હવે તૂટેલાં હાડકાં સાંધવા માટે પરંપરાગત પ્લાસ્ટર નહીં એક જાળી જ પહેરવી પડશે! - Sandesh
 • Home
 • Health & Fitness
 • હવે તૂટેલાં હાડકાં સાંધવા માટે પરંપરાગત પ્લાસ્ટર નહીં એક જાળી જ પહેરવી પડશે!

હવે તૂટેલાં હાડકાં સાંધવા માટે પરંપરાગત પ્લાસ્ટર નહીં એક જાળી જ પહેરવી પડશે!

 | 3:07 am IST

હાડકું ભાંગ્યું હોય કે માઇનોર ક્રેક પડી હોય અને પ્લાસ્ટર બંધાય ત્યારે ખ્યાલ આવે કે પ્લાસ્ટર કેટલું અકળાવનારું હોય છે. બિલકુલ અસુવિધાજનક અને લાંબા સમયે તેમાં કળતર થવા માંડે ત્યારે તો હેરાન થઈ જવાય. ક્યારેક તો તેમાં કીડી કે માંકડ ભરાઈ જાય તો તો હેરાન થઈ જવાય. પરસેવો પણ વળે, તેથી તેની પણ ખંજવાળ આવે. ટૂંકમાં પ્લાસ્ટર એટલે જાણે એક સજા જ થઈ ગઈ સમજો. હવે એ સજામાંથી છુટકારો મળે તથા નવી ફેશન પણ લાગે એવું એક અનોખું મટિરિયલ આવી રહ્યું છે !  અમેરિકાની એક સ્ટાર્ટઅપે હળવા વજનનું, હવાની અવરજવર થઈ શકે એવું અને વોટરપ્રૂફ એવો વિકલ્પ શોધી કાઢયો છે, જેને કારણે તમે પાણીમાં કામ કરી શકો છો ! કાસ્ટ ૨૧ની એક જાળી દર્દીના હાથ પર લગાવીને તેના પર એક પ્રવાહી રસાયણ તેમાં ભરી દઈને પ્લાસ્ટર કરી દેવામાં આવે છે.

વિશ્વભરમાં DR ફ્રેક્ચરનું પ્રમાણ

નેશનલ સેન્ટર ફોર બાયોટેકનોલોજી ઇન્ફોર્મેશનના ૨૦૧૯ના રિપોર્ટ મુજબ વિશ્વભરમાં DR ફ્રેક્ચરનું પ્રમાણ વધી રહ્યું છે.

હાલમાં ફ્રી, પાછળથી સ્પર્ધાત્મક ભાવે

હાલમાં કાસ્ટ ૨૧ માટે કોઇ પૈસા લેવાતા નથી અને શક્ય હોય ત્યાં સુધી બધાની એ દ્વારા સારવાર કરાય છે. પરંતુ સમય જતાં સ્પર્ધાત્મક ભાવે મોટા સમુદાયને એ સારવાર મળે એ દિશામાં કામ કરી રહ્યા છીએ.

કાસ્ટ ૨૧થી તમે રોજિંદા કામ પણ કરી શકશો !

કાસ્ટ ૨૧ના ઇજનેરી વિભાગના વાઇસ પ્રેસિડન્ટ વેરોનિકા હોગે જણાવ્યું હતું કે, અમારી કલ્પના એવી છે કે તમે સારવારનો પણ આનંદ લઇ શકો છો. તમારા રોજિંદા કામોને પણ સીમિત કરવાની જરૂર નથી. શિકાગો સ્થિત કાસ્ટ ૨૧ કંપનીએ પરંપરાગત પ્લાસ્ટરની વધુ સમય લેતી જટીલ પ્રક્રિયાને મિનિટોમાં પૂરી થઇ જતી હળવીફુલ કરી દીધી છે.

ફ્રેક્ચરનું માપ લો અને જાળી બનાવી તેમાં રસાયણ રેડો એટલે મિનિટોમાં કામ પૂરું

પરંપરાગત પ્લાસ્ટરની જેમ પૂંઠા મૂકવાની કે તેના ઉપર પ્લાસ્ટર લગાડવાની અને પાટાવિંટવાની જરૂર નવી ટેક્નોલોજીમાં પડતી નથી. ફિઝિશિયનોએ એક મેઝરટેપનો ઉપયોગ કરી ક્ષતિગ્રસ્ત અંગને માપવાનું રહે છે. એક વખત ચોક્કસ માપ લેવાઇ જાય એટલે એ માપની જાળી દર્દીના હાથ પર પહેરાવી દે છે. પેટન્ટ લેવાયેલી છે, એવું પ્રવાહી એ જાળીમાં રેડવામાં આવે છે, તે આખી જાળીમાં ફેલાઇ જાય છે અને ત્રણ મિનિટમાં જ તે બધે ફરી વળે છે, એ બાદ ડોક્ટર તેને ફિટ કરી દે છે અને પાંચથી સાત મિનિટમાં તે નક્કર રૂપ લઇ લે છે.

થ્રી ડી પ્રિન્ટેડ પ્લાસ્ટર કરતાં સસ્તું

વોટરપ્રુફ અને થ્રી ડી પ્રિન્ટેડ પ્લાસ્ટર અત્યારે અમેરિકા અને યુરોપમાં મળે છે, પરંતુ તેની પાછળ સેંકડો ડોલરનો ખર્ચ થાય છે. અત્યારે તો દર્દીએ કાસ્ટ ૨૧ હાથ માટે પ્રિન્ટેડ કરી અપાય અને પહોંચાડાય એમાં દિવસોની વાટ જોવી પડે છે. એ મોંઘંુ પણ પડે છે અને તેમાં કલાકો નીકળી જાય છે, જ્યારે કાસ્ટ ૨૧ ડિઝાઇન તત્કાળ થઇ જાય છે.

પ્લાસ્ટર એટલે બિનઆરોગ્યપ્રદ અને જટીલ સારવાર

પરંપરાગત પ્લાસ્ટરમાં પ્લાસ્ટર ઓફ પેરિસનો ઉપયોગ કરીને તમારા ક્રેકવાળા ભાગને એક જ સ્થિતિમાં રહે એ રીતે પ્લાસ્ટર કરી દેવાય છે. એ પ્લાસ્ટર કરી દીધા બાદ પંદર દિવસ કે બે-ત્રણ મહિના સુધી રાખી મૂકવામાં આવે ત્યારે તેમાં સફાઈ પણ થઈ શકતી નથી, તે બિનઆરોગ્યપ્રદ થઈ જાય. પરસેવાને કારણે તેમાંથી ગંધ તો આવે જ સાથે બીજો કોઈ રોગ થઈ જવાનું જોખમ પણ રહે છે.

સફેદ રંગના પ્લાસ્ટરને બદલે કલરફૂલ ટેક્નોલોજી

વળી એ પ્લાસ્ટર તો એક જ સફેદ જાણે શોક પાળતા હોય એવા રંગમાં જ આવે છે, તેને કારણે પણ જાણે આપણું મન અળવિતરું થઇ જતું હોય છે. જ્યારે કાસ્ટ ૨૧ એ કલરફુલ પણ છે. એ કારણે એમ મનાય છે કે આપણું મન પણ પ્રફુલ્લિત થઇ જાય, જે વહેલું સારું થવામાં ઉપયોગી નીવડે છે. વળી બાળકો પરંપરાગત પ્લાસ્ટરથી એટલા માટે ગભરાય જાય છે કે તે કાઢતી વખતે કાપવું પડતું હોય છે. કટરથી કાપતી વખતે વાગી જવાનો સતત ભય બાળકોને ડરાવતો હોય છે. જ્યારે કાસ્ટ ૨૧માં એવો કોઇ ભય રાખવાની જરૂર રહેતી નથી.

ઓર્થોપેડિક્ ટેક્નોલોજીમાં નવી દિશા ઉઘાડશે

જો કે હજુ કાસ્ટ ૨૧ અંગે વધુ સંશોધન ચાલી રહ્યું છે. એ બાદ તે ઓર્થોપેડિક ટેક્નોલોજીમાં નવી દિશા ઉઘાડશે. હાલ તો કંપનીએ ફક્ત હાથ માટે જ આ ટેક્નિક વિકસાવી છે અને મધ્યમ કદ માટે છે. પરંતુ તેઓ હવે વિવિધ કદ માટે ટેકનિક વિકસાવશે, સાથે જ પગ માટે પણ એ જ પ્રકારની ટેકનિક વિકસાવાશે.

વીજળી, પાણીની બચત

હોગે જણાવ્યું હતું કે, મોટા ભાગના ફ્રેક્ચર બાળકો, તરુણો કે વૃદ્ધામાં થતા હોય છે. તેમને માટે આ એક સરળ ઉપાય છે. વળી પરંપરાગત પ્લાસ્ટરને કાપવું પડતું હોય છે, જેમાં વીજળીનો ઉપયોગ થાય છે. જ્યારે કાસ્ટ ૨૧માં વીજળીનો ઉપયોગ કરવો પડતો નથી, એ ઉપરાંત તેમાં પાણી પણ વપરાતું નથી, તેથી વીજળી અને પાણી બંનેનો બચાવ થાય છે.

ભવિષ્યમાં કોઈ પણ અંગ માટે ઉપયોગી થાય એવી ટેક્નોલોજી વિકસાવશે

હોગે વધુમાં જણાવ્યું હતું કે આ તો એક આઇડિયા છે, જે પુરવાર કરે છે કે આ ટેક્નોલોજી ઉપયોગી સાબિત થઇ શકે એમ છે. હવે પ્રોટોટાઇપથી આગળ વધીને એક કામ કરતું મોડેલ તૈયાર કરી દેવાયું છે. અત્યારે તો ફક્ત હાથ માટે જ આ ટેક્નોલોજીનો ઉપયોગ થાય એવો વિચાર છે. પરંતુ સમય જતાં આખા શરીરના કોઇ પણ ભાગમાં તેનો ઉપયોગ કરી શકાશે. આંગળીથી માંડીને કોઇ પણ અંગ માટે તેનો ઉપયોગ થઇ શકે એ પ્રકારે ટેક્નોલોજી વિકસાવી શકાશે.

પરંપરાગત પ્લાસ્ટર કરતાં કઈ રીતે જુદું પડે ?

 • વોટરપ્રૂફ । સામાન્ય પ્લાસ્ટર હોય તો તે ભીનું થઇ ન જાય તેની કાળજી રાખવી પડે કારણ કે પાણી લાગવાથી એ પ્લાસ્ટર નબળું પડી જાય અને તેને કારણે હાડકાંને યોગ્ય સપોર્ટ મળતો નથી. કાસ્ટ ૨૧ પાણીમાં ભીંજાય તો કશું થતું નથી. એ વોટરપ્રૂફ છે.
 • હવાની અવરજવર । પ્લાસ્ટર કર્યું હોય તો ચામડીમાં ખંજવાળ આવી શકે છે, પરંતુ તેની સફાઈ કરવી શક્ય નથી. ઘણી વખત ઇન્ફેક્શન થઈ જવાની પણ ભીતિ રહે છે. કાસ્ટ ૨૧ એક જાતનું પાંજરું છે, તેને કારણે ચામડીને હવા લાગતી રહે છે, તેને કારણે તેમાં ઇન્ફકેશનથવાનો કે પરસેવો વળવાની સંભાવના રહેતી નથી.
 • દર્દીને બંધબેસતું । પરંપરાગત પ્લાસ્ટર ઢીલું પડે કે ચપોચપ થઈ જાય તો ડોક્ટર પાસે ચેક કરાવવું પડે છે, જ્યારે કાસ્ટ ૨૧ તો પ્રવાહી રસાયણનો ઉપયોગ કરાતો હોવાને કારણે તમારા અંગને બરોબર બંધ બેસતું હોય છે.
 • તરત જ જકડી લે । પ્લાસ્ટર કે ફાઇબર ગ્લાસથી થતું પ્લાસ્ટર સુકાતા ૨૦ મિનિટ થતી હોય છે. ત્યાં સુધી તમારે હાથ કે પગ સ્થિર રાખવા પડતા હોય છે. કાસ્ટ ૨૧ને સુકાવામાં માંડ થોડી સેકન્ડ થાય છે.
 • કાઢવું પણ સરળ । હાડકું સંધાઈ જાય એટલે એક ખાસ કટરથી પ્લાસ્ટર કાપવું પડતું હોય છે. તમને ઈજા થયા વિના પ્લાસ્ટર કાપી નાખવું એ પણ એક કળા છે. જરાય ચૂક થાય તો તમને વાગી શકે છે. કાસ્ટ ૨૧ ને કાપવાની જરૂર પડતી નથી. તેના છેડા જ ખોલી નાખવાના રહે છે, તેથી ઈજા થવાની સંભાવના રહેતી નથી.

કાસ્ટ ૨૧ વિશેષતા

 • પાણીમાં ભીંજાય તો કશું થતું નથી. એ વોટરપ્રૂફ છે.
 • વીજળી, પાણી બંનેનો બચાવ થાય છે.
 • આંગળીથી માંડીને કોઇ પણ અંગ માટે તેનો ઉપયોગ થઇ શકે.
 • હવાની અવરજવર પણ થાય અને જરાય તકલીફ ન પડે એવું પ્લાસ્ટર
 • એક જાતનું પાંજરું છે, તેને કારણે ચામડીને હવા લાગતી રહે છે, તેને કારણે તેમાં ઇન્ફકેશનથવાનો કે પરસેવો વળવાની સંભાવના રહેતી નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન