હવે ચીનમાં ઓટોમેટિક ખેતીનો વાયરો ફૂંકાશે - Sandesh
  • Home
  • Columnist
  • હવે ચીનમાં ઓટોમેટિક ખેતીનો વાયરો ફૂંકાશે

હવે ચીનમાં ઓટોમેટિક ખેતીનો વાયરો ફૂંકાશે

 | 1:34 am IST

ઓવર વ્યૂ

ચીનને એ વિશ્વાસ છે કે આવનારા સમયમાં ઓટોમેટિક ખેતીનું જ ભવિષ્ય છે. દેશમાં મશીનોથી થતી ખેતીને પ્રોત્સાહન આપવા માટે ચીન ઝડપથી કામ કરી રહ્યું છે. ચીન પ્રશાસનનું માનવું છે કે ડ્રાઇવર વિના પાક કાપતી મશીનો દેશના કૃષિ ક્ષેત્રનું ભવિષ્ય છે. પૂર્વ ચીનના જિન્હુઆમાં એવી જ એક મશીન ખેતીમાં ઝડપથી ડાંગર કાપતી જોવા મળી શકે છે.

ગયા વર્ષે આ મશીનનું પરીક્ષણ થયું હતું. સરકારે કંપનીઓને કહ્યું હતું કે, સાત વર્ષની અંદર તેમણે એવા મશીન બનાવવાના છે, જે માણસ વિના ચોખા, ઘઉં અને મકાઈ જેવા પાક ઉગાડી શકે. આ મશીનનો ઉપયોગ કરવો દુનિયાની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થાના કૃષિ ક્ષેત્ર માટે ખૂબ જ જરૂરી થઈ ગયું છે. ચીનના ગામોમાં રહેતા લોકો મોટા ભાગે વધુ વયના છે અને યુવાનોને ખેતીમાં કામ કરવામાં કોઈ રસ નથી.

ઓસ્ટ્રેલિયા અને અમેરિકામાં પણ એવા મશીન પર કામ ચાલી રહ્યું છે, જો કે ચીનનું કૃષિ ક્ષેત્ર સૌથી મોટું છે, તેથી તેમના માટે મશીનો વધુ જરૂરી છે. ટ્રેક્ટર નિર્માતા ચાંગઝો ડોંગફેંગ સીવીટી કંપની લિમિટેડના મહાપ્રબંધક ચેંગ યૂનું કહેવું છે કે, ઓટોમેટેડ ખેતી જ ભવિષ્ય છે અને તેની માગ પણ ઘણી ઝડપથી વધી રહી છે. સીવીટી કંપનીએ પણ જિન્હુઆમાં પોતાની એક મશીનનું પરીક્ષણ કર્યું હતું. ઓટોમેટેડ ખેતીની રાહ આસાન નથી કેમકે દેશમાં દરેક પ્રકારના વિસ્તાર છે અને તમામ ખેતરોમાં મોટા મશીનો માટે જગ્યા નથી. ચીનના ઉત્તરમાં આવેલા હેબેઇ પ્રાંતના એક ઘઉંના ખેડૂત લી ગુઓયોંગનું કહેવું છે કે, મેં ડ્રાઇવર વિનાના ટ્રેક્ટર જોયા છે, પણ મને નથી લાગતું કે તે ચાલશે. ખાસ કરીને મોટા ટ્રેક્ટર. તેમના વિસ્તારમાં કેટલાય તો થોડા હેક્ટરના જ ખેતર છે.

સ્થાનિક ટેક્નોલોજીને પ્રોત્સાહન

પોતાની સાત વર્ષની મહત્ત્વાકાંક્ષી યોજનાઓને પૂરી કરવા માટે બેઇજિંગ સ્થાનિક ટેક્નોલોજીને ટેકો આપે છે. બધા પરીક્ષણ ઉદ્યોગ જૂથ ટેલિમેટિક્સ ઇન્ડસ્ટ્રીઝ એપ્લિકેશન એલાયન્સના માધ્યમથી આયોજિત થઈ રહ્યા છે. કેટલાક અન્ય પ્રાંતોમાં અલગ અલગ વિસ્તારોમાં હવે પછીના પરીક્ષણ થશે.

