હવે નર્મદા'બંધ' પાળશે અને જળસંકટ ઊભું થશે! - Sandesh
NIFTY 10,397.45 +37.05  |  SENSEX 33,844.86 +141.27  |  USD 64.7550 -0.04
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Columnist
  • હવે નર્મદા’બંધ’ પાળશે અને જળસંકટ ઊભું થશે!

હવે નર્મદા’બંધ’ પાળશે અને જળસંકટ ઊભું થશે!

 | 3:01 am IST

રોંગ નંબર :- હર્ષદ પંડયા ‘શબ્દપ્રીત’

આમ તો સામાન્ય માણસ સાચું ન માને પણ આપણા રાજ્યના ખુદ મુખ્યમંત્રી એમ કહે કે નર્મદા ડેમમાં પાણી નથી, તો એને સાચું માનવું પડે, કેમ કે આવું બોલવાની આદત ખરેખર તો વિરોધપક્ષોને હોય છે પણ આ તો ખુદ રૂપાણીસાહેબ જ કહેતા હોય કે પાણી નથી તો ખરેખર સાચું માનવું જ પડે!

શિયાળો હજી પૂરો ગયો નથી અને ઉનાળો ‘આવું આવું’ કરી રહ્યો છે ત્યારે જ પાણીની અછત ભલભલાનું પાણી ઉતારી દે એમાંય શંકા નથી. શાસકપક્ષના એક જુનિયર નેતાને લાગ્યું કે ખુદ રૂપાણી પોતે જ એવું નિવેદન કર્યું છે કે નર્મદા ડેમમાં હવે એટલું પાણી રહ્યું નથી, જેટલું રહેવું જોઈએ, તો લાવને બીજો કોઈ નેતા પોતાનું દુઃખ વ્યક્ત કરે એ પહેલાં હું જ લોકોને હૈયાધારણ આપવાનું શરૂ કરી દઉં કે જેથી કરીને આમ આદમીને લાગે કે ભલે નર્મદા ડેમમાં પાણી નથી પણ આ નેતામાં તો છે!

એ તો ઊપડયા પોતાના મતવિસ્તારના એક અંતરિયાળ ગામડે, મીડિયાના પૂરા કાફલા સાથે!

ગામડાના આમ આદમી ખાસ આદમી, નાનાં-મોટાં અબાલવૃદ્ધ સૌની સભાનું એમણે આગોતરું આયોજન કરાવી રાખેલું એટલે સંખ્યાનો તો કોઈ પ્રોબ્લેમ નહોતો! સત્તાધારી પક્ષના નેતાઓને સંખ્યાનું વરદાન હોય છે!

આપણા વિસ્તારના ધારાસભ્ય અને આવનારા સમયના રાજ્યના ભાવી મંત્રી પોતાનું પ્રવચન શરૂ કરે એ પહેલાં મારે તમને સૌને એક સૂચના આપવાની છે અને સાહેબને સહેજ સાવચેત કરવાના છે કે, સાહેબ પ્રવચન શરૂ કરે ત્યારે કોઈએ વચ્ચે ‘પાણી, પાણી’ના નારા લગાવવાના નથી. હમણાં ગયા અઠવાડિયે જ તમારા આવા તોફાની શોરબકોર અને નારાબાજીને લીધે જે રમખાણ મચી ગયું અને એમાં કોણ જાણે કેમ, કોણે એવું જોરથી ટામેટું ફેંક્યું કે એ નેતાસાહેબ અત્યારે આંખની હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. કાલે જ એમની ખબર પૂછવા હું ગયો, ત્યારે એમણે મારી ખબર લઈ નાખતાં શું કહેલું ખબર છે? એમણે ફરિયાદના સૂરમાં એવું કહેલું કે તારા ગામના માણસોને એટલીય ખબર નથી પડતી કે કાચું ટામેટું ના ફેંકાય? પાકું ટામેટું ફેંક્યું હોત તો મને બે ફાયદા થયા હોત. એક ફાયદો એ કે મને ઓછા પ્રમાણમાં વાગ્યું હોત અને હોસ્પિટલમાં દાખલ થવું ના પડયું હોત અને બીજો ફાયદો એ થયો હોત કે ટામેટું પાકું હોત તો તત્કાલ ખાઈ પણ શકાત અને પેલાં કાચાં ટામેટાનો જે બગાડ થયો એ બગાડ પણ ન થયો હોત. તો સૌને મારી વિનંતી છે કે આજે આ સાહેબની સભામાં એવું કંઈ થાય નહીં એની સૌ કાળજી રાખજો. હવે હું નેતાસાહેબને પાણી વિશે પાણીદાર પ્રવચન કરવા માટે વિનંતી કરીને એમને માઇક સોંપું છું.’

‘ભાઈઓ અને બહેનો, માતાઓ અને —પિ…— વડીલો અને સૌ બાળગોપાળો!’ નેતાસાહેબે માઇકને ગળચીમાંથી પકડીને કહ્યું, ‘આજે ઘણા સમય પછી તમારા સૌનાં દર્શન કરવાનો મને અમૂલ્ય અવસર મળ્યો એ બદલ હું આપનો કે આયોજન સમિતિનો નહીં પણ પાણીનો આભાર માનું છું. એ જો રિસાયું ન હોત તો હજીય હું તમારાં દર્શન કરી શક્યો ન હોત. પાણીની અછતનો આ ક્ષણે આભાર માનું એટલો ઓછો છે. મને થોડા સમય પહેલાં જ ખબર પડી કે નર્મદામૈયાએ, ‘ય્ર્ જીર્ઙ્મુ’ આંદોલન શરૂ કરી ડેમમાં પાણી ઘટાડવા માંડયું છે, તો મિત્રો હિંમત ન હારશો. અમને ખબર છે કે જો તમે હિંમત હારશો તો અમારી શું દશા થશે. અમારા અસ્તિત્વ ખાતર પણ હિંમત ન હારશો. એટલો વિશ્વાસ રાખજો કે હિંમતે મર્દા તો મદદે પાણી. જેમ બને એમ પાણીની કરકસર કરવાનું શરૂ કરી દેજો. આવનારાં જળસંકટનો સામનો કરવા માટે હું સરકારને આપ સૌ વતી વિનંતી કરીને જેમ બને એમ જલદી, આ વિસ્તારમાં વોટર બેન્ક શરૂ કરાવી દઈશ કે જેથી કરીને તમે દરરોજનું ઓછામાં ઓછું એક લિટર પાણી એમાં જમા કરાવી શકો, પાણી માટેની આ સેવિંગ સ્કીમથી આવનારા સમયમાં પાણીની અછતનો તમે સૌ સારી રીતે મુકાબલો કરી શકશો. વળી હું એવી પણ યોજના શરૂ કરાવીશ કે જેથી કરીને તમારા આ ગામ અને દૂર રહેલી નર્મદા કેનાલ વચ્ચેનું અંતર સાવ ઘટી જાય. એ માટે કલેક્ટરને હું સૂચના આપીશ કે ઇરિગેશનને લગતા કોઈ એન્જિનિયરની સલાહ લઈને એ નહેરને ગામડાની નજીક લાવવાનો અથવા તો સિવિલ એન્જિનિયરની સલાહ લઈને આ ગામડાને એ નહેર પાસે લઈ જઈને પાણીની સમસ્યા હળવી કરી શકાય.’

પ્રવચન ચાલતું’તું ત્યાં જ સભામાંથી એક જણે ઊભા થઈને શાંતિથી પૂછયું : પણ સાહેબ, નહેરમાં પાણી જ નહીં હોય તો એટલો મોટો ખર્ચો પાણીમાં નહીં જાય?

‘વાહ! બહુ સરસ પ્રશ્ન પૂછયો. તમારા પ્રશ્નની હું એટલા માટે કદર કરું છું કે એક સરપંચ તરીકે તમને સરકારી ખર્ચની કેટલી બધી ચિંતા છે! પણ ડોન્ટ વરી, એ માટે અમે યજ્ઞા, હોમ, હવન કરીને વરુણદેવને પ્રાર્થના કરીશું અને શક્ય હશે તો કેન્દ્રમાં રજૂઆત કરીને ચાઇનાથી પાણી મગાવીને પણ નહેરને પાણીથી ભરી દઈશું. તેમ છતાં આવું ન કરવું પડે એ માટે આપણે વોટર સેવિંગ સ્કીમના જ એક ભાગરૂપે ટપકયોજના શરૂ કરીશું. ટપકયોજના અંતર્ગત પાંચ મુદ્દાને આવરી લેવામાં આવશે. (૧) ઘરે મહેમાનો આવે ત્યારે અથવા તો તમે કોઈને ત્યાં મહેમાન બનીને જાઓ ત્યારે, ગ્લાસમાં કે કપમાં નહીં પણ ચમચીમાં જ પાણી પીવડાવવું અથવા પીવું. (૨) ભગવાનની પૂજા કરતી વેળાએ કે સૂર્યનારાયણને અર્ઘ્ય આપવા માટે પણ કળશને બદલે ચમચીમાં પાણી લેવું. (૩) ૧૬ વર્ષની ઉંમર સુધીનાં બાળકોને નહાવામાંથી મુક્તિ આપવી અને વયસ્કોએ મહિનાના પાંચમા રવિવારે જ સ્નાન કરવું. બાકીના દિવસોમાં માથા પર પાણીનાં પાંચ ટીપાં છાંટી દેવાં. આમ કરવાથી મોટો ફાયદો એ થશે કે શેમ્પુ, હેરકન્ડિશનર, ગિઝર, ટુવાલ અને નહાવાના સાબુનો ખર્ચ અટકી જશે. (૪) હાથ બગડે એવી રસોઈ કરવી નહીં. કરનાર પર સખત વોચ રાખવામાં આવશે. હાથ ધોવામાં પાણીનો બગાડ થાય છે એટલો બગાડ તો પીવામાંય નથી થતો અને (૫) કપડાં ધોવા પર કડકમાં કડક પ્રતિબંધ મૂકવામાં આવશે. પરિણામે વોશિંગ પાઉડરનો ખર્ચ અને વોશિંગ મશીનની વપરાશ બંધ રાખવાને લીધે લાઇટબિલનો ખર્ચ પણ તદ્દન બંધ થઈ જશે. આને કહેવાય મિત્રો આફતને અવસરમાં ફેરવવાની લલિતકલા! જેનાં કપડાં જેટલાં વધુ પ્રમાણમાં ગંદાં હશે એને એ પ્રમાણે પાણીનાં રેશનમાં લાભ આપવામાં આવશે અને પાણીના વેરામાં ૫૦ ટકા રાહત આપવામાં આવશે.’

મિત્રો, આ પાંચ મુદ્દાની ટપકયોજનાને સાકાર કરવી એ અમારો નેતાસિદ્ધ અધિકાર છે અને આપ સૌની પ્રજાસિદ્ધ ફરજ છે. ફરજપાલન વિના અધિકાર જળવાતો નથી એવું ન્યૂ ચાણક્યનું(અવળ) નીતિશાસ્ત્ર કહે છે, વળી એક વાત જણાવતાં મને અત્યંત ખુશી થાય છે કે પાણીની અછતમાં આપણે સૌ હવે એકદમ શુદ્ધ અને ચોખ્ખું દૂધ મેળવી શકીશું!

ડાયલટોન : 

  • કાગઝ પે લિખી શાયરી બકરી ખા ગઈ.
  • ચર્ચા પૂરે શહર મેં હુઈ કિ બકરી શેર ઔખા ગઈ!