્ટ ૨૦૧૭માં ટ્રમ્પે કહ્યું હતું કે અમેરિકા કોઇ પણ સ્થિતિમાં એ સહન નહીં કરે કે પાકિસ્તાન કટ્ટરપંથીઓ માટે સુરક્ષિત આશ્રય બની રહ્યું છે. અમે પાકિસ્તાનને અબજો ડોલર આપતા રહ્યા અને તે એ જ સમયે આતંકીઓને આશ્રય આપતું રહ્યું છે, જેની સામે અમે લડી રહ્યા છીએ. તે વલણ બદલવું પડશે અને તે સ્થિતિ જલ્દીથી બદલાવી જોઇએ. અફઘાનિસ્તાનમાં અમારા પ્રયાસોની સાથે સહયોગી બનવામાં પાકિસ્તાનને ફાયદો છે. પરંતુ આતંકીઓને મદદ કરતા રહેવામાં મોટું નુકસાન છે. જાન્યુઆરી ૨૦૧૮માં ટ્રમ્પે ટ્વિટ કરતાં કહ્યું કે છેલ્લા ૧૫ વર્ષથી પાકિસ્તાન અમેરિકાને બેવકૂફ બનાવી ૩૩ અબજ ડોલરની સહાયતા મેળવી ચૂક્યું છે અને તેણે બદલામાં અમેરિકાને ફક્ત જુઠ્ઠાણું અને છેતરપિંડી સિવાય કશું આપ્યું નથી. તે આપણા નેતાઓને બેવકૂફ સમજે છે. તે એ આતંકીઓને સુરક્ષિત આશ્રય આપે છે, જેને અમેરિકા અફઘાનિસ્તાનમાં શોધી રહ્યું છે. હવે વધુ સહન નહીં કરાય.