વાઈટીઓ ગ્રૂપે પોતાનું પહેલું ડ્રાઇવર વિનાનું ટ્રેક્ટર ૨૦૧૭માં બનાવ્યું હતું અને કંપની ખૂબ જ ઝડપથી મોટા પાયે તેનું ઉત્પાદન શરૂ કરવા ઇચ્છે છે. પરંતુ જો એ બધું માગ કેવી રહે તેના પર નિર્ભર કરશે.

હોંગકોંગ બ્રોકિજ સીએલએસએમાં ચીન દ્યોગિક અનુસંધાનના વડા એલેક્સ લીનું માનવું છે કે ચીનમાં ઓટોનોમસ ટેક્નોલોજી ઘણી ઝડપથી આગળ વધશે કેમકે ચીનની કંપનીઓની પાસે સ્થાનિક ઉપગ્રહ નેવિગેશન પ્રણાલી છે, જે તેને આંતરરાષ્ટ્રીય સાથીઓથી આગળ લઈ જઈ રહી છે. એ ચીનના બેઇદો ઉપગ્રહ નેવિગેશન સિસ્ટમનો ઉલ્લેખ કરી રહ્યા હતા, જે અમેરિકન ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમનો પ્રતિસ્પર્ધી છે. બેઇજિંગે પોતાની મેઇડ ઇન ચાઇના ૨૦૨૫ યોજનામાં ખેતીમાં કામ કરતા મશીનોને પણ સામેલ કર્યા છે. તેનો અર્થ એ છે કે ૨૦૨૫ સુધી ખેતીમાં કામમાં આવતા મોટા ભાગના મશીનો ચીનમાં બનશે. સેમિ ઓટોમેટેડ ટેક્નોલોજી અમેરિકાના કેટલાક વિસ્તારોમાં પહેલાંથી જ પ્રચલિત છે. પરંતુ પૂરેપૂરી ઓટોમેટિક હોય એવી ટેક્નોલોજી હજુ બનાવાઈ નથી.

નાના નાના ખેતરો

ચીનના કેટલાય ખેતરો સામાન્ય ટ્રેક્ટરો માટે પણ પૂરતા માપના નથી, તો તેનાથી ચાર ઘણા મોટા અને મોંઘા ડ્રાઇવર વિનાના ટ્રેક્ટર ત્યાં કઈ રીતે સફળ થઈ શકશે ? ડ્રાઇવર વિનાના ટ્રેક્ટર ૬૪ લાખ રૂપિયા સુધીના હોય છે. ચીનમાં ૯૦ ટકા ખેતરો એક હેક્ટરથી પણ નાના છે. અમેરિકામાં જ્યાં ૯૦ ટકા ખેતરો પાંચ હેક્ટરથી મોટા છે. જાણકારોનું માનવું છે કે ભૂમિ અધિકારોમાં સુધારાને કારણે ખેડૂતોને વધુ જમીન મળવી જોઈએ.જિઆંગસુ વિશ્વ વિદ્યાલયના કૃષિ ઉપકરણ એન્જિનિયરિંગ સ્કૂલના ઉપ નિર્દેશક વી.સિન્હુઆનું કહેવું છે કે, મશીનોમાં લાગતા સેન્સરોને વધુ બહેતર બનાવવા જોઈએ, જેથી તે બદલાતી સ્થિતિ પ્રમાણે કામ કરી શકે. જાણકારોનું એ પણ કહેવું છે કે એ ઉતાવળભર્યું ગણાય કે ઓટોમેટેડ ટેક્નોલોજીવાળી મશીનોનું સેક્ટર કેટલું સફળ રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